નિર્ભયા કેસ : ત્રીજી વખત ડેથ વૉરન્ટ જાહેર, 3જી માર્ચે ફાંસી થવાની સંભાવના


નવી દિલ્હી, તા. 17 ફેબ્રુઆરી, 2020, સોમવાર

નિર્ભયા કેસના આરોપીઓ માટે દિલ્હીની પતિયાલા હાઉસ કોર્ટે ત્રીજી વખત ડેથ વૉરન્ટ જાહેર કર્યું છે. લેટેસ્ટ વોરંટ મુજબ 3જી માર્ચે સવારે 6 વાગ્યે દોષિતોને ફાંસી આપી દેવામાં આવશે. જોકે ફાંસી ખરેખર થાય ત્યારે જ લોકોને વિશ્વાસ પડશે. કેમ કે અગાઉ બે વખત ડેથ વોરંટ જાહેર કરાયું છે, પરંતુ ફાંસી થઈ નથી.

ફાંસી ન થવાનું કારણ કાનૂની ગૂંચવણ છે. હજુ પણ આપેલી તારીખે ફાંસી થાય કે કેમ એ ખાતરીપૂર્વક કહી શકાય એમ નથી. ચાર પૈકીના એક આરોપી પવન પાસે હજુ પણ ફાંસી અટકાવવા માટેના કાનૂની વિકલ્પો બાકી છે. તેનો ઉપયોગ કરે એટલે ફરીથી ફાંસી ટલ્લે ચડી શકે છે.

આ પહેલા કોર્ટે ચારેય આરોપીઓને સ્પષ્ટ કહ્યું હતું કે તમારે જે કાનૂની વિકલ્પો વાપરવા હોય એ એક સપ્તાહમાં વાપરી લેજો. એ સમયમર્યાદા 11મી ફેબુ્રઆરીએ પૂરી થઈ ગઈ હતી. કોર્ટે કહ્યું હતું કે આપેલી સમયસીમા ખતમ થઈ હોવાથી હવે ફાંસીએ લટકાવવા નવું ડેથ વૉરન્ટ જાહેર કરી શકાય એમ છે. 

અગાઉ 22મી જાન્યુઆરી અને 1લી ફેબુ્રઆરીના એમ બે વૉરન્ટ જાહેર થઈ ચૂક્યા હતા, પરંતુ દોષિતોને પણ કાનૂની વિકલ્પો મળવા જોઈએ એમ કહીને કોર્ટે એ વૉરન્ટ રદ કર્યા હતા.

દરમિયાન નિર્ભયાની માતાએ નિરાશ થઈને કહ્યું હતું કે વધુ એક વખત તારીખ જાહેર થઈ છે, હવે ફાંસી થાય તો સારૂં. કેમ કે દર વખતે તારીખ જાહેર કર્યા પછી કાનૂની વિકલ્પોના નામે ફાંસી અટકાવી દેવામાં આવે છે. દરમિયાન દોષિતોના વકીલ એસ.પી.સિંહે કહ્યું હતુ કે ગુનેગારો પાસે ફાંસી અટકાવવાના કાનૂની વિકલ્પો હજુ પણ બાકી છે. 

સરકારી વકીલ સિંહે કોર્ટને એ પણ જાણકારી આપી હતી કે ચાર પૈકીના એક આરોપી વિનયે 11મી તારીખથી ખાવા-પીવાનું છોડી દીધુ છે. તેની તબિયત પણ સારી નથી, ઘણી ઈજાઓ પણ થઈ છે. કોર્ટે જેલ અધિકારીને સૂચના આપી હતી કે કાનૂન પ્રમાણે તેની કાળજી લેવામાં આવે.

તો વળી આરોપી અક્ષય વધુ એક વખત દયાની અરજી કરવા માંગે છે, એમ પણ વકીલે જણાવ્યુ હતુ. જેની પાસે વિકલ્પ બાકી છે એ પવન પણ ક્યુરિયેટિવ પિટિશન અને રાષ્ટ્રપતિને અરજી એમ બન્ને વિકલ્પો અજમાવવા ઈચ્છે છે. એટલે કે ફાંસી આડે કાનૂની અડચણો હજુ ઊભી જ છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2wkXYnT
via Latest Gujarati News

Post a Comment

0 Comments