
(પીટીઆઈ) નવી દિલ્હી, તા. 10 ફેબ્રુઆરી, 2020, સોમવાર
ઉત્તરાખંડમાં સરકારી નોકરીમાં અનામત આપવા અંગેના એક કેસમાં સુપ્રીમ કોર્ટે અનામત મૂળભૂત અિધકાર ન હોવાનું નિરીક્ષણ રજૂ કર્યું તે મુદ્દે ભારે હોબાળો શરૂ થયો છે. સંસદના બંને ગૃહોમાં એ મુદ્દે ભારે વિરોધ થયો હતો. સરકાર તુરંત આ ચુકાદા સામે રીવ્યૂ પિટિશન કરે એવી માગણી વિપક્ષોએ કરી હતી.
અનામત મુદ્દે વિપક્ષોએ સંસદના બંને ગૃહોમાં ભારે હોબાળો મચાવ્યો હતો. ભાજપની સરકાર અનામત વિરોધી છે એવો સૂત્રોચ્ચાર લોકસભામાં થયો હતો. કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે એસટી-એસસી અને ઓબીસીને ક્યારેય આગળ ન વધે તે માટે ભાજપની સરકાર અનામત નાબુદ કરવા ઈચ્છે છે.
અનામત નાબુદીની વિચારધારા ભાજપ-આરએસએસના ડીએનએમાં છે. રાહુલ ગાંધીએ ભાજપની સરકારની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢતા કહ્યું હતું કે કોંગ્રેસ ક્યારેય અનામત નાબુદીની ભાજપની વિચારધારાને સફળ થવા દેશે નહીં.
મોદી સરકાર બંધારણ ઉપર સતત પ્રહારો કરે છે અને બંધારણને નબળું બનાવવાની કોશિશ કરે છે. સરકાર વિપક્ષોને સંસદમાં બોલતા દેતી નથી, પરંતુ કોંગ્રેસ અનામતને સમર્થન આપે છે અને હંમેશા સમાજનો પછાત વર્ગ આગળ આવે તે માટે પ્રયત્ન કરે છે.
લોકસભામાં બધા જ વિપક્ષોએ કેન્દ્ર સરકારને નિશાન બનાવી હતી. કોંગ્રેસ-તૃણમૂલ કોંગ્રેસ-એનસીપી-સપા-બસપા સહિતના વિપક્ષોએ સરકારને અનામત વિરોધી ગણાવી હતી. મોદી સરકાર દલિત અને આદિવાસી વિરોધી હોવાનો આરોપ વિપક્ષના સાંસદોએ લગાવ્યો હતો.
બસપાએ કેન્દ્ર સરકારને દલિત વિરોધી ગણાવી હતી. એનસીપીએ કેન્દ્ર સરકાર તુરંત પગલું ભરે એવી માગણી કરી હતી. લોકસભાની કાર્યવાહી શરૂ થઈ કે તુરંત જ વિપક્ષી સાંસદોએ આ મુદ્દો ઉઠાવ્યો હતો અને તેના વિશે સંસદમાં ચર્ચા કરવાની માગણી કરી હતી.
વધતા વિરોધ પછી આખરે સમાજ કલ્યાણ મંત્રી થાવરચંદ ગહેલોતે બચાવ કર્યો હતો કે સરકાર અનામતનું રક્ષણ કરવા પ્રતિબદ્ધ છે. રાજનાથ સિંહે પણ આ મુદ્દે બચાવ કરતા કહ્યું હતું કે 2012માં સરકારી નોકરીમાં અનામતના મુદ્દે અરજી થઈ ત્યારે ઉત્તરાખંડમાં કોંગ્રેસની સરકાર હતી. એના જવાબમાં કોંગ્રેસના આૃધીરરંજન ચૌધરીએ કહ્યું હતું કે ઉત્તરાખંડની ભાજપની સરકારે સુપ્રીમ કોર્ટમાં એવી દલીલ રજૂ કરી છે કે અનામત હટાવવી જોઈએ.
રાજ્યસભામાં પણ અનામત મુદ્દે ભારે કોલાહલ થયો હતો. કોંગ્રેસના નેતા ગુલામનબી આઝાદે કહ્યું હતું કે સરકાર સુપ્રીમના ચુકાદા સામે તાત્કાલિક વટહુકમ લાવે. સુપ્રીમમાં સરકાર ફેરવિચારણા અરજી દાખલ કરે એવી માગણી પણ વિપક્ષી સાંસદોએ રાજ્યસભામાં કરી હતી. એટલું જ નહીં, જો આ મુદ્દે જરૂર પડે તો સરકાર નવો કાયદો બનાવીને પણ અનામતનું રક્ષણ કરે એવી માગણી ઉઠી હતી.
એનડીએના સાથીપક્ષે સરકારની ઝાટકણી કાઢી
એનડીએના સાથીપક્ષ એલએજીપીના ચિરાગ પાસવાને પણ સરકારની ટીકા કરતા કહ્યું હતું કે અનામત કોઈ ખેરાત નથી, પરંતુ લોકોનો મૂળભૂત અિધકાર છે. આ મુદ્દે કેન્દ્ર સરકારે હસ્તક્ષેપ કરવો જોઈએ એવું તેણે કહ્યું હતું.
ચિરાગ પાસવાને લોકસભામાં તો નિવેદન આપ્યું જ હતું, પરંતુ ટ્વિટ કરીને પણ સરકારના વલણની ટીકા કરી હતી. ચિરાગ પાસવાને લખ્યું હતું કે સુપ્રીમ કોર્ટનો તાજેતરનો ચુકાદો અનામત ખતમ કરી દેશે. બિહારના નેતાઓએ અનામત મુદ્દે સરકારનો વિરોધ કર્યો હતો.
તેજસ્વી યાદવે ટ્વિટ કરીને કહ્યું હતું કે અનામત ખતમ થાય તે માટે ઉત્તરાખંડની ભાજપની સરકાર સુપ્રીમ કોર્ટમાં કેસ લડતી હતી. એના પરથી જ ભાજપની અનામત વિરોધી માનસિકતા છતી થાય છે. તેજસ્વી યાદવે એનડીએના સાથી નેતાઓ રામવિલાસ પાસવાન, નીતીશ કુમાર સહિતના નેતાઓને ટેગ કરીને તેમનો મત રજૂ કરવા પડકાર ફેંક્યો હતો.
ડીએમકેના અધ્યક્ષ એમ.કે.સ્ટાલિને ભાજપને નિશાન બનાવતા કહ્યું હતું કે જ્યારથી ભાજપની સરકાર કેન્દ્રમાં આવી છે ત્યારે અનામત ઉપર જોખમ ખડું થયું છે. સરકારે અનામતના રક્ષણ માટે તાત્કાલિક પગલાં ભરવા જોઈએ. સ્ટાલિને કહ્યું હતું કે સરકારના મંત્રીઓ અને સંઘ પરિવાર ઘણા સમયથી અનામતના વિરોધમાં મત આપી રહ્યા છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/37eHbjo
via Latest Gujarati News
0 Comments