કોરોના : જાપાનના જહાજમાં 160 ભારતીયો ફસાયા


ટોકિયો, તા. 10 ફેબ્રુઆરી, 2020, સોમવાર

ચીનમાં કોરોના વાઇરસ વકરી ગયો છે જેણે અત્યાર સુધીમાં 900થી વધુ લોકોનો ભોગ લીધો છે. જાપાનમાં આ વાઇરસની અસર 103 લોકોને થઇ છે. જેમાં 65 કેસો પોઝિટિવ હોવાનું પુરવાર થયું છે.

જોકે હાલ એવા અહેવાલો સામે આવ્યા છે કે જાપાનના એક જહાજમાં સવાર પૈકી 137 લોકોને પણ કોરોના વાઇરસની અસર છે, આ જહાજમાં 160 ભારતીયો પણ ફસાયા છે જેણે મદદની ગુહાર લગાવી છે.

આ જહાજમાં સવાર એક ભારતીય વિનય કુમારે સોશિયલ મીડિયાના માધ્યમથી કેન્દ્રની મોદી સરકારને અપીલ કરી હતી કે તેઓ કોરોના વાઇરસનો ભોગ બનેલા લોકો સવાર છે તે જહાજમાં ફસાયેલા 160 ભારતીયોને બહાર કાઢવામાં કે રેસ્ક્યૂ કરવામાં મદદ કરે.

તેણે મીડિયાને પણ જણાવ્યું હતું કે કોરોના વાઇરસને કારણે જહાજમાં સવાર લોકો ખુબ જ પરેશાન અને ચિંતામાં મુકાયા છે અને જો સમયસર રેસ્ક્યૂ ન કરવામાં આવ્યા તો આ વાયરસ વધુ લોકોમાં ફેલાઇ શકે છે. 

જે જહાજમાં કોરોના વાઇરસનો લોકો ભોગ બન્યા છે તેમાં 3600 લોકો સવાર હતા, આ એક પ્રકારની ક્રૂઝ શિપ છે જેનો ઉપયોગ લોકો પ્રવાસ કે પર્યટન આૃથવા પરિવહન માટે કરતા હોય છે.

આ જહાજ 20મી જાન્યુઆરીએ આ જહાજ જાપાનના યોકોહામાથી ઉપડયું હતું, જે દરમિયાન 25મી જાન્યુઆરીએ હોંગકોંગમાં એક પ્રવાસી ઉતર્યો હતો, જેની તપાસ કરતા સામે આવ્યું હતું કે તેને કોરોના વાઇરસ લાગી ગયો છે અને રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 

કોરોનાનો ઇશ્વરને ડર લાગે, ન લાગે પૂજારીઓને ડર લાગે છે !

કોરોના ડરથી યુપીના મંદિરને તાળાબંધી

ઉત્તર પ્રદેશમાં પણ હવે જીવલેણ કોરોના વાયરસનો ડર દેખાઈ રહ્યો છે. આ કારણે જ બૌદ્ધ તીર્થ શ્રાવસ્તીના ડેન મહામંગ્કોલ મંદિરને તાળા મારી દેવામાં આવ્યા છે. મંદિરના પ્રશાસને ગેટ પર તાળું મારીને મુખ્ય દ્વાર પર એક નોટિસ બોર્ડ લગાવ્યું છે જેમાં દેશી-વિદેશી પર્યટકોના પ્રવેશ પર પ્રતિબંધની સૂચના લખવામાં આવી છે.

નોટિસ બોર્ડ પર 'કોરોના વાયરસના સંક્રમણને ધ્યાનમાં રાખીને મંદિરને અનિશ્ચિત સમય માટે બંધ કરવામાં આવ્યું છે. સ્થિતિ સુધરતા જ મંદિર ખોલી દેવામાં આવશે.' આ અર્થની સૂચના લખવામાં આવી છે.

દર વર્ષે ચીન, જાપાન, થાઈલેન્ડ, શ્રીલંકા, કોરિયા, મ્યાંમાર સહિત અનેક દેશોના આશરે બે લાખ જેટલા બૌદ્ધ ભિક્ષુઓ અને ભક્તો આ મંદિરની મુલાકાત લે છે અને મંદિર બંધ થઈ જવાના કારણે હોટેલ વગેરે ખાલી પડતા હજારો લોકોની આજીવિકા સંકટમાં મુકાઈ છે. 

વુહાનમાં 1.05 કરોડ લોકોનો કોરોના વાઇરસ ટેસ્ટ કરાયો

ચીનના વુહાનમાં 1.05 કરોડ  લોકોને કોરોના વાઇરસ છે કે નહીં તેની ચકાસણી કરવામાં આવી હતી. હાલ ચીનમાં કોરોના વાઇરસની સૌથી વધુ અસર પણ આ જ શહેરોમાં જોવા મળી રહી છે. શહેરમાં કુલ વસતી 11 મિલિયન છે તેમાંથી 1.05 કરોડ  લોકોની ચકાસણી કરી લેવામાં આવી છે. એટલે કે માત્ર 0.40 મિલિયન લોકોની જ ચકાસણી બાકી રહી છે. સોમવારે બપોર બાદ જે વધુ 1499 લોકો કોરોના વાઇરસના ભરડામાં આવી ગયા હતા. 

મોદીની ઓફરને ચીને ગાઢ મિત્રતાનું પ્રતિક ગણાવી

(પીટીઆઈ) નવી દિલ્હી, તા. 10

ચીનમાં કોરોના વાયરસનો પ્રકોપ વધી રહ્યો છે અને મૃતકઆંક વધુ ઉંચો જઈ રહ્યો છે ત્યારે આ બધા વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને પત્ર લખીને તમામ પ્રકારની મદદ આપવા તૈયારી દર્શાવી હતી.  ચીની વિદેશ મંત્રાલયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પત્રનો જવાબ લખી મોકલ્યો છે અને ભારતની આ ઓફરને ભારત-ચીન વચ્ચેની ગાઢ મિત્રતાનું પ્રતિક ગણાવી છે.

ચીની વિદેશ મંત્રાલયના નિવેદનમાં 'ભારત તરફથી કોરોના વાયરસ અંગે જે સમર્થનની વાત કહેવાઈ તેનો અમે આભાર માનીએ છીએ. ભારત દ્વારા કહેવામાં આવેલી આ વાત ચીન સાથેની તેની ગાઢ મિત્રતા દર્શાવે છે.' તેમ કહેવામાં આવ્યું હતું. આ ઉપરાંત ચીને ભારત અને વિશ્વના તમામ દેશો સાથે મળીને કામ કરવા માટે પોતાની તૈયારી દર્શાવી હતી જેથી વાયરસ વિરૂદ્ધ યુદ્ધ લડી શકાય. 

ચીનમાં ફ્રિડમ ઓફ સ્પીચની માગ ઊઠી

ચીની સરકારે કોરોનાની અફવા ફેલાવવાના આરોપ હેઠળ ડૉ. લી વેનલિઆંગની ધરપકડ કરી હતી

બેઈજિંગ, તા. 10

કોરોના વાયરસની ભયાનકતા વચ્ચે ચીનમાં અભિવ્યક્તિ અને વાણી સ્વાતંત્ર્ય અવાજ ઊઠી રહ્યો છે. સરકારની ટીકા કરવાની દરેકને પરવાનગી હોવી જોઈએ એવી માગણીએ જોર પકડયું છે.

ચીનની બે શૈક્ષણિક સંસૃથાનો ઓપન લેટર સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થયો છે. એ લેટરમાં વાણી સ્વાતંત્ર્યની માગણી કરવામાં આવી છે. સરકારની ટીકા કરવી તે ગુનો નથી અને સરકાર સામે અવાજ ઉઠાવવાની દરેકને પરવાનગી હોવી જોઈએ એવી માગ લોકોએ ઉઠાવવાનું શરૂ કર્યું છે.

આ ઘટના પાછળ કોરોના વાયરસની સૌથી પહેલી આગાહી કરનારા ડોક્ટર લી વેનલિઆંગની મોત જવાબદાર છે. કોરોના વાયરસ હજુ ઝાઝો ફેલાયો ન હતો એ વખતે ડોક્ટર લી સહિતના આઠ ડોક્ટરોએ એ અંગે આગાહી કરી હતી.

એ પછી કોરોનાનો ખોટો ભય બતાવવાના આરોપ હેઠળ ડોક્ટર લીની ધરપકડ થઈ હતી. અચાનક થોડા દિવસ પહેલાં કોરોનાના વાયરસથી જ તેમનું શંકાસ્પદ રીતે મૃત્યુ થયું હતું.

જો ડોક્ટરની વાત સરકારે માની હોત તો વાયરસને અટકાવી શકાયો હોત અને લોકોને બચાવી શકાયા હોત. જો સરકાર વિરૂદ્ધ બોલવાની આઝાદી હોત તો ડોક્ટરોની ટીમે જાહેરમાં લોકોને અને સરકારને ચેતવ્યા હોત એવી દલીલ સાથે ફ્રિડમ ઓફ સ્પીચની માગણી સાથે પત્ર ફરતો થયો છે. એમાં વુહાનના 10 પ્રોફેસરોની સહી છે.

બીજા એક પત્રમાં બેઈજિંગની યુનિવર્સિટીના પૂર્વ વિદ્યાર્થીઓની સહી છે અને એ પત્રમાં પણ બોલવાની તેમજ અભિવ્યક્તિની આઝાદી માટે અવાજ ઉઠાવવાનું આહ્વાહન થયું છે.  કહેવાય છે કે એ પત્રોને ચીનના લોકપ્રિય સોશિયલ મીડિયા વેઈબો ઉપર પ્રતિબંિધત કરી દેવામાં આવ્યા છે.



from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/31ItM1B
via Latest Gujarati News

Post a Comment

0 Comments