ફારૂક અબ્દુલ્લા પરથી પીએસએ હટયો, 7 મહિને નજરકેદમાંથી મુક્તિ મળી


શ્રીનગર, તા.13 માર્ચ, 2020, શુક્રવાર

જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્ય પ્રધાન ફારૂક અબ્દુલ્લા 370ની કલમ હટાવવામાં આવી ત્યારથી નજર કેદ હતા, નજરકેદનો સમય પૂર્ણ થતા તેમના પર પીએસએ લગાવવામાં આવ્યો હતો.

જોકે હવે આ કાયદાને હટાવી લેવામાં આવ્યો છે અને અંતે ફારૂક અબ્દુલ્લાને છોડી મુકવામાં આવ્યા છે. આ સાથે જ તાત્કાલીક અસરથી તેમને હવે તેમના નિવાસ સૃથાનેથી નજર કેદથી મુક્ત કરવામાં આવ્યા છે. 

82 વર્ષીય ફારૂક અબ્દુલાને ગત વર્ષે પાંચમી ઓગસ્ટે જ્યારે 370 હટાવવામાં આવી ત્યારથી નજર કેદ રાખવામાં આવ્યા હતા. જ્યારે આ નજરકેદ રાખવાનો સમયગાળો પુરો થતા જ 15મી સપ્ટેમ્બરના રોજ તેમના પર પીએસએ લાગુ કરી દેવાયો હતો, જે બાદમાં 13મી ડિસેમ્બરે લંબાવવામાં આવ્યો હતો.

ડિસેમ્બરમાં જે સમયગાળો લંબાવવામાં આવ્યો હતો તે શુક્રવારે મધરાતે પૂર્ણ થયો હતો. આ કાયદા અંતર્ગત ફારૂક અબ્દુલ્લાની સામે કાર્યવાહી કરવામાં આવી હતી. પીએસએ અંતર્ગત કાર્યવાહી થઇ હોય તેવા ઓમર અબ્દુલ્લા પહેલા પૂર્વ મુખ્ય પ્રધાન છે. તે બાદ ઓમર અબ્દુલ્લા સામે પણ આ જ પ્રકારની કાર્યવાહી હાલ ચાલી રહી છે. 

બીજી તરફ પોતાના પરના પ્રતિબંધો હટાવ્યા બાદ અને અટકાયતમાંથી છુટયા બાદ ફારૂક અબ્દુલ્લાએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે હું આજે મુક્ત છું પણ આ આઝાદી ત્યારે જ પૂર્ણ ગણાશે જ્યારે ઓમર અબ્દુલ્લા, મેહબુબા મુફ્તી અને અન્યોને પણ આ જ રીતે મુક્ત કરવામાં આવશે. શ્રીનગરથી લોકસભાના સાંસદ ફારૂક અબ્દુલ્લાએ જણાવ્યું હતું કે જે પણ લોકોએ મારી અટકાયતને લઇને સંસદમાં અને બહાર અવાજ ઉઠાવ્યો છે તેમનો હું આભારી છું.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2U2q3sA
via Latest Gujarati News

Post a Comment

0 Comments