નવી દિલ્હી તા.12 ફેબ્રુઆરી 2020, બુધવાર
એક રાષ્ટ્રીય કક્ષાનો ભાજપ જેવો પક્ષ સાવ નાનકડા પ્રાદેશિક આપ જેવા પક્ષ સામે દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં પરાજિત થયો. છેલ્લાં બાવીસ વર્ષથી ભાજપનો દિલ્હી પૂરતો વનવાસ ચાલી રહ્યો હતો.
છેલ્લે 1993માં ભાજપે દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં વિજય પ્રાપ્ત કર્યો હતો. એનો યશ સદ્ગત મદનલાલ ખુરાનાને ગયો હતો. ત્યારબાદ લગભગ સોળ વર્ષ સુધી કોંગ્રેસના શીલા દીક્ષિત દિલ્હીની ગાદી પર બિરાજમાન હતાં.
અને હવે છેલ્લાં છ વર્ષથી આપ અને અરવિંદ કેજરીવાલ સત્તા ભોગવી રહ્યા છે. ભાજપ દિલ્હીવાસીઓનાં દિલ કેમ જીતી શકતો નથી ? આ વર્ષની વાત જવા દઇએ કારણ કે ભાજપે લઘુમતી મુસ્લિમ મતદારો નારાજ થાય એવાં થોડાંક પગલાં લીધાં હતાં. પરંતુ આજે જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો ચોમેર ડંકો વાગે છે અને અમિત શાહ ચૂંટણી જંગના બેતાજ બાદશાહ ગણાય છે ત્યારે ભાજપ કેમ હારી ગયો એ વિચારવા જેવું છે.
એક કારણ એ પણ હોઇ શકે કે મોદી અને શાહની જોડી નાકામિયાબ રહી. બીજું કારણ એ પણ હોઇ શકે કે ભાજપને એનો વધુ પડતો આત્મવિશ્વાસ નડ્યો. અગાઉ જેમ મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં બન્યું હતું એમ આત્મવિશ્વાસનો અતિરેક ભાજપને નડ્યો.
2015ની ચૂંટણી વખતે ભાજપને માત્ર બે બેઠક મળી હતી આ વખતે પાંચ મળી. જો કે આશ્વાસન હોય તો માત્ર એટલું કે 2015ની જેમ આ વખતે પણ કોંગ્રેસ તો ખાતું સુદ્ધાં ન ખોલી શકી.
2014ની લોકસભાની ચૂંટણી પછી એવી છાપ પડી હતી કે નરેન્દ્ર મોદી અને અમિત શાહ અજેય છે. છેલ્લાં બે ત્રણ વર્ષમાં એ છાપ ખોટી પડી રહી હોય એવા અણસાર મળ્યા હતા.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2ONkQCU
via Latest Gujarati News
0 Comments