
અમે સોનિયા જેવા મહાન અને ખુલ્લા હૃદયના નથી, અમે એ દોષિતોને ક્યારેય માફ નહીં કરીએ : નિર્ભયાના પિતાનો જવાબ
નવી દિલ્હી, તા. 18 જાન્યુઆરી, 2020, શનિવાર
નિર્ભયાના દોષિતોને સાત-સાત વર્ષથી ફાંસીની સજા નથી થઈ રહી અને સામૂહિક દુષ્કર્મ જેવું જધન્ય કૃત્ય આચરનારા ગૂનેગારો કાયદાની છટકબારીઓનો લાભ ઉઠાવી ફાંસીની સજાને પાછી ઠેલી રહ્યા છે તેવા સમયે વરિષ્ઠ વકીલ ઈન્દિરા જયસિંહે નિર્ભયાની માતા આશાદેવીને વણમાગી સલાહ આપતા નિર્ભયાના દોષિતોને માફ કરી દેવા વિનંતી કરી હતી.
ઈન્દિરા જયસિંહની આ સલાહ સાંભળી આશાદેવી ભડકી ગયાં હતાં. તેમણે કહ્યું કે, ઈન્દિરા જયસિંહ જેવા લોકોના કારણે જ આ દેશમાં બળાત્કારો થતા રહે છે. આવા લોકો રેપીસ્ટોનું સમર્થન કરી તેમની આજીવિકા રળે છે. નિર્ભયાના પિતાએ પણ કહ્યું કે તેઓ સોનિયા ગાંધી જેવા મહાન નથી. અમે ક્યારેય નિર્ભયાના દોષિતોને માફ નહીં કરીએ.
ઈન્દિરા જયસિંહના નિર્ભયાના દોષિતોને માફ કરવાના સૂચન પર આક્રોશપૂર્ણ પ્રતિક્રિયા આપતાં આશાદેવીએ જણાવ્યું હતું કે મને આ સૂચન કરનાર ઈન્દિરા જયસિંહ છે કોણ? આખો દેશ દોષિતોને ફાંસી થાય તેમ ઈચ્છે છે.
તેમના જેવા લોકોના કારણે જ દેશમાં બળાત્કાર પીડિતાઓ સાથે ન્યાય નથી થઈ શકતો. આવા લોકોના કારણે જ દેશમાં બળાત્કારની ઘટનાઓ અટકતી નથી. હું ક્યારેય આ રાક્ષસોને માફ નહીં કરૂં. ભગવાન આવીને કહે કે આશા તું માફ કરી દે, તો પણ હું આ રાક્ષસોને માફ નહીં કરૂં.
સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ ઈન્દિરા જયસિંહની સલાહ સાંભળીને નિર્ભયાની માતા ભડકી ગયાં અને ઈન્દિરા જયસિંહ અંગે આકરી ટીપ્પણી કરતાં કહ્યું, વિશ્વાસ નથી થતો. ઈન્દિરા જયસિંહ મને આવું સૂચન કરવાની હિંમત કેવી રીતે કરી શકે?
છેલ્લા કેટલાક વર્ષમાં સુપ્રીમ કોર્ટમાં તેમની સાથે અનેક વખત મારી મુલાકાત થઈ હતી. તેમણે એક વખત પણ મારા ખબર-અંતર પૂછ્યા નથી અને આજે તે દોષિતોની તરફેણમાં બોલી રહ્યાં છે. આવા લોકો રેપિસ્ટોનું સમર્થન કરીને પોતાની આજીવિકા રળે છે.
નિર્ભયાના દોષિતોને માફી આપવાનું સૂચન કરીને ઈન્દિરા જયસિંહ ચારેબાજુથી ઘેરાઈ ગયા છે. તેમના આ સૂચન અંગે નિર્ભયાના પિતાએ પણ તેમની ઝાટકણી કાઢી હતી. તેમણે કહ્યું કે તેમના પરિવારનું હૃદય સોનિયા ગાંધી જેટલું મોટું નથી. તેમણે ઈન્દિરા જયસિંહને માફી માગવા માટે પણ કહ્યું.
તેમણે ઉમેર્યું કે ઈન્દિરા જયસિંહ પોતે જ એક મહિલા છે. તેમણે તો બળાત્કારીઓની વિરૂદ્ધ ઊભા થવું જોઈએ. તેમણે તેમના નિવેદન બદલ શરમ અનુભવવી જોઈએ અને નિર્ભયાની માતાની માફી માગવી જોઈએ. અમે સાત વર્ષથી આ કેસ લડી રહ્યા છીએ. અમે સામાન્ય માણસ છીએ, રાજકારણી નથી. તેમના જેવી માનસિક્તા જ દેશમાં બળાત્કારની વધતી ઘટનાઓ માટે જવાબદાર છે.
સોનિયાની જેમ ઉદાહરણ પૂરૂં પાડી નિર્ભયાની માતા દોષિતોને માફ કરી દે : ઈન્દિરા જયસિંહ
નવી દિલ્હી, તા. 18
નિર્ભયાના દોષિતોને ફાંસીમાં થઈ રહેલા વિલંબ મુદ્દે વિવાદ સર્જાયો છે તેવા સમયે ભૂતપૂર્વ અધિક એટર્ની જનરલ અને સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ ઈન્દિરા જયસિંહે કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીની જેમ નિર્ભયાની માતા આશાદેવીને ઉદાહરણ પૂરૂં પાડવા નિર્ભયાના દોષિતોને માફ કરી દેવાનું સૂચન કર્યું હતું. તેમણે ટ્વીટ કરતાં લખ્યું કે તેઓ આશા દેવીની સાથે છે.
તેમની તકલીફ અને દુ:ખદર્દ સમજે છે, પરંતુ તેઓ ફાંસીની સજાની વિરૂદ્ધ છે. એકબાજુ હું નિર્ભયાની માતાની તકલીફમાં સંપૂર્ણપણે તેમની સાથે છું, ત્યારે હું તેમને અપીલ કરૂં છું કે તેઓ સોનિયા ગાંધીની જેમ ઉદાહરણ રજૂ કરે, જેમણે નલીનીને માફ કરી હતી અને કહ્યું હતું કે તેઓ નલીની માટે મોતની સજા નથી ઈચ્છતાં. અમે લોકો તમારી સાથે છીએ, પરંતુ મોતની સજા વિરૂદ્ધ છીએ.
ઉલ્લેખનીય છે કે 1999માં વિપક્ષનાં તત્કાલીન નેતા સોનિયા ગાંધીએ રાજીવ ગાંધીની હત્યાની દોષિત નલિની શ્રીહરનની મોતની સજા માફ કરવા કહ્યું હતું. નલિનીને સજા થઈ ત્યારે તે ગર્ભવતી હતી. આ કેસમાં તેના પતિને પણ મોતની સજા થઈ હતી. પાછળથી બંનેની સજાને આજીવન કેદમાં ફેરવાઈ હતી.
નિર્ભયા કેસમાં પવન સગીર છે કે નહીં : સુપ્રીમ કોર્ટમાં કાલે સુનાવણી
નવી દિલ્હી, તા. 18
નિર્ભયા કેસમાં ચારેય દોષિતો માટે ડેથ વોરંટ ઈશ્યુ થઈ ગયું છે ત્યારે એક દોષિત પવન ગુપ્તાએ ગૂના સમયે પોતે સગીર હોવાની અરજી પર સુપ્રીમ કોર્ટમાં 20મી જાન્યુઆરીને સોમવારે સુનાવણી હાથ ધરાશે. ડિસેમ્બર 16, 2012માં નિર્ભયા પર સામૂહિક દુષ્કર્મ સમયે પોતે સગીર હોવાનો દાવો કરતી અરજી પવને દિલ્હી હાઈકોર્ટમાં કરી હતી, પરંતુ કોર્ટે તેની અરજી નકારી કાઢી હતી. જોકે, પવને હવે દિલ્હી હાઈકોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે અને દાવો કર્યો હતો કે તેની સામે જુવેનાઈલ કાયદા હેઠળ કામ ચાલવં જોઈએ. પવન ગુપ્તની અરજી પર સોમવારે ન્યાયાધીશો આર. ભાનુમતી, અશોક ભૂષણ અને એ. એસ. બોપન્નાની બેન્ચ સુનાવણી કરશે. દરમિયાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મુકેશની દયાની અરજી નકારી કાઢી હતી જ્યારે અન્ય ત્રણ દોષિતોએ હજી દયાની અરજી નથી કરી.
દોષિતોને માફી કે સજા અંગે પીડિતાના પરિવારના મતનું કાયદેસર કોઈ મહત્ત્વ નથી : નિષ્ણાતો
નવી દિલ્હી, તા. 18
નિર્ભયા સામૂહિક બળાત્કાર અને હત્યા જેવા જધન્ય ગૂનાના કેસમાં દોષિતોને માફ કરવા કે નહીં તે અંગે પીડિતાના પરિવારના મતનું કાયદેસર કોઈ મહત્વ નથી કારણ કે આવા ગૂના દેશ સામે હોય છે તેમ શનિવારે કાયદાકીય નિષ્ણાતોએ જણાવ્યું હતું. વરિષ્ઠ વકીલ રાકેશ દ્વિવેદી અને વિકાસ સિંહે કહ્યું કે કાયદાના શાસનમાં ફોજદારી કેસમાં કોઈ પીડિત વ્યક્તિના પરિવારના સભ્યોનો દોષિતોને સજા આપવી કે માફ કરવાના મતને ધ્યાનમાં લેવાતો નથી. આવા કેસોમાં કોર્ય કાયદા મુજબ જ કામ કરે છે. આવા કેસોમાં ફરિયાદ પક્ષ હંમેશા સરકાર હોય છે. તેથી કેસમાં સરકાર વિરૂદ્ધ જે-તે વ્યક્તિ હોય છે. ફોજદારી ગૂનો હંમેશા સરકાર વિરૂદ્ધ હોય છે. જોકે, પરિવારના સભ્યો દોષિતોને માફ કરી દે તો રાષ્ટ્રપતિ સમક્ષ દયાની અરજીમાં દોષિતો તેનો ઉપયોગ કરી શકે છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/38vpgWL
via Latest Gujarati News
0 Comments