ટ્વેન્ટી-20 વર્લ્ડ કપ તેના નિયત સમયે રમાશે જ તેવી ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડને શ્રદ્ધા

મેલબોર્ન ,તા,૧૭ 

એક તરફ રમત જગત પર કોરોનાને લીધે વિશ્વ સ્તરે પડદો પડી ગયો છે ત્યારે ઓસ્ટ્રેલિયા ક્રિકેટ બોર્ડના ચીફ કેવિન રોબર્ટસે એવી શ્રદ્ધા વ્યક્ત કરી છે કે આગામી ૨૪ ઓક્ટોબરથી ઓસ્ટ્રેલિયામાં રમાનાર ટવેન્ટી-૨૦ વર્લ્ડ કપ તેના નિયત સમય મુજબ શરુ થશે જ.મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર એક લાખથી વધુ પ્રેક્ષકોની હાજરીમાં આ ઇવન્ટની ફાઈનલ રમતી હશે તેવી કલ્પના કરતા પણ તેઓ રોમાંચિત થઇ ગયા હતા. રોબર્ટસે કહ્યું હતું કે કોરોનાને લીધે રમત વિશ્વમાં ક્યારેય ન જોવા મળ્યું ન હોય તેવું શટ ડાઉન ચાલે છે પણ ટવેન્ટી-૨૦ વર્લ્ડ કપ ઓક્ટોબરમાં રમાનાર છે જેને હજુ સમય છે. રોબર્ટસે આશા વ્યક્ત કરી છે કે કોરોનાના કહેરમાંથી વિશ્વ કેટલાક અઠવાડિયાઓ અને વધુમાં વધુ કેટલાક મહિનાઓમાં  મુક્તિ મેળવી લેશે.

ટી-૨૦ વર્લ્ડ કપને હજુ સાત મહિનાની વાર છે તે જોતા એવું કહી શકાય કે કોરોના ત્યાં સુધીમાં કાબુમાં આવી ગયો હશે અને વિશ્વના નાગરિકોમાં વિશ્વાસ પણ સંચાર થવા માંડયો હશે. નાગરિકો મુક્તમને એકબીજાના દેશમાં પ્રવાસ કરતા થાય તે જ કોરોના મુક્તિનો ખરો માપદંડ કહેવાય. 

જોગાનુજોગ કોરોના ૨૦૨૦ના આ એવા વર્ષે વિશ્વભરમાં  ફરી વળ્યો છે કે  જે વર્ષમાં ઓલિમ્પિક, યુરો ફૂટબોલ,કોપા અમેરિકા અને ટવેન્ટી-૨૦ વર્લ્ડ કપ જેવી ટુર્નામેન્ટ આવી છે.યુરો ફૂટબોલ એક વર્ષ માટે મુલતવી રહી છે જ્યારે ઓલિમ્પિકના મહારમતોત્સવ અંગેનો નિર્ણય ગમે ત્યારે જાહેર થવો જોઈએ. તમામ ક્રિકેટ શ્રેણીઓ, આઈપીએલ,પાકિસ્તાન સુપર લીગ તેમજ અન્ય દેશોની લીગ પણ મોકૂફ રાખવાની ફરજ પડી છે. એકંદરે કોઈપણ લેવલનું સ્પોર્ટ્સ રમાતું નથી.

ઓસ્ટ્રેલિયા ક્રિકેટ બોર્ડ અત્યારે તો કોરોના હોય જ નહીં તે ધોરણે વર્લ્ડ કપના આયોજનમાં આગળ ધપશે. ક્રિકેટરોને ફરી વોર્મ અપ થવાનો પણ પુરતો સમય મળી શકે તેમ છે. રોબર્ટસે કહ્યું હતું કે હું કોઈ તબીબી જગતનો નિષ્ણાત નથી આમ છતાં જે રીતે વિશ્વ કોરોનાને ડામવા સંગઠિત થયું છે તે જોતા એવું લાગે છે કે બસ હવે થોડા અઠવાડિયાઓમાં કોરોનાના વળતા પાણી જોઈ શકાશે.



from Sports News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3a1yk6y
via Latest Gujarati News

Post a Comment

0 Comments