ચાલુ વર્ષે પીએફ પર વ્યાજ 8.65 ટકાથી ઘટી 8.50 ટકા થવાની શક્યતા


નવી દિલ્હી, તા. 28 ફેબ્રુઆરી, 2020, શુક્રવાર

આ વર્ષે પગાર દાર વ્યકિતઓને તેમની પીએફ ડિપોઝીટ પર ઓછો વ્યાજ મળે તેવી શક્યતા છે. એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (ઇપીએફઓ)ના રોકાણ પર રિટર્ન ઓછું થયું હોવાને કારણે વ્યાજ દરમાં ઘટાડો કરવામાં આવી શકે છે.

ઇપીએફઓ નાણાકીય વર્ષ 2020 માટે પીએફ ડિપોઝીટ પર વ્યાજ દર 15 બેઝિઝ પોઇન્ટ ઘટાડીને 8.50 ટકા કરવા અંગે વિચારી રહ્યું છે. આ મુદ્દે ઇપીએફઓના સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝની પાંચ માર્ચની બેઠકમાં વિચારણા થવાની સંભાવના છે. 

સૂત્રોના જણાવ્યા અનુસાર ઇપીએફઓ માટે ચાલુ વર્ષે વ્યાજ દરો યથાવત રાખવા મુશ્કેલ બની રહેશે. તેમણે જણાવ્યું હતું કે લોંગ ટર્મ ફિક્સ્ડ ડિપોઝીટ, બોન્ડ્સ અને ગવર્નમેન્ટ સિક્યોરિટીઝને કારણે ઇપીએફઓની આવક છેલ્લા એક વર્ષમાં 50 થી 80 બેસિસ પોઇન્ટ ઘટી છે. 

ફાઇનાન્સ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઓડિટ કમિટી પીએફ ડિપોઝીટ પર રિટર્ન રેટ અંગે બોર્ડ ઓફ ટ્રસ્ટીઝની બેઠક અગાઉ નિર્ણય લઇ શકે છે. આ નિર્ણય ઇપીએફઓના વાસ્તવિક નાણા આધારે લેવામાં આવશે. આ નિર્ણયની માહિતી બોર્ડ મિટિંગમાં આપવામાં આવશે અને તેના પર વિચાર કરવામાં આવશે. 

ઇપીએફઓએ 18 લાખ કરોડ રૂપિયાથી વધારાનું રોકાણ કર્યુ છે. તેણે લગભગ 4500 કરોડ રૂપિયા દીવાન હાઉસિંગ ફાઇનાન્સ કોર્પોરેશન અને ઇન્ફ્રાસ્ટ્રકચર લિઝિંગ એન્ડ ફાઇનાન્સિયલ સર્વિસીસમાં રોક્યા હતાં. 

આ બંને કંપનીઓ કરેલુ રોકાણ ઇપીએફઓ માટે બોજારૂપ બની ગયું છે. ડીએચએફએલ એક તરફ બેંકરપ્સી રિઝોલ્યુશન પ્રોસેસમાંથી પસાર થઇ રહી છે જ્યારે આઇએલએન્ડએફએસને બચાવવા માટે સરકારની નજર હેઠળ કાર્ય ચાલુ રહ્યું છે.

ઇપીએફઓ પોતાના વાર્ષિક ભંડોળની 85 ટકા રકમ ડેટ માર્કેટમાં અને 15 ટકા રકમ ઇટીએફ અને ઇક્વિટીમાં રોકાણ કરે છે. ગયા વર્ષે માર્ચના અંતમાં ઇક્વિટીમાં ઇપીએફઓનું કુલ રોકાણ 74,324 કરોડ રૂપિયા હતું અને તેને 14.74 ટકા રિટર્ન મળ્યું હતુ.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3997Pfj
via Latest Gujarati News

Post a Comment

0 Comments