નવી દિલ્હી તા. 7 ફેબ્રુઆરી 2020 શુક્રવાર
પીઢ કોંગ્રેસી નેતા અને ભૂતપૂર્વ નાણાં પ્રધાન પી ચિદંબરમે જમ્મુ કશ્મીરના બે ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનો ઉમર અબ્દુલ્લા અને મહેબૂબા મુફ્તી સહિત કેટલીક કશ્મીરી નેતાઓને પબ્લિક સેફ્ટી એક્ટ હેઠળ અટકાયતમાં લેવાના કેન્દ્રના પગલાની ઝાટકણી કાઢી હતી.
આજે શુક્રવારે સવારે ટ્વીટર પર ચિદંબરમે લખ્યું, ‘લોકશાહીમાં લેવાયેલું આ સૌથી નીચ પગલું છે. આરોપો પુરવાર થયા વિના કોઇને આ રીતે અટકાયતમાં શી રીતે લઇ શકાય ? હું તો આ સમાચાર જાણીને ખૂબ વ્યથિત થઇ ગયો છું. આવા અન્યાયપૂર્ણ કાયદા ઘડાય કે તેનો અમલ થાય ત્યારે લોકો પાસે શાંતિપૂર્ણ દેખાવો કરવા સિવાય કયો વિકલ્પ બાકી રહે છે ?’
વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહાર કરતાં ચિદંબરમે કહ્યું, વડા પ્રધાન કહે છે કે સંસદે ઘડેલા કાયદાનો વિરોધ કરવાથી અરાજકતા સર્જાશે. વડા પ્રધાન મહાત્મા ગાંધી અને માર્ટિન લ્યૂથર કિંગ જેવા મહાનુભાવોને ભૂલી ગયા લાગે છે. સવિનય કાનૂનભંગ દ્વારા અન્યાયપૂર્ણ કાયદાનો વિરોધ કરી શકાય છે. એ સત્યાગ્રહ છે.
ગયા વરસે જમ્મુ કશ્મીરને ખાસ દરજ્જો આપતી 370 મી કલમ રદ કરાઇ ત્યારે અટકાયતમાં લેવાયેલા નેતાઓમાં ઉમર અબ્દુલ્લા અને મહેબૂબાનો સમાવેશ થયો હતો. છ મહિના નજરકેદમાં રખાયા બાદ તેમની અટકાયતની મુદત પૂરી થવા આવી ત્યારે તેમને પબ્લિક સેફઅટી એક્ટમાં ફરી અટકાયતમાં લેવાયાં હતાં.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/31v2USQ
via Latest Gujarati News
0 Comments