
કોલકાતા, તા. 28 ફેબ્રુઆરી, 2020, શુક્રવાર
ગૃહ મંત્રાલયે કોલકાતાની વિશ્વ ભારતી યુનિ.માં અભ્યાસ કરતી 20 વર્ષની એક બાંગ્લાદેશી છાત્રાને કથિત ભારત વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ વિદેશ મંત્રાલયે દેશ છોડવા આદેશ કર્યો હતો.
કેન્દ્રીય વિદ્યાલયની સ્નાતક અફસરા અનુક મીમને ભારત સરકારના વિદેશ નોંધણી કાર્યાલય, કોલકાતાએ 14 ફેબુ્રઆરીએ 'ભારત છોડો નોટીસ' મોકલી હતી. અફસરાએ કહ્યું હતું કે મને બુધવારે આ નોટીસ મળી હતી.
અફસરાને નોટીસ મળ્યા પછી તે ગુરૂવારે વિદેશી ક્ષેત્રિય નોંધણી કાર્યાલય ગઇ હતી. એના મિત્રોએ કહ્યું હતું કે તે ખૂબ જ આઘાતમાં સરી ગઇ હતી અને કોઇનાથી વાત કરતાં પણ ડરે છે. અફસરા મીમે ડિસેમ્બરમાં સીએએ વિરોધી પ્રદર્શનના કેટલાક ફોટા ફેસબુક એકાઉન્ટમાં મૂક્યા હતા. આ પોસ્ટ બદલ તેને ખૂબ ટ્રોલ કરાઇ હતી અને તેને કેટલાક કથિત દેશભક્તોએ 'બાંગ્લાદેશી આતંકવાદી' ગણાવી હતી.
વિદેશી ક્ષેત્રિય નોંધણી કાર્યાલય દ્વારા અફસરાને અપાયેલી નોટીસમાં પંદર દિવસની અંદર અંદર ભારત છોડવા આદેશ કરાયો હતો.નોટીસમાં કહેવામાં આવ્યું હતું કે ' તમે સરકાર વિરોધી ગતિવીધીઓમાં સંડોવાયેલા હોવાનું અમને જાણવા મળ્યું હતું.આ પ્રકારની પ્રવૃત્તિ વિઝા નિયમની વિરૂધ્ધ છે'.
જો કે અફસરાને અપાયેલી નોટીસમાં તેના ફેસબુક અકાઉન્ટનો કોઇ જ ઉલ્લેખ કરાયો નથી. ઉલ્લેખનીય છે કે અગાઉ જર્મનીના એક છાત્રને પણ સીએએ વિરોધી પ્રદર્સનમાં કથિત રીતે ભાગ લેવા બદલ ભારતમાંથી બહાર ધકેલી દેવામાં આવ્યો હતો.
સામ્યવાદી પક્ષના નેતા મોહમ્મદ સલીમે કહ્યું હતું કે વિઝાના નિયમોમાં છાત્ર કોઇ રાજકીય પ્રવૃત્તિમાં ના જોડાય એવો કોઇ ઉલ્લેખ જ નથી.વિદેશમાં કોઇ રાજકીય પ્રવૃત્તિઓમાં છાત્ર ભાગ ના લઇ શકે એવો જ ઉલ્લેખ હોય છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3cksxdR
via Latest Gujarati News
0 Comments