બાબરી મસ્જિદના અવશેષો હટાવવાના મુદ્દે અમે સુપ્રીમ કોર્ટમાં અરજી કરીશું: જિલાની

 
નવી દિલ્હી તા. 7 ફેબ્રુઆરી 2020, શુક્રવાર

- તોડી પડાયેલા અવશેષો હવે ઘટનાસ્થળેથી ખસેડી લેવામાં આવે
- 1992ના ડિસેંબરની છઠ્ઠીએ વિવાદાસ્પદ બાંધકામ તોડી પડાયું હતું
- બાબરી મસ્જિદ એક્શન કમિટિએ કરેલી જાહેરાત


બાબરી મસ્જિદ એક્શન કમિટિએ એવી જાહેરાત કરી હતી કે બાબરી મસ્જિદના અવશેષો હટાવવાના મુદ્દે અમે સુપ્રીમ કોર્ટમાં અરજી કરીશું.

1992ના ડિસેંબરની છઠ્ઠીએ સુપ્રીમ કોર્ટ જેને વિવાદાસ્પદ બાંધકામ કહેતી હતી અને મુસ્લિમો જેને બાબરી મસ્જિદ તરીકે ઓળખાવતા હતા એ બાંધકામને ઉશ્કેરાયેલા રામભક્તોએ ભાજપના લાલ કૃષ્ણ અડવાણીની હાજરીમાં તોડી પાડી હતી.

મુસ્લિમ પક્ષ ઇચ્છે છે કે એ તોડી પડાયેલા અવશેષો હવે ઘટનાસ્થળેથી ખસેડી લેવામાં આવે. આ અવશેષો પર પોતાનો હકદાવો કરવા માટે બાબરી મસ્જિદ એક્શન કમિટિ સુપ્રીમ કોર્ટમાં જશે એવી જાહેરાત કમિટિના સંયોજક ઝફરયાબ જિલાનીએ મિડિયા સાથેની વાતચીત દરમિયાન કહ્યું હતું. તેમણે કહ્યું કે અમે અમારા વકીલ રાજીવ ધવન સાથે આ મુદ્દે ચર્ચા કરી હતી.

દરમિયાન, ઉત્તર પ્રદેશ રાજ્ય સરકારે મસ્જિદ બાંધવા માટે આપવા ધારેલી જમીન બાબત મુસ્લિમ પક્ષ નારાજ હોવાનું કહેવાય છે. આ લોકોએ કહ્યું હતું કે આ જમીન શહેરથી ખાસ્સી દૂર છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે અયોધ્યા શહેરમાં કોઇ મહત્ત્વના સ્થળે જમીન આપવી જોઇએ. એને બદલે રાજ્ય સરકાર જે જમીન આપવાની ઑફર કરે છે એ અયોધ્યાથી 25 કિલોમીટર દૂર છે.

આ કેસના બીજા પક્ષકાર હસબુલ્લાહ બાદશાહ ખાને પણ એવોજ અભિપ્રાય વ્યક્ત કર્યો હતો કે સુપ્રીમ કોર્ટે અયોધ્યામાં મહત્ત્વના સ્થળે જમીન આપવાની સૂચના આપી હતી. રાજ્ય સરકાર જે જમીન આપે છે એ તો શહેરની બહાર હોય એવી છે.




from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/39bWw5B
via Latest Gujarati News

Post a Comment

0 Comments