સુપ્રીમમાં ફાંસીની સજા સામેની અપીલની સુનાવણી હવે છ મહિનાની અંદર શરૂ થશે


નવી દિલ્હી, તા. 14 ફેબ્રુઆરી, 2020, શુક્રવાર

નિર્ભયા કેસના ચારેય અપરાધીઓ સાત વર્ષથી જેલમાં કેદ છે અને હજુસુધી તેમને ફાંસીએ નથી લટકાવવામાં આવ્યા. તેને ફાંસીની સજા આપવામાં પણ વિલંબ થયો હતો. કેસ 2012માં સામે આવ્યો હતો જ્યારે સજા ઘણા વર્ષ પછી સંભળાવવામાં આવી હતી.

જોકે હવે ફાંસીની સજા થઇ હોય તેવા મામલાઓની અપીલને બહુ વિલંબ ન થાય તે માટે સુપ્રીમ કોર્ટે ગાઇડ લાઇન જાહેર કરી છે. જે મુજબ હવેથી એક નિશ્ચિત સમય સુધીમાં સુનાવણી શરૂ કરી દેવી પડશે.  

સુપ્રીમ કોર્ટે જાહેર કરેલી નવી ગાઇડ લાઇન મૂજબ ફાંસીની સજાને હાઇકોર્ટ માન્ય રાખે તે બાદ સુપ્રીમ કોર્ટમાં અપીલ થાય તો આવી અપીલની સુનાવણી છ મહિનામાં શરૂ કરી લેવામાં આવશે. 

સાથે જણાવવામાં આવ્યું છે કે જે મામલાઓમાં હાઇકોર્ટે ફાંસીની સજા પર મહોર લગાવી દીધી હોય તેવા મામલાની સુપ્રીમ કોર્ટમાં જે અપીલ બાદમાં દાખલ કરવામાં આવે છે તેનો નિકાલ વહેલી તકે કરી લેવામાં આવશે કે જેથી અપરાધીઓની અપીલ ફગાવાય તો પણ તેને વહેલી તકે ફાંસીએ લટકાવી શકાય. 

જ્યારે હાઇકોર્ટ ફાંસીની સજાને માન્ય રાખે છે ત્યારે તેની સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ દાખલ થાય છે, આ અપીલને જો વિચારણા માટે સુપ્રીમ કોર્ટ સ્વીકારી લે એટલે કે કાયદાની ભાષામાં કહીએ તો લીવ ગ્રાંટ કરી દે તે બાદથી છ મહિનાની અંદર તેની સુનાવણી કરી લેવામાં આવશે.

સુપ્રીમ કોર્ટે જાહેર કરેલી નવી ગાઇડ લાઇન મૂજબ એ સ્પષ્ટતા કરી દેવામાં આવી છે કે છ મહિનાની અંદર જ સુનાવણી માટે હાથ પર લઇ લેવામાં આવશે જ પછી તે અપીલ સુનાવણી માટે રેડી હોય કે ન હોય. જે મામલાઓમાં હાઇકોર્ટ દ્વારા મળેલી ફાંસીની સજાની સામે દોષી દ્વારા સુપ્રીમ કોર્ટમાં વિશેષ અનુમતિ પિટિશન દાખલ કરવામાં આવી હશે.

તેમાં સ્પેશિયલ લીવ પિટિશન દાખલ થતા જ સુપ્રીમ કોર્ટ રજિસ્ટ્રી જે તે ન્યાયાલયને આદેશ મોકલશે જેના આદેશની સામે સ્પેશિયલ લીવ પિટિશન દાખલ થઇ હોય. આ સંદેશમાં રજિસ્ટ્રી કોર્ટને કહેશે કે તે મામલાનું પ્રમાણપત્ર અને કેસનો ઓરિજિનલ રેકોર્ડ 60 દિવસની અંદર સુપ્રીમ કોર્ટને મોકલી આપે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/31VTQq6
via Latest Gujarati News

Post a Comment

0 Comments