21 દિવસનો લોકડાઉન મુંબઇગરા માટે આશીર્વાદ બની રહ્યો છે


મુંબઈ,તા.27 માર્ચ 2020, શુક્રવાર

બાળાસાહેબ ઠાકરે, જ્યોજ ફર્નાન્ડીસ કે શરદ રાવ જેવા દિગ્ગજો પણ જે ન કરી શક્યા એ એખ અદ્રશ્ય વાયરસ કરી રહ્યો. છેલ્લા છ દિવસથી મુંબઇ, થણાણે અને નવી મુંબઇ સહિત એમએમઆરના તમામ વિસ્તારો  સંપૂર્ણ બંધ (લોકડાઉન) મળી રહ્યા છે. લોકડાઉન એક માત્ર એવી બાબત નથી જે મુંબઇ પહેલીવાર અનુભવી રહ્યું હોય. કોરોનાની કૃપાથી એવી બીજી ઘણી વાતો છે જે મહાનગર પહેલીવાર જોઇ અને અનુભવી રહ્યું  હોય, જેમકે ચોમાસાને બાદ કરતા લોકલ ટ્રેન સહિતની પરિવહન સેવાઓ ક્યારેય આટલા દિવસ બંધ નથી રહી. ૧૯૯૨-૯૩ના રમખાણોમાં પણ નહિ.

વર્ક હોલિક (કામઠા) મુંબઇગરા પહેલી વાર ઘરે  રહીને રિલેક્સ થવાની કળા શીખી રહ્યા છે. દિવસો સુધી ઘરે રહીને એમને બ્રહ્મજ્ઞાાન લાદ્યું છે જ કામ કરે છે અને એ પણ એમના જેટલું પાછી હસતા મોઢે.

પહેલીવાર મુંબઇવાસીઓએ વડા પાઉની માયા છોડવી પડી છે. ફાસ્ટફુડ અને હોટલની બાતમીઓ વર્જય બની  છે. ઘરમાં  રાંધેલું જમીને લોકો પોતાનું સ્વાસ્થ્ય સુધારી રહ્યા છે. બીજુ ખાસ કરીને ઘરના બાળકો અને યુવાનોના ખાવાના નખરાં બંધ થયા છે. હવે તેઓ થાળીમાં જે પીરસાય છે એ ચુપચાપ જમી લે છે. અચાનક બધાને મમ્મીના હાથની રસોઇ ભાવતી થઇ ગઇ છે.

લગભગ દરેક કુટુંબના પેટ્રોલ-ડીઝલ ઉપરાંત  હોટલના બિલમાં આપમેળે બચત થવા લાગી છે. કુલ કેટલી બચત થઇ એ ૧૪મી એપ્રિલ પછી ખબર પડશે.

મુંબઇગરા ચોખ્ખી હવા અને ઘોંઘાટથી સંપૂર્ણપણે મુક્ત શાંતિ માણી રહ્યા છે.

કોઇના ઘરે કામવાળી બાઇઓ ડ્રાઇવરો, છાપાના ફેરિયા અને શાકવાળા નથી આવતા  અને છતાં કોઇ ભૂલેચુકેય એ માટે કચકચ નથી કરતું.

મલ્ટી નેશનલ કંપનીઓમાં જોબ કરતા યુવાનો અને યુવતીઓને વર્ક ફ્રોમ હોમ કરતા જોઇને કુટુંબના  વડીલોને સમજાઇ રહ્યું છે કે તેઓ રોજના મિનીમમ ૧૦ કલાક કેટલી ભેજાફોડી કરીને મોટું પે પેકેટ મેળવે છે. કોરપોરેટ કંપનીઓ એમની પાસેથી કેટલું બધુ કામ લે છે.

અચાનક મુંબઇ અને દિલ્હીમાંથી રાજકીય ગરમાવો ગાયબ છે. શાસક અને વિપક્ષ વચ્ચે ભાઇચારો સ્થપાઇ ગયો છે. દરેક પાર્ટીના નેતા રાષ્ટ્રપ્રેમ ઉભરાયો છે અને બધા વડા પ્રધાન નરેન્દ્ર મોદીના બે મોઢે વખાણ કરી રહ્યા છે. લિડરોની ફાલતુ બયાનબાજીથી સૌને છુટકારો મળ્યો છે.

ધર્મ કે કોમના નામે ઉશ્કેરણી ફેલાવતા સ્થાપિત હિતો પણ પોતાના બારણા વાસીને બેસી ગયા છે.

મુંબઇ, થાણે અને નવી મુંબઇના પોલીસ કદાચ પહેલીવાર આટલી મોટી સંખ્યામાં ફિલ્ડમાં ઉતરી છે. લોકડાઉનના કડક અમલની જવાબદારી પોલીસ પુરેપુરી નિષ્ઠાથી નિભાવી રહી છે.

શરાબ અને ધુમ્રપાનના જેવા વ્યસનો આફમેળે છુટી ગયા છે. કોઇને હવે કોઇ તલબ નથી લાગતી.

સૌને પોતાના સ્માર્ટફોનનો આજે સૌથી મોટો સહારો અને સહિયારો છે. મોબાઇલ ન હોત તો આપણે ટાઇમપાસ કઇ રીતે કરતા એ વિશે કોઇ વિચારવા પણ નથી માગતું.

અને છેલ્લે હોસ્પિટલમાં કોઇ ૨-૭ જનની ખબર કાઢવા નથી જઇ શકતું. સગાનું અવસાન થાય તો સ્માશાનયાત્રામાં પણ નથી જોડાઇ શકાતું અને સાદડી તેમ જ  પ્રાર્થના સભાઓ પણ બંધ છે. એટલે સ્વાભાવિક છે કે સૌને મનમાં વસવસો રહે. ખરૂં પૂછો તો એમાં અફસોસ કરવા જેવો નથી. એટલા માટે કે તમે સમહમાં ભેગા થવાનું ટાળી સમાજ અને દેશહિતમાં ફાળો જ આપી રહ્યા છો. બાકી, બિમાર વ્યક્તિના ખબર અંતર ફોનથી પણ પૂછી શકાય અને ઘરમાં રહીને સદ્ગત સ્વજનના આત્માની શાંતિ માટે પ્રાર્થના પણ કરી શકાય. ટુકમાં, ૨૧ દિવસનો લોકડાઉન મુંબઇગરાં માટે આશીર્વાદ બનીને આવ્યો છે.



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2JibDiU
via Latest Gujarati News

Post a Comment

0 Comments