
(પીટીઆઈ) નવી દિલ્હી, તા. 11 ફેબ્રૂઆરી, 2020, મંગળવાર
દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ વિક્રમી કંગાળ દેખાવ કર્યો છે. કોંગ્રેસના 63 ઉમેદવારોએ ડીપોઝીટ ગુમાવી દીધી છે અને તેમને પાંચ ટકાથી પણ ઓછા મત મળ્યા છે. દિવંગત મુખ્યમંત્રી શીલા દિક્ષિતના નેતૃત્વમાં 15 વર્ષ સુધી દિલ્હી પર શાસન કરનાર કોંગ્રેસ સતત બીજી વખત દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં એક પણ બેઠક જીતી શકી નથી.
કોંગ્રેસના માત્ર ત્રણ ઉમદેવારો અરવિંદર સિંહ લવલી ગાંધીનગર, દેવેન્દર યાદવ બદલી અને અભિષેક દત્ત કસ્તુરબા નગરમાંથી તેમની ડીપોઝીટ બચાવી શક્યા હતા જ્યારે ચાર બેઠકો પર કોંગ્રેસે ઉમેદવાર જ ઊભા નહોતા રાખ્યા. કોઈપણ મત વિસ્તારમાં કુલ માન્ય મતો કરતાં છઠ્ઠા ભાગના મત મેળવવામાં કોઈ ઉમેદવાર નિષ્ફળ જાય તો તેની સિક્યોરિટી ડીપોઝીટ જપ્ત થઈ જાય છે.
કોંગ્રેસ માટે પરિસિૃથતિ એટલી હદે ખરાબ હતી કે દિલ્હી કોંગ્રેસના વડા સુભાષ ચોપરાની પુત્રી શિવાની ચોપરા પણ કાલકાજીમાંથી તેમની ડીપોઝીટ બચાવી શકી નહીં. દિલ્હી વિધાનસભાના ભૂતપૂર્વ અધ્યક્ષ યોગાનંદ શાસ્ત્રીની પુત્રી પ્રિયંકા સિંહની પણ ડીપોઝીટ જપ્ત થઈ ગઈ.
પક્ષની ચૂંટણી સમિતિના અધ્યક્ષ કિર્તી આઝાદની પત્ની પૂનમ આઝાદનો પણ ખૂબ જ ખરાબ રીતે પરાજય થયો હતો. તેમને માત્ર 2,604 (2.23 ટકા) મત મળ્યા હતા. કોંગ્રેસના પતનની ક્રોનોલોજીને જોઈએ તો વર્ષ 1998માં શીલા દિક્ષિતના યુગના પ્રારંભમાં કોંગ્રેસે બાવન બેઠકો પર વિજય સાથે દિલ્હી પર શાસન કર્યું. ત્યાર પછી સતત કોંગ્રેસની બેઠકો ઘટતી રહી છે.
જોકે, શીલા દિક્ષિતના નતૃત્વમાં કોંગ્રેસે 2003માં 47 અને 2008માં 43 બેઠકો મળી હતી. જોકે, અન્ના આંદોલન પછી કોંગ્રેસના પતનની શરૂઆત થઈ. 2013ની ચૂંટણીમાં તેને માત્ર આઠ બેઠકો મળી હતી. ત્યાર પછી 2015 અને 2020માં કોંગ્રેસ એક પણ બેઠક મેળવી શકી નથી.
આપના વિજય માટે ત્રણ 'પી' કારણભૂત
દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં અરવિંદ કેજરીવાલની હેટ્રિક માટે ત્રણ 'પી' - પર્સનાલિટી, પ્રોગ્રામ અને પાર્ટી જવાબદાર છે. આપ ચૂંટણી મેદાનમાં અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં ઉતરી હતી, જે રાજકારણમાં ભ્રષ્ટાચાર રહિત સ્વચ્છ છબી ધરાવે છે. મજબૂત નેતાની સાથે આપે છેલ્લા પાંચ વર્ષમાં તેણે કરેલા વિકાસના કામોને વધુ મહત્વ આપ્યું. એટલું જ નહીં આ સમયમાં આપે દિલ્હીવાસીઓમાં પોતાની પણ વિશ્વસનીયતા જાળવી રાખી છે, જે તેના વિજય માટેના મહત્વના કારણ હતા.
અમે અગાઉ શૂન્ય પર હતા, આજે પણ શૂન્ય પર છીએ, હાર તો ભાજપની થઈ : કોંગ્રેસ નેતા
ચંડીગઢ, તા. 11
દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ એક પણ બેઠક જીતવામાં નિષ્ફળ ગઈ છે ત્યારે કોંગ્રેસના નેતા અને પંજાબમાં કેબિનેટ મંત્રી સંધુ સિંહ ધરમસોતે મંગળવારે જણાવ્યું હતું કે દિલ્હી ચૂંટણીમાં કોંગ્રેસનો નહીં ભાજપનો પરાજય થયો છે, કારણ કે અમારા પક્ષને તો 2015માં પણ શૂન્ય બેઠકો મળી હતી અને આ વખતે પણ શૂન્ય બેઠકો મળી છે. તેથી, જે નુકસાન થયું છે તે તો ભાજપને થયું છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2HhPHDq
via Latest Gujarati News
0 Comments