
(પીટીઆઈ) નવી દિલ્હી, તા. 31 જાન્યુઆરી, 2020, શુક્રવાર
કેન્દ્ર સરકાર બંદરો પર સડી રહેલી આયાતી ડુંગળીઓને ખૂબ જ સસ્તા દરે એટલે કે, 22-23 રૂપિયામાં કિલો લેખે વેચી શકે છે. આ ભાવ ડુંગળીના વર્તમાન બજાર ભાવ કરતા આશરે 60 ટકા ઓછો છે.
હજુ થોડા સમય પહેલા જ દેશમાં ડુંગળીનો ભાવ કિલોના 200 રૂપિયાને પાર કરી ગયો હતો અને વિદેશમાંથી ડુંગળીની આયાત કરવાની જરૂર ઉદ્ભવી હતી ત્યારે હવે આયાત કરેલી વિદેશી ડુંગળી બંદરો પર સડી રહી છે.
આ કારણે કેન્દ્ર સરકારે આયાતી ડુંગળીને સસ્તા દરે એટલે કે વર્તમાન બજાર કિંમતો કરતા આશરે 60 ટકા ઓછી કિંમતે, 22-23 રૂપિયામાં કિલો લેખે વેચવાનો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકાર હાલ રાજ્ય સરકારોને 58 રૂપિયા પ્રતિ કિલો લેખે આયાતી ડુંગળી પૂરી પાડી રહી છે અને પરિવહન ખર્ચ પણ પોતે ભોગવી રહી છે.
ડુંગળીના ભાવવધારાને ધ્યાનમાં રાખીને સરકારે નવેમ્બર મહીનામાં એમએમટીસીના માધ્યમથી 1.2 લાખ ટન ડુંગળી આયાત કરવાનો નિર્ણય લીધો હતો. એમએમટીસીએ વિદેશી બજારોમાંથી 14 હજાર ટન ડુંગળીની આયાત કરી લીધી છે અને આયાતીત ડુંગળીનો મોટો જથૃથો મહારાષ્ટ્ર સહિતના બંદરો પર સડી રહ્યો છે.
ડુંગળીનો નવો પાક બજારમાં આવવાના કારણે તેના છૂટક ભાવોમાં નરમાશ વર્તાઈ છે જેથી અનેક રાજ્યોની સરકારે ઉંચા દરે આયાતી ડુંગળી ખરીદવા મનાઈ કરી છે. આયાતી ડુંગળીનો સ્વાદ ઘરેલુ ડુંગળીની સરખામણીએ અલગ હોવાથી પણ રાજ્ય સરકારો તેના કરાર રદ કરી રહી છે.
આયાતી ડુંગળીની માંગમાં નરમાશને ધ્યાનમાં રાખીને એમએમટીસીએ હજુ સુધી માત્ર 14 હજાર ટન ડુંગળી ખરીદેલી છે પરંતુ તેણે 40 હજાર ટન ડુંગળી આયાત કરવા માટેના કોન્ટ્રાક્ટ કરેલા છે. આયાતી ડુંગળીનો મોટો જથૃથો બંદરો પર પડી રહ્યો હોવાથી નાફેડ, મધર ડેરી અને ઈચ્છુક રાજ્ય સરકારો મંડીઓમાં વિતરણ માટે 22-23 રૂપિયા પ્રતિ કિલોના ભાવથી આયાતી ડુંગળી ખરીદી શકે છે.
ડુંગળીના ઊંચા ભાવોથી ખેડૂતોને લાભ નહીં ને ગ્રાહકોના ખીસ્સા ખાલી
નવી દિલ્હી, તા. 31
દેશભરમાં થોડાક મહિના પહેલાં જ ડુંગળીના ભાવ 200 રૂપીયે કિલોને પાર થઈ ગયો હતો ત્યારે કેન્દ્ર સરકારે ભાવને નિયંત્રણમાં રાખવા માટે કરોડો રૂપિયાના ખર્ચે ઈજિપ્તમાંથી ડુંગળીની આયાત કરી હતી. આ મહિનાઓમાં ડુંગળી પકવતાં ખેડૂતોને ભાવ વધારાનો કોઈ લાભ મળ્યો નહીં અને સંગ્રાહખોરોએ કરોડોની કમાણી કરી લીધી.
હવે વિદેશમાંથી ડુંગળીનો લાખો ટન માલ આવીને દેશના બંદરો પર પડેલો છે ત્યારે સરકાર ખૂબ જ સસ્તામાં એટલે કે 22થી 23 રૂપીયે કિલોના ભાવે વેચવા તૈયાર થઈ ગઈ છે. સરકારના આવા પગલાંઓથી ખેડૂતોને કોઈ ફાયદો નથી થઈ રહ્યો જ્યારે ગ્રાહકોના ખીસ્સા ખાલી થઈ રહ્યા છે અને વચેટીયાઓ તથા સંગ્રાહખોરોને લીલા લહેર થઈ ગઈ છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/31c4qsK
via Latest Gujarati News
0 Comments