
મુંબઈ, તા.15 ફેબ્રુઆરી, 2020, શનિવાર
'એકાદા કાયદાના વિરોધમાં કોઈ શાંતિપૂર્ણ માર્ગે આંદોલન કરતું હોય તો તેને ગદ્દાર કે દેશદ્રોહી ગણાવી શકાય નહીં,' એવો સ્પષ્ટ મત મુંબઈ હાઈકોર્ટની ઔરંગાબાદ ખંડપીઠે વ્યક્ત કર્યો છે.
સીએએ વિરોધી આંદોલનને પોલીસ દ્વારા પરવાનગી મળતી ન હોવાના વિરોધમાં કોર્ટમાં આવેલી અરજી પર સુનાવણી કરતા ખંડપીઠે આ મત વ્યક્ત કર્યો છે. સીએએ તેમજ એનઆરસીના વિરોધમાં શાંતિપૂર્ણ આંદોલન માટે ઈફ્તિકાર જખી શેખે મંજૂરી માગી હતી. માજલગાવના જૂના ઈદગાહ મેદાનમાં આ આંદોલન કરવાની તેમની યોજના હતી.
પરંતુ કાયદો અને વ્યવસ્થાનું કારણ આપી બીડ જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટએ તેમને મંજૂરી આપી નહીં. તેનો આધાર લઈ માજલગાવ શહેર પોલીસે પણ પ્રદર્શનને પરવાનગી નકારી. ત્યારબાદ શેખે હાઈ કોર્ટમાં ઘા નાંખતાં કોર્ટે દંડાધિકારી તેમજ પોલીસનો આ આદેશ રદ્દ ઠેરવ્યો.
'માત્ર એકાદ કાયદાનો વિરોધ કરવાથી કોઈ ગદ્દાર કે દેશવિરોધી ઠરતું નથી. પ્રદર્શનને કારણે કાયદાની કોઈપણ જોગવાઈનો ભંગ થવાનો પ્રશ્ન ઉદ્ભવતો નથી. શાંતિપૂર્ણ આંદોલનની માગણીનો કોર્ટે વિચાર કરવો જ પડશે.'
બોમ્બે હાઈકોર્ટની ખંડપીઠે સુના વણી કરતાં જણાવ્યું કે, નાગરિકતા કાયદાનો વિરોધ સરકાર વિરૂદ્ધ માત્ર એક વિરોધ પ્રદર્શન છે. આપણે આ પ્રકારની એક કાર્યવાહી પર વિચાર કરીએ ત્યારે આપણે એ ધ્યાન રાખવું જોઈએ કે આપણે એક લોકતાંત્રિક દેશ છીએ અને આપણા બંધારણે આપણને કાયદાનું શાસન આપ્યું છે, બહુમતીનું શાસન આપ્યું નથી.
આવો કાયદો બનાવવામાં આવે ત્યારે કેટલાક લોકોને ખાસ કરીને મુસ્લિમોને એવું લાગી શકે છે કે આ તેમના હિતો વિરૂદ્ધ છે. તેથી આ પ્રકારના કાયદોનો વિરોધ કરી શકાય છે. આ તેમની ધારણા અને વિશ્વાસનો વિષય છે અને અદાલત તેમની ધારણા અથવા વિશ્વાસના ગુણમાં જઈ શકે નહીં.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2vxxXS1
via Latest Gujarati News
0 Comments