નિર્ભયાના ગુનેગાર વિનયની અરજી સુપ્રીમે ફગાવી : હવે ચારેયની ફાંસીનો માર્ગ મોકળો


(પીટીઆઈ) નવી દિલ્હી, તા. 14 ફેબ્રુઆરી, 2020, શુક્રવાર

નિર્ભયા કેસના ચાર પૈકી એક ગુનેગાર વિનય શર્માએ માનસિક રીતે અસ્થિર હોવાથી ફાંસી ન આપવાની અરજી સુપ્રીમ કોર્ટમાં કરી હતી. સુપ્રીમ કોર્ટે તેના મેડિકલ રીપોર્ટ્સના આધારે ચુકાદો આપ્યો હતો કે વિનય માનસિક રીતે સંપૂર્ણપણે ફિટ  છે અને તેને ફાંસી આપી શકાય છે. એ પછી હવે ચારેય આરોપીઓ ફાંસીના ફંદાની સાવ નજીક પહોંચી ગયા છે.

નિર્ભયા કેસના ગુનેગાર વિનય શર્માએ સુપ્રીમમાં અરજી કરી હતી કે તેણે જે રાષ્ટ્રપતિને દયા અરજી કરી એમાં તેની હાલત માનસિક અસ્થિર હોવાનો મુદ્દો જણાવ્યો હતો છતાં રાષ્ટ્રપતિએ એ મુદ્દાને ધ્યાનમાં લીધા વગર અરજી ફગાવી દીધી હતી. 

એ અરજીની સુનાવણી દરમિયાન વિનયના વકીલે એવી દલીલ રજૂ કરી હતી કે જેલતંત્રએ વિનય ઉપર માનસિક ત્રાસ આપ્યો હોવાથી તેની આ હાલત થઈ હતી અને તે પછી જેલ પ્રશાસને જ વિનયની માનસિક હાલતનો ઈલાજ કરાવ્યો હતો.

એ અરજીના સંદર્ભમાં સુપ્રીમ કોર્ટે તેના મેડિકલ રીપોર્ટ્સ તપાસ્યા હતા. એના આધારે અરજી ફગાવી દેતા સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે વિનય માનસિક રીતે એકદમ સ્થિર છે. સંતુલિત છે. તેને ફાંસી આપવા બાબતે આ મુદ્દો વચ્ચે આવી શકે તેમ નથી.

કોર્ટે ઉમેર્યું હતું કે રાષ્ટ્રપતિએ દયાની અરજી ફગાવી તે યોગ્ય છે અને માનસિક રીતે સ્થિર નથી એવી દલીલના આધારે વિનયની ફાંસી રોકી શકાય એ પૂરવાર થતું નથી.

વિનયની અરજીમાં એવી બેહૂદી દલીલ કરવામાં આવી હતી કે દયાની અરજી ફગાવતી વખતે રાષ્ટ્રપતિએ દિમાગથી કામ લીધું નથી. એ શબ્દોની આકરી ઝાટકણી કાઢતા સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે દેશના બંધારણીય વડા અંગે આવા શબ્દો બિલકુલ બેજવાદારી ભર્યા છે. રાષ્ટ્રપતિએ કોઈ નિર્ણય કરતા પહેલાં તમામ ખરાઈ કરી જ હોય છે. આવી દલીલ યોગ્ય નથી.

સુપ્રીમ કોર્ટે આ અરજી ફગાવ્યા પછી હવે નિર્ભયા કેસના ગુનેગારોના ગળા ફરતે ફાંસીનો ફંદો વધુ નજીક સરક્યો છે.મૃત્યુદંડથી બચવા માટે જાત-ભાતના પેંતરા અજમાવી રહેલાં ચારેય ગુનેગારોના તમામ ન્યાયિક વિકલ્પો લગભગ પૂરા થઈ ચૂક્યા છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/39BmKOY
via Latest Gujarati News

Post a Comment

0 Comments