
કાબુલ, તા. 27 જાન્યુઆરી, 2020, સોમવાર
અફઘાનિસ્તાનમાં વિચિત્ર વિમાની અકસ્માત નોંધાયો છે. એક વિમાન અફઘાનિસ્તાનના ગઝની વિસ્તારમાં સોમવારે વિમાન તૂટી પડયું હતું. શરૂઆતમાં એવા અહેવાલો આવ્યા હતા કે આ વિમાન અફઘાનિસ્તાનની એરલાઈન્સનું છે.
જોકે એરલાઈન્સે તુરંત ખુલાસો કર્યો હતો કે અમારા બધા વિમાન સલામત છે. એ પછી સવાલ ઉભો થયો હતો કે તો આ વિમાન છે કોનું? મર્યાદિત રિસોર્સ ધરાવતી અફઘાનિસ્તાન સરકારે તપાસ ચાલુ કરી છે.
દરમિયાન એવી શક્યતા વ્યક્ત થઈ હતી કે આ વિમાન અમેરિકી એરફોર્સનું ટ્રાન્સપોર્ટ વિમાન હોવું જોઈએ. કેમ કે તેના સળગી રહેલા કાટમાળમાં કેટલાક લોકોએ યુએસએએફ (યુનાઈટેડ સ્ટેટ એર ફોર્સ) એવુ લખેલું વાંચ્યુ હતુ.
અમેરિકાએ તુરંત કોઈ પ્રતિક્રિયા આપવાને બદલે તપાસ કરવાની વાત કરી છે. તેનાથી રહસ્ય વધારે ઘેરાયું છે. કેમ કે ચોવીસેય કલાક એર ટ્રાફિક પર નજર રખાતા યુગમાં અમેરિકાનું કોઈ વિમાન તૂટી પડે તો તુરંત જાણકારી મળી જાય. વિમાનના કાટમાળનો જે વિડીયો જાહેર થયો તેના આધારે એ અમેરિકી વાયુસેનાનું કમ્યુનિકેશન વિમાન હોવાની શક્યતા છે.
આ વિસ્તાર ગઝની પ્રાંતમાં તૂટી પડયું છે. એ એરિયા તાલિબાનોનો ગઢ છે. તાલિબાનોએ પણ એમ કહ્યું છે કે અમેય તપાસ કરી રહ્યાં છીએ. અમુક સ્થાનિક લોકોએ એવો દાવો કર્યો હતો કે વિમાનમાં રહેલા પાઈલટ સિવાયના બધા લોકો મૃત્યુ પામ્યા છે.
ઈરાનમાં વિમાન રન-વેને બદલે બાજુના હાઈ-વે પર ઉતર્યું
ઈરાનમાં પણ એક વિચિત્ર વિમાની અકસ્માત થયો હતો. સોમવારે ઇરાનના માશહર શહેરના એરપોર્ટ પર વિમાન ઉતરાણ કરી રહ્યું હતું. એ વખતે વિમાન રન-વે પર ઉતરવાને બદલે લસરીને જરા દૂર આવેલા હાઈ-વે પર પહોંચી ગયું હતું. સદ્ભાગ્યે હાઈ-વે ખાલી હોવાથી કોઈ ગંભીર અકસ્માત થયો ન હતો. વિમાનમાં રહેલા તમામ 135 પ્રવાસીઓ પણ સલામત રહ્યા હતા. ઈરાન સરકારે જણાવ્યુ હતુ કે પાઈલટે જરાક મોડું કર્યું એમાં રન-વેથી વિમાન આગળ નીકળી ગયું હતું.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2uCKK5j
via Latest Gujarati News
0 Comments