તમને ગૌમૂત્ર અને ગોબર ખાવાની સજા ફરમાવવામાં આવે છે

ઝાંસી તા.8 ફેબ્રુઆરી 2020, શનિવાર

વીરોની ભૂમિ ગણાતા ઉત્તર પ્રદેશના ઝાંસી વિસ્તારમાં ખાપ પંચાયતના તાલીબાની આદેશની એક ઘટના પ્રકાશમાં આવી હતી. સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસે આ ઘટનાની નોંધ લઇને પંચાયત સામે કેસ નોંધ્યો હતો.

એક જ જ્ઞાતિના એક યુગલે બંને પરિવારોની સંપૂર્ણ સહમતિથી પાંચ વર્ષ પહેલાં લગ્ન કર્યાં હતાં. ત્યારબાદ ગામ છોડીને આ દંપતી અન્યત્ર રહેવા ચાલ્યું ગયું હતું. 

તાજેતરમાં આ યુગલ પોતાના ગામમાં પાછું ફરતાં ખાપ પંચાયત મળી હતી અને પંચાયતે રોષે ભરાઇને આ દંપતીને પોતાની સજા સંભળાવી હતી.

પંચાયતે આપેલો ચુકાદો એવો હતો કે તમારે ગામમાં અને જ્ઞાતિમાં રહેવું હોય તો ગૌમૂત્ર પીઓ અને ગાયનું ગોબર ખાઇ બતાવો. આ સમાચાર વહેતા થતાં સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસ ચોંકી ઊઠ્યા હતા.

અત્રે એ યાદ રહે કે ખાપ પંચાયતોને સ્વચ્છંદી સજા કરવાનો કોઇ અધિકાર નથી એવો ચુકાદો અગાઉ સુપ્રીમ કોર્ટ આપી ચૂકી હતી. પોલીસે આ ખાપ પંચાયત વિરુદ્ધ કેસ નોંધ્યો હતો. સંબંધિત દંપતીને રક્ષણ આપવાની તૈયારી પણ દાખવી હતી.




from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2ODq443
via Latest Gujarati News

Post a Comment

0 Comments