
(પીટીઆઈ) નવી દિલ્હી, તા. 11 ફેબ્રૂઆરી, 2020, મંગળવાર
દિલ્હી વિધાનસભાની ચૂંટણીઓના પરિણામ જાહેર થવાની સાથે આ ચૂંટણીના મુખ્ય બે પક્ષો ભાજપ અને આપ વચ્ચે પોસ્ટરબાજી શરૂ થઈ હતી. વિધાનસભા ચૂંટણીમાં આપનો વિજય નિશ્ચિત જણાતાં ભાજપના દિલ્હી એકમની ઓફિસ પર અમિત શાહના ચિત્ર સાથે પોસ્ટર મૂકાયું હતું, જેમાં લખ્યું હતું, વિજયથી અમે અહંકારી નથી બનતા અને પરાજયથી હતાશ નથી થઈ જતા.
આ ચૂંટણીમાં ભાજપના ચૂંટણી પ્રચાર પાછળ મુખ્ય બળ અમિત શાહ હતા, જેમણે 200થી વધુ સાંસદો, કેન્દ્રીય મંત્રીઓ અને ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ તથા ભૂતપૂર્વ મુખ્યમંત્રીઓને મેદાનમાં ઉતાર્યા હતા.
બીજીબાજુ આપની ઓફિસ બહાર પણ પોસ્ટર બદલાયું હતું. આપની ઓફિસ બહાર અરવિંદ કેજરીવાલના ફોટો સાથે લખ્યું હતું, 'રાષ્ટ્ર નિર્માણ માટે આપ સાથે જોડાઓ.' આપનું આ પોસ્ટર તેની ભાવી યોજનાઓના પણ સંકેતો આપતું હોય તેમ સૂત્રોનું કહેવું છે.
ભાજપ ચૂંટણીમાં રાષ્ટ્રવાદને મુદ્દો બનાવતો હોવાથી આપે રાષ્ટ્રવાદની નવી વ્યાખ્યા કરતાં સંકેતો આપ્યા છે કે માત્ર પાકિસ્તાન અને મુસ્લિમોને મુદ્દા બનાવવા એ રાષ્ટ્રવાદ નથી. ખરો રાષ્ટ્રવાદ શિક્ષણ અને સ્વાસ્થ્યના ક્ષેત્રમાં સુધારો કરવો છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2UJAAup
via Latest Gujarati News
0 Comments