જયપુર તા.18 જાન્યુઆરી 2020 શનિવાર
કોંગ્રેસ સહિત મોટા ભાગના વિપક્ષો CAAના વિરોધમાં આંદોલન કરી રહ્યા છે ત્યારે રાજસ્થાનની કોંગ્રેસ રાજ્ય સરકારે પાકિસ્તાનથી આવેલા હિન્દુ શરણાર્થીઓને અર્ધી કિંમતે જમીન આપવાની જાહેરાત કરી હતી.
એનો એક અર્થ એ પણ થયો કે CAAના વિરોધના મુદ્દે કોંગ્રેસમાં પણ આંતરિક મતભેદો પ્રવર્તે છે. કોંગ્રેસ મોવ઼ી મંડળના રાહુલ ગાંધી પ્રિયંકા ગાંઘી અને ખુદ સોનિયા પણ નાગરિકતા અંગેના આ નવા કાયદાનો જાહેરમાં વિરોધ કરી ચૂક્યા છે.
બીજી બાજુ કોંગ્રેસનું શાસન ધરાવતા રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગેહલોતે એવી જાહેરાત કરી હતી કે પાકિસ્તાનથી આવેલા હિન્દુ શરણાર્થીઓને અમે અર્ધી કિંમતે જમીન આપીશું.
ગેહલોત માત્ર જાહેરાત કરીને અટક્યા નહોતા. તેમણે પાકિસ્તાનથી અહીં આવેલા 100 હિન્દુ પરિવારોને અર્ધી કિંમતે જમીન આપતા દસ્તાવેજો સુપરત કર્યા હતા. જયપુર ડેવલપમેન્ટ ઓથોરિટીએ આ 100 પરિવારોને જમીનની માલિકી આપતા દસ્તાવેજો તૈયાર કર્યા હતા જે રાજ્ય સરકારે હિન્દુ પરિવારોને આપ્યા હતા.
પાકિસ્તાન અને બાંગ્લા દેશથી આવેલા હિન્દુ શરણાર્થીઓના મુદ્દે કોંગ્રેસને ખલનાયક ચીતરવાના ભાજપના પ્લાનને ફટકો મારવા અશોક ગેહલોતે આ યોજના અમલમાં મૂકી હોવાનું રાજકીય પંડિતો માને છે.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/30x2quK
via Latest Gujarati News
0 Comments