2020ની બર્ડ રેસમાં વિવિધ પ્રજાતિઓનાં પક્ષીઓની સંખ્યા 14 વર્ષમાં સૌથી ઓછી નોંધાઇ


મુંબઇ અને આજુબાજુના વિસ્તારોમાં વધી રહેલાં વિકાસ કાર્યોથી પંખીઓનાં કુદરતી રહેઠાણોને ભારે નુકસાન: પક્ષી નિષ્ણાતો-પ્રેમીઓમાં નિરાશા

મુંબઇ,તા.8 ફેબ્રુઆરી 2020 શનિવાર

મુંબઇ અને આજુબાજુનાં વિસ્તારોમાં વિવિધ પ્રજાતિનાં રૂપકડાંપક્ષીઓની સંખ્યા ઘટી રહી હોવાના ચિંતાજનક સમાચાર છે.ગઇ ૨,ફેબુ્રઆરી-૨૦૨૦ના રોજ મુંબઇ,વસઇ-વિરાર,સહ્યાદ્રી પર્વતમાળાથી લઇને નેશનલ પાર્ક્સમાં યોજાયેલી પક્ષીઓની વસતિ ગણતરીમાં ૧૯૨ પ્રજાતિનાં પંખીઓની નોંધ લેવામાં આવી હતી.

૨૦૦૫માં શરૂ થયેલી પક્ષીઓની વસતિ ગણતરી દરમિયાન આ સંખ્યા સૌથી ઓછી હોવાનું બર્ડ રેસના આયોજક જાણીતા પક્ષી પ્રેમી અને લેખક સંજય મોંગાએ જણાવ્યું હતું.આ વિશિષ્ટ કાર્યક્રમમાં પક્ષી નિષ્ણાતો સહિત ઘણાં પક્ષીપ્રેમીઓએ ઉત્સાહભેર હિસ્સો લીધો હતો.

સંજય મોંગાએ જણાવ્યું હતું કે મુંબઇ અને આજુબાજુનાં સ્થળોએ વિવિધ પ્રજાતિનાં પક્ષીઓનાં કુદરતી રહેઠાણોનેસતત વધી રહેલાં વિકાસ કાર્યોને કારણે કાંતો ઘણું નુકસાન થયું છે અથવા તેનો નાશ થયો છે.આવાં બદલાતાં જતાં પરિબળોને કારણે જુદી જુદી પ્રજાતિનાં વિદેશી અને ભારતીય પંખીડાં અહીં આવવાનું પસંદ નથી કરતાં એવું ચિંતાજનક ચિત્ર ઉપસી રહ્યું છે.૨૦૦૬માં આ સમગ્ર વિસ્તારમાં ૨૧૫ પ્રજાતિનાં પક્ષીઓની નોંધ થઇ હતી.જોકે બર્ડ રેસ શરૂ થયાંનાં ૧૪ વરસ દરમિયાન પક્ષીઓની સરેરાશ સંખ્યા ૨૪૦ જેટલી રહી છે.આ સરખામણીએ ૨૦૨૦ના વરસમાં આ સંખ્યા ઘટીને અત્યારસુધીની સૌથી ઓછી એટલે કે ૧૯૨ થઇ ગઇ છે.

બર્ડ રેસના આ કાર્યક્રમમાં ૩૦૦ કરતાં વધુ પક્ષી પ્રેમીઓએ હિસ્સો લીધો હતો.આ ૩૦૦ પક્ષી પ્રેમીઓની કુલ ૬૦ ટીમ તૈયાર કરવામાં આવી હતી.આ ૬૦ ટીમને મુંબઇ, અલીબાગ, વસઇ-વિરાર, સહ્યાદ્રી પર્વતમાળાથી લઇને નેશનલ પાર્ક્સ તથા વાઇલ્ડ લાઇફ સેન્ક્ચુરીમાં મોકલવામાં આવી હતી.

સંજય મોંગાએ એવી માહિતી પણ આપી હતી કે છેલ્લાં ત્રણ વરસની બર્ડ રેસમાં અમને માથેરાનમાં ઇન્ડિયન બ્લુ રોબીન જોવા મળ્યું હતું.ઉપરાંત,બ્લેક ઇગલ,બ્રાઉન બ્રેસ્ટેડ ફ્લાયકેચર અને વોલી નેક્ડ સ્ટ્રોક જેવાં ભાગ્યે જ જોવા મળતાં પક્ષીઓ પણ જોવા મળ્યાં હતાં. જોકે આ વરસે અમને વલ્ચર્સ(ગીધ), ક્વાઇલ્સ, ફ્રેન્કોલીન અને જંગલફાઉલ્સ જેવાં પંખીઓ દેખાયાં નહોતાં.હા,અગાઉની બર્ડ રેસમાં આ બધાં રૂપકડાં અને વિશિષ્ટ પ્રજાતિનાં પક્ષીઓ જોવા મળ્યાં હતાં ખરાં.

 નવી મુંબઇમાં તલાવા વેટ લેન્ડઝ ઝોનમાં રહેઠાણ માટે વિશાળ કોલોની અને ગોલ્ફ કોર્સ બનાવવાનું આયોજન હોવાનું જાણવા મળે છે.હવે કુદરતી સૌંદર્યવાળા આ ઝોનમાં અસંખ્ય પક્ષીઓ આવે છે.આમ છતાં આ જ ઝોનને કળણવાળો વિસ્તાર ન કહી શકાય તેવી વ્યાખ્યા કરીને  તે ગોલ્ફ કોર્સ માટે વધુ યોગ્ય હોવાની ચર્ચા થતી  હોવાનું કહેવાય છે.



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2S8RhOq
via Latest Gujarati News

Post a Comment

0 Comments