બીએમસીની હોસ્પિટલમાં કેન્સર પીડિતો માટે પેલિએટ્વિ કેર યુનિટ શરૂ કરાશે


મુંબઇ, તા.11 ફેબ્રુઆરી 2020, મંગળવાર

મહાનગર મુંબઇમાં કેન્સરના દરદીઓ માટે સાર્વજનિક હોસ્પિટલમાં સૌ પ્રથમ પેલિએટિવ કેર (દર્દશામક દેખભાળ) યુનિટ શરૂ કરવામાં આવશે. મુંબઇ મહાનગર પાલિકાના વહિવટીતંત્રએ આ માટેના પ્રોજેક્ટને મંજૂરી આપી દીધી છે અને હાલમાં પાલિકાનો આર્કિટેકચર વિભાગ તેની ડિઝાઇન તૈયાર કરે છે.

પાલિકાની યોજના ખાનગી એજન્સીના સહ્યોગમાં ચોથા તબક્કા (સ્ટેજ)ના કેન્સરના દરદીઓની જ પેલેટિવ કેર ટ્રિટમેન્ટ માટે ગ્રાન્ટરોડમાં ૪૫ બેડનું યુનિટ શરૂ કરવાની છે.

 પાલિકાની આય હોસ્પિટલના વિસ્તરણ રૂપે આ યુનિટ તૈયાર કરવામાં આવશે. આય હોસ્પિટલના એક જર્જરીત હિસ્સાને થોડાંક વર્ષો અગાઉ તોડી નાખવામાં આવ્યો હતો. ત્યારે ખાલી થયેલા બે હજાર ચોરસ મીટરના વિસ્તારમાં પેલિએટિવ કેર હોસ્પિટલ બંધાશે. મુંબઇમાં કેન્સરના દરદીઓને ઉપશામક દેખભાળ પૂરી પાડતી પાલિકાની આ સૌ પ્રથમ હોસ્પિટલ હશે એમ પાલિકાના હેલ્થ એક્ઝિક્યુટિવ ઓફિસર ડૉ. પદ્મજા કેસરકરે કહ્યું હતું.

પેલિએટિવ કેરમાં કેન્સર, એચઆઇવી, હઠીલા ટીબી (ટયુબર ક્યુલોસિસ) કિડની તથા લિવરની નિષ્ફળતા જેવી ચોથા તબક્કાની ગંભીર બિમારીવાળા દરદીઓ માટેની વિવિધ તબીબી સેવાઓનો સમાવેશ થાય છે અને આવી કેર દરદીઓના જીવનની ગુણવત્તા સુધારવામાં સહાયરૂપ થાય છે.

ભારતનું સૌથી જૂનું પેલિએટ્વિકેર યુનિટ ટાટા મેમોરિઅલ હોસ્પિટલ, પરેલમાં છે. ૧૯૯૬માં શરૂ કરાયેલા  આ યુનિટે છેલ્લા ત્રણ વર્ષમાં ૨૦ હજારથી વધુ દરદીઓને હેલ્થકેર સર્વિસ પૂરી પાડી છે. જોકે, પાલિકા સંચાલિત મુંબઇની એક પણ હોસ્પિટલમાં કેન્સરના દરદીઓ માટે પેલિએટ્વિકેર યુનિટ નથી. મુંબઇની કેટલીક ખાનગી હોસ્પિટલો તથા ક્લિનિકમાં આવી સેવા ઉપલબ્ધ છે પણ તે મોંઘી છે.



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2SAYwh4
via Latest Gujarati News

Post a Comment

0 Comments