
(વાણિજય પ્રતિનિધિ) મુંબઈ, તા.13 માર્ચ, 2020, શુક્રવાર
ચીનનાઘાતક વાયરસનો વ્યાપ ચીનની બહાર વિશ્વના વિવિધ દેશોમાં ઝડપથી ફેલાઈ રહ્યાના નિર્દેશોએ વિવિધ બજારોમાં શુક્રવારે પણ અફડાતફડીનો માહોલ ચાલુ રહેતાં બજારના ખેલાડીઓ સ્તબ્ધ બની ગયા હતા.
શેરબજારની જેમ આજે સોના-ચાંદી બજારમાં પણ તીવ્ર બેતરફી વધઘટ જોવા મળી હતી. વિશ્વ બજારમાં સોનામાં આજે આરંભમાં ભાવ ગબડયા પછી ફરી ઉછળ્યા હતા. જોકે મોડી સાંજે ભાવ ફરી નીચા ઉતર્યાના સમાચાર મળ્યા હતા. ક્રૂડના ભાવ પણ તળિયેથી વધ્યા પછી નરમ પડયા હતા.
વિશ્વ બજારમાં સોનાના એક ઔંશના ભાવ આજે એક સવારે નીચામાં 1551થી 1552 ડોલર સુધી ઉતરી ગયા પછી ઝડપી ઉછળી ઉંચામાં 1595થી 1596 ડોલર સુધી પહોંચી ગયા હતા. જોકે ત્યાર પછી આ ઉછાળો ઉભરા જેવો નિવડતાં સોનાના ભાવ ફરી ગબડી શુક્રવારે રાત્રે 1550ની અંદર ઉતરી 1536થી 1537 ડોલર બોલાઈ ગયાના નિર્દેશો મળ્યા હતા.
આ સપ્તાહમાં સોનાના ભાવ ઉંચામાં 1700 ડોલરની ઉપર ગયા હતા એ વખતે સાત વર્ષની ટોચ જોવા મળી હતી. પરંતુ ત્યાર પછી ભાવ ગબડતાં ઉંચા ભાવથી સોનું ઔંશદીઠ આશરે 165થી 170 ડોલર જેટલું તૂટી જતાં વિકલી ભાવ ઘટાડાનો નવો રેકોર્ડ સર્જાયો હતો.
મુંબઈ બજારમાં આજે મોડી સાંજે સોનાના ભાવ ગબડી જીએસટી વગર 10 સગ્રામના 99.50ના રૂ.41000 આસપાસ બોલાઈ રહ્યા હતા. જ્યારે ચાંદીના ભાવ ગબડી જીએસટી વગર કિલોના 999ના રૂ.41000થી 41500 આસપાસ બોલાઈ રહ્યા હતા. જીએસટી સાથેના ભાવ આ ભાવથી 3 ટકા ઉંચા રહ્યા હતા. ચાંદીના ભાવ આજે વિશ્વ બજારમાં ઔંશના ઉંચામાં 15.95થી 16.00 ડોલર થયા પછી ભાવ ગબડી શુક્રવારે રાત્રે નીચામાં 14.75થી 14.80 ડોલર બોલાઈ રહ્યા હતા.
દરમિયાન, વિશ્વ બજારમાં આજે ક્રૂડતેલના ભાવ નીચા મથાળેથી આશરે 6 ટકા વધ્યા પછી ફરી તૂટયાના સમાચાર હતા. બ્રેન્ટક્રૂડના ભાવ બેરલદીઠ આજે ઉંચામાં 35.35થી 35.40 ડોલર રહ્યા પછી મોડી સાંજે ભાવ ફરી ઘટી33.50થી 33.55 ડોલર રહ્યા હતા જ્યારે ન્યુયોર્કના ભાવ ઉંચામાં 33.55થી 33.60 ડોલર થયા પછી આજે રાત્રે ફરી નીચા ઉતરી 31.55થી 31.60 ડોલર રહ્યા હતા. કોપરમાં પણ ઉછાળા ઉભરા જેવા નિવડતા ભાવ રાત્રે ફરી નીચા બોલાઈ રહ્યા હતા.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2wULrrE
via Latest Gujarati News
0 Comments