નવી દિલ્હી તા.25 જાન્યુઆરી 2020, શનિવાર
નાગરિકતા અંગેના નવા કાયદાની વિરુદ્ધ ઠેર ઠેર દેખાવોના નામે હિંસા કરાવવા માટે એક લઘુમતી સંસ્થાએ 120 કરોડ રૂપિયા ખર્ચ્યા હોવાની ચોંકાવનારી માહિતી મળી હતી.
જમ્મુ કશ્મીરમાં જેમ યુવાનોને પથ્થરમારો કરવા માટે રોજના પાંચ રૂપિયા અપાતા હતા એ રીતે CAA વિરુદ્ધ દેખાવો કરવા માટે રોજ નિયમિત રૂપે ચોક્કસ વિસ્તારોના યુવાનોને રોકડ નાણાં પહોંચાડવામાં આવતા હતા એવી જાણમકારી મળી હતી.
પોલીસની ક્રાઇમ બ્રાન્ચે કરેલી તપાસમાં જાણવા મળ્યા મુજબ દિલ્હી, લખનઉ, અલીગઢ, મેરઠ, શામલી, બુલંદશહર, હાપુડ, કાનપુર, બિઝનૌર, રામપુર અને કાનપુરમાં આ રીતે પૈસા પહોંચાડાતા હતા. પોપ્યુલર ફ્રન્ટ ઑફ ઇન્ડિયા (પીપીએફ) તરીકે ઓળખાતી સંસ્થાએ આ રીતે 120 કરોડ રૂપિયા ખર્ચ્યા હતા એવી માહિતી ગુપ્તચરોને હાથ લાગી હતી.
અત્યાર સુધીમાં પોલીસને આ સંસ્થાના ઓછામાં ઓછા 73 બેંક ખાતાની માહિતી મળી હતી. આ એક કટ્ટરપંથી ઇસ્લામી સંસ્થા છે. એની શાખા રિહેબ ઇન્ડ઼િયા ફાઉન્ડેશનના નામે પણ કેટલાક બેંક ખાતાં છે 73 ખાતાંમાં 120 કરોડ જમા કરાવવામાં આવ્યા અને સાવ મામુલી રકમ ખાતામાં રહેવા દઇને બાકીની રકમ રાતોરાત ઉપાડી લેવામાં આવી. પોલીસે આ તમામ વિગતો પોતાના ખબરીઓ મારફત મેળવી લીધી હતી.
પોલીસ એ હકીકત પણ શોધી રહી છે કે આ 120 કરોડ રૂપિયા આવ્યા ક્યાંથી ? આ જ સંસ્થાના વિવિધ માણસોનાં નામે બીજાં 37 બેંક ખાતાં પણ પોલીસને મળ્યા હતા.
2019ના ડિસેંબરની ચોથીએ આ કાયદો સંસદમાં પસાર થયો એ સાથે બેંકોમાં પૈસા જમા થવા લાગ્યા હતા અને ઠેર ઠેર ગુપ્ત સંદેશા પહોંચાડવામાં આવ્યા કે કેવી રીતે કાયદાનો વિરોધ કરવાનો છે. વચ્ચેના દિવસોમાં લોકોને જણાવવામાં આવેલું કે નિયમિત પાંચ હજારથી પચાસ હજાર રૂપિયા સુધીની રકમ બેંકમાં જમા કરજો અને અમે ઇશારો કરીએ ત્યારે ઉપાડી લેજો.
ક્યારેક તો એક દિવસમાં જુદી જુદી બેંકમાંથી 80 કે 90 વખત પૈસા ઉપાડવામાં આવેલા એવી માહિતી પણ પોલીસને હાથ લાગી હતી.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/37u5jza
via Latest Gujarati News
0 Comments