વિદર્ભમાં બે અકસ્માતમાં છ જણના મોત, આઠ જણ જખમી


(પ્રતિનિધિ દ્વારા) મુંબઈ,તા.15 ફેબ્રુઆરી 2020, શનિવાર

વિદર્ભમાં નાગપુર અને અકોલા ખાતે થયેલા બે જુદા જુદા ભીષણ અકસ્માતમાં છ જણે જીવ ગુમાવ્યા હતા અને આઠ જણ જખ્મી થયા હતા. નાગપુર-ભંડારા માર્ગ પર લગ્નની જાનની બસ અને એક કન્ટેનર સાથે અથડામણ થતાં ચાર જણ મૃત્યુ પામ્યા હતા અને ૧૨ જણ જખ્મી થયા હતા. જ્યારે અકોલા ખાતે ટેમ્પોને અકસ્માત નડતાં બે જણ મૃત્યુ પામ્યા હતા. આ અકસ્માતના મામલે પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ કરી રહી છે.

નાગપુર જિલ્લાના તિરોડા ગામ ખાતે લગ્ન પતાવીને ત્યાંથી ૩૦ જાનૈયાને લઈને નીકળેલી ખાનગી ટ્રાવેલ્સની બસ નાગપુર જઈ રહી હતી. ત્યારે આજે પરોઢિયે ૫ થી ૬ વાગ્યાના દરમિયાન નાગપુરા-ભંડારા હાઈવે માર્ગના સિંગુડી ખાતે ત્યાં ઊભા રહેલા એક કન્ટેનરને પાછળથી આવીને અથડામણથી સર્જાયેલા અકસ્માતમાં ચાર જણ મૃત્યુ પામ્યા હતા. એમાં બે મહિલા અને બે પુરુષનો સમાવેશ થાય છે. જ્યારે ૮ જણ જખ્મી થયા હતા. તેઓને નજીકમાં આવેલી મેયો હોસ્પિટલમાં દાખલ કરાયા છે. આ અકસ્માત ખાનગી બસના ડ્રાઈવરની બેદરકારીને લીધે થયો હોવાનું કહેવાય છે.

આ ભીષણ અકસ્માતમાં બસના કાચનો ભુક્કો  થયો હતો. થોડાક સમય સુધી ટ્રાફિક જામ થઈ ગયો હતો. પોલીસ ઘટના સ્થળે આવીને પંચનામું કર્યું હતું. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

જ્યારે બીજા અકસ્માતમાં અકોલાના શેગાવ ખાતે આજે સવારે બન્યો હતો. રસ્તા પર પગપાળે જઈ રહેલા બે વારકરીને (ભક્તો) પૂરપાટ વેગે આવતા ટેમ્પોએ અડફેટમાં લીધા હતા. આ બન્ને વારકરી ઘટના સ્થળે મૃત્યુ પામ્યા હતા. આ મામલે પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/37vQCe4
via Latest Gujarati News

Post a Comment

0 Comments