
ભોપાલ, તા.13 માર્ચ, 2020, શુક્રવાર
કોંગ્રેસના દિગ્ગજ નેતા જ્યોતિરાદિત્ય સિંિધયા ભાજપમાં જોડાઈ ગયા છે અને તેમના 22 સમર્થક ધારાસભ્યોએ વિધાનસભામાંથી રાજીનામું આપી દેતાં મધ્ય પ્રદેશમાં કોંગ્રેસની કમલનાથ સરકાર મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે.
જોકે, મુખ્યમંત્રી કમલનાથે શુક્રવારે વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ માટે તૈયારી દર્શાવતાં ભાજપ પર કોંગ્રેસના 22 ધારાસભ્યોને બંધક બનાવવાનો આરોપ મૂક્યો હતો. કોંગ્રેસના બળવાખોર ધારાસભ્યોમાં મધ્ય પ્રદેશ સરકારના છ મંત્રીઓનો પણ સમાવેશ થાય છે. રાજ્યપાલ લાલજી ટંડને આ મંત્રીઓને તેમના પદ પરથી હટાવી દીધા હતા.
મધ્ય પ્રદેશ વિધાનસભામાંથી રાજીનામુ આપનારા 22માંથી 19 ધારાસભ્યો બેંગ્લુરૂથી ભોપાલ પાછા ફરવાના હતા. તેમના આગમન પૂર્વે મુખ્યમંત્રી કલમનાથ રાજ્યપાલ લાલજી ટંડનને મળ્યા હતા. કમલનાથી ભલામણથી રાજ્યપાલ ટંડને બળવાખોર ધારાસભ્યોમાં સામેલ છ મંત્રીઓને તેમના પદ પરથી હટાવી દીધા હતા.
રાજ્યપાલને મળીને કમલનાથે ફ્લોર ટેસ્ટ પહેલાં બળવાખોર ધારાસભ્યોને બેંગ્લુરૂથી પાછા બોલાવવાની માગ કરી હતી. તેમણે શુક્રવારે સાંજે રાજ્યપાલ સાથેની મુલાકાત પછી કહ્યું કે અમે સ્પીકર દ્વારા નિશ્ચિત કરાયેલી 16મી માર્ચે ફ્લોર ટેસ્ટ માટે સંપૂર્ણપણે તૈયાર છીએ.
તેમણે ભાજપ પર કોંગ્રેસના 22 ધારાસભ્યોને બંધક બનાવી રાખવાનો આરોપ મૂક્યો. તેમણે રાજ્યપાલને રાજ્યના બંધારણીય વડા હોવાના કારણે ગૃહમંત્રાલયના સહયોગથી તેમના બંધક બનાવાયેલા ધારાસભ્યોને છોડાવવા અપીલ કરી હતી. કોંગ્રેસ ધારાસભ્યોના એક જૂથે ત્રણ દિવસ પહેલાં બળવો કર્યા પછી રાજ્યપાલ લાલજી ટંડન સાથે કમલનાથની આ પ્રથમ મુલાકાત હતી.
રાજ્યપાલ લાલજી ટંડન સાથેની મુલાકાતમાં કમલનાથે રાજ્યપાલને ત્રણ પાનાનો એક પત્ર સોંપ્યો હતો, જેમાં તેમણે ભાજપ પર હોર્સ ટ્રેડિંગનો આરોપ મૂક્યો હતો. અધ્યક્ષે વિધાનસભામાં મુખ્યમંત્રી કમલનાથને બહુમતી સાબિત કરવા માટે 16મી માર્ચની તારીખ નિશ્ચિત કરી છે. કમલનાથે કોંગ્રેસના ધારાસભ્યોના રાજીનામા ભાજપ દ્વારા રજૂ કરાયા હોવાની બાબતની તપાસ કરવાની પણ માગ કરી હતી.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2ILLJ76
via Latest Gujarati News
0 Comments