
જકાર્તા,૧૨ ફેબુ્આરી,૨૦૨૦, બુધવાર
ઇન્ડોનેશિયામાં એક કેફેમાં જોબ કરતો એક યુવાન સ્પાઇડર મેનનો પોષાક પહેરીને દરિયાકાંઠે કચરો ઉઠાવી રહયો છે. આ યુવાનનો સ્પાઇડરમેન બનવાનો હેતું લોકોને દરિયાકાંઠે સ્વચ્છતા રાખવા માટે જાગૃત કરવાનો છે. આ યુવાનનું નામ રુડી હાર્ટોનો છે. રુડીએ પહેલા સામાન્ય પોષાક પહેરીને દરિયાકાંઠે કચરો વિણવાનું શરુ કર્યુ તો કોઇનું ધ્યાન ખેંચાયું ન હતું પરંતુ સ્પાઇડરમેનનો પોષાક પહેરીને એક દિવસ આવ્યો ત્યારે સેંકડો લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. થોડીક વાર તો દરિયાકાંઠેથી પસાર થઇ રહેલા લોકોને હુબહું સ્પાઇડરમેન હોવાનું જણાયું હતું.

કેટલાક લોકોએ નજીક આવીને પુછપરછ કરી ત્યારે રુડીએ સ્વચ્છતા માટે સ્પાઇડરમેન બન્યો હોવાનું સમજાવ્યું હતું. ઇન્ડોનેશિયામાં પણ કચરો અને પ્લાસ્ટિક માટે ભારત જેવી સ્થિતિ જોવા મળે છે. ટાપુઓના બનેલા આ દેશના સેંકડો દરિયાકાંઠાઓ પર ગંદકી વધી રહી છે અને કાંઠાઓ કચરા નિકાલની જગ્યા બની છે. વિશ્વમાં કોઇ પણ સ્થળે નદી કે દરિયાકાંઠો હોય ત્યાં આવી સ્થિતિ જોવા મળે છે પરંતુ ઇન્ડોનેશિયામાં સ્થિતિ વધુ વિકટ છે. વિશ્વમાં ચોથા ક્રમનો સૌથી વધુ વસ્તી ધરાવતા દેશમાં વર્ષે ૩૨ લાખ ટન કચરો પેદા થાય છે જેમાંથી ૧૩ લાખ ટન જેટલો દરિયામાં ઠલવાય છે.
સ્પાઇડરમેન રોજ દરરોજ કચરો ઉઠાવીને દરિયાકાંઠો સાફ કરતો હોવાથી ઇન્ડોનેશિયાના લોકોનું ધ્યાન સ્વચ્છતાની સમસ્યા બાબતે દોરાયું છે એટલું જ નહી વિશ્વમાં પણ આ સ્પાઇડરમેનની તસ્વીર વાઇરલ થઇ છે. આમ તો આ પોષાક પોતાના પિતરાઇ ભાઇનું મનોરંજન કરવા માટે ખરીદયો હતો પરંતુ તે હવે સ્વચ્છતાનું પ્રતિક બની ગયો છે. ૩૬ વર્ષના યુવાન રુડી હાર્ટોનોએ સ્પાઇડરમેન બનીને અનેક સમાચારપત્રો તથા ટીવી ચેનલોને ઇન્ટરવ્યું આપ્યા છે. કોઇ ટીવી શોમાં પણ સ્પાઇડરમેનનો પોષાક પહેરીને પહોંચી જાય છે.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2UNGURC
via Latest Gujarati News
0 Comments