જામિયા ફાયરિંગ : આરોપીને 14 દિવસ માટે પ્રોટેક્ટિવ કસ્ટડીમાં મોકલાયો


સંસદની બહાર રાહુલ ગાંધીએ  ફાયરિંગની ઝાટકણી કાઢતા પૂછ્યું : ફાયરિંગ કરનારને પૈસા કોણે  આપ્યા?

નવી દિલ્હી, તા. 31 જાન્યુઆરી, 2020, શુક્રવાર

જામિયા ફાયરિંગ કેસના આરોપીને જુવેનાઈલ જસ્ટિસ બોર્ડ સમક્ષ રજૂ કરાયો હતો. જુવેનાઈલ જસ્ટિસ બોર્ડે આરોપીને 14 દિવસ માટે પ્રોટેક્ટિવ કસ્ટડીમાં મોકલ્યો હતો. આરોપી સગીર છે કે નહીં તે તપાસવા પોલીસ બોન ટેસ્ટ કરશે. સર્ટિફિકેટ પ્રમાણે તે 12મા ધોરણનો વિદ્યાર્થી છે.

જામિયામાં પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ ઉપર ફાયરિંગ કરનારા આરોપીને જુવેનાઈલ જસ્ટિસ બોર્ડ સમક્ષ રજૂ કરાયો હતો. કોર્ટે આરોપીને 14 દિવસ માટે કસ્ટડીમાં મોકલ્યો હતો.

કોર્ટે તેને 12મા ધોરણના પુસ્તકો વાંચવાની વ્યવસૃથા કરવા પોલીસને જણાવ્યું છે. આરોપીને ટયુશન માટે પણ કોર્ટે પૂછ્યું હતું, પરંતુ તેણે કોઈ જવાબ આપ્યો ન હતો. સર્ટિફિકેટ પ્રમાણે સગીર હોવાનું પ્રાથમિક તપાસમાં પોલીસને જણાયું છે, પરંતુ પોલીસે તેની વય તપાસવા બોન ટેસ્ટ માટે અરજી પણ કરી છે.

દિલ્હી પોલીસે વય તપાસવા માટે થતા ઓસિફિકેશન ટેસ્ટની પરવાનગી મેળવવા અરજી દાખલ કરી છે.   જો પરવાનગી મળશે તો એક મેડિકલ બોર્ડ બનશે અને તેની દેખરેખમાં આરોપીનો ટેસ્ટ થશે. તેની ઉમરનું પરીક્ષણ થયા પછી પોલીસ તેની સામે આગળની કાર્યવાહી હાથ ધરશે. 

પોલીસના કહેવા પ્રમાણે આરોપીએ આ ફાયરિંગ બદલ સહેજ પણ અફસોસ વ્યક્ત કર્યો ન હતો અને પૂછપરછ દરમિયાન પણ ફાયરિંગની ઘટના યોગ્ય હોવાનું રટણ કર્યું હતું. સોશિયલ મીડિયામાં ઉશ્કેરણીજનક પોસ્ટ વાંચીને તેણે આ કૃત્ય કર્યાનું પોલીસને જણાવ્યું હતું.

બીજી તરફ ગદ્દારો કો ગોલી મારો જેવા ઉશ્કેરણીજનક ભાષણ આપવાના કારણે ફાયરિંગ થયું હોવાની દલીલ કરીને જામિયા યુનિવર્સિટીના શિક્ષક સંઘે અનુરાગ ઠાકુર સામે ફરિયાદ નોંધવાની માગણી કરી હતી.

એનએનયુના વિદ્યાર્થી સંગઠને પણ અનુરાગ ઠાકુર સામે ઉશ્કેરણીજનક ભાષણ આપવા મુદ્દે ફરિયાદ દાખલ કરી છે. સંસદનું બજેટ સત્ર શરૂ થયું છે. સંસદ પરિસરમાં પણ આ મુદ્દો ઉઠયો હતો.

રાહુલ ગાંધીએ વિદ્યાર્થીઓ ઉપર થયેલા ફાયરિંગની ઝાટકણી કાઢતા ભાજપને નિશાન બનાવતા કહ્યું હતું કે આરોપીને ફાયરિંગ માટે કોણે પૈસા આપ્યા હતા? પ્રિયંકા ગાંધીએ ટ્વીટરમાં ભાજપની નિંદા કરતા કહ્યું હતું કે જો ભાજપના મંત્રી જ ગોળી મારવાનું આહ્વવાહન કરે તો પછી આ બધું શક્ય છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2OgU060
via Latest Gujarati News

Post a Comment

0 Comments