અમદાવાદ, તા. 21 માર્ચ 2020, શનિવાર
ગુજરાતમાં કોરોના વાયરસના ફફડાટ વચ્ચે કેસો વધી રહ્યાં છે. છેલ્લા 2 દિવસમાં કોરોના પોઝિટિવનાં 8 કેસો બહાર આવતાં રાજ્યના 14 જિલ્લામાં 144ની કલમ લાગુ કરી દેવાઈ છે. વિદેશીઓને કવોરંટાઈન કરાઈ રહ્યાં છે. વહીવટીતંત્ર દ્વારા ડોર ટુ ડોર સરવે કરવાની સાથે હોસ્પિટલોમાં આઇસોલેશન વોર્ડ ઉભા કરાયા છે.
તંત્રના તમામ પ્રયત્નો છતાં કોરોના સતત વધી રહ્યો છે. રૂપાણી સરકારના પ્રયાસો ઓછા પડી રહ્યાં છે. ગુજરાતમાં વિદેશથી આવી ગયેલા કોરોના સંક્રમિતોએ રાજ્યની હાલત વધુ ખરાબ કરી છે. રાજ્યમાં નોંધાયેલા 8 કેસ એ વિદેશનો પ્રવાસ કરીને ગુજરાત આવેલા વ્યક્તિઓ છે. જેઓ વિદેશમાંથી સંક્રમિત થઈને ગુજરાત આવ્યા છે.
જો સમગ્ર દેશની વાત કરીએ તો 21 માર્ચ, શનિવાર બપોર 12 વાગ્યા સુધીમાં દેશમાં કુલ 285 પોઝિટિવ કેસ સામે આવ્યા છે જ્યારે ચારના મોત નીપજ્યાં છે.
અમદાવાદના 3, વડોદરાના 3, એક સુરત અને એક રાજકોટનો કેસ પોઝિટિવ આવ્યો છે. ન્યૂયોર્ક, ફિનલેન્ડ, સ્પેન, સાઉદી અરેબિયા, શ્રીલંકા-લંડનથી આવેલા ભારતીય પ્રવાસીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યાં છે.
અમદાવાદમાં ત્રણ કેસ
ગુજરાતમાં કોરોનાના એકપછી એક કેસ બહાર આવી રહ્યાં છે. આજે અમદાવાદમાં 3 અને વડોદરામાં એક નવો કેસ નોંધાતા રાજ્યમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 7થી વધીને 8 થઇ ગઇ છે. જોકે, ગુજરાત સરકારના ઓફિશીયલ રિપોર્ટ મુજબ હજુ રાજ્યમાં 8 કેસ જ પોઝિટિવ નોંધાયા છે.
વડોદરામાં કુલ 3 કેસ
વડોદરામાં શુક્રવારે એક જ દિવસમાં કોરોના પોઝિટિવના બે કેસ નોંધાતા તંત્રની ઊંઘ ઉડી ગઇ છે. અત્યાર સુધી કોરોનાને મજાક સમજતા તંત્ર સામે હવે મોટો પડકાર ઉભો થયો છે. આ દરમ્યાન આઇસોલેશન વોર્ડમાં દાખલ નિઝામપુરાના એક આધેડ દર્દીનો ટેસ્ટ પોઝિટિવ આવતા વડોદરામા કોરોના પોઝિટિવની સંખ્યા 3 થઈ ગઈ છે. આ સંખ્યા વધી શકે છે.
ગત તા.11મી માર્ચ બુધવારે સ્પેનથી પરત ફરેલા માંજલપુરના 49 વર્ષના વેપારીને કોરોનાની શંકાના આધારે તા.17મી માર્ચ મંગળવારે એસએસજીમાં દાખલ કરાયા છે. તેમનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. બીજી તરફ વડોદરાથી 6 જણના ગ્રૂપમાં શ્રીલંકા ફરવા ગયેલા તાંદલજા વિસ્તારના 62 વર્ષના મહિલા શ્રીલંકાથી પરત આવ્યા બાદ તબિયત ખરાબ થઇ હતી. તેમને તા.18 માર્ચ બુધવારે એસએસજીમાં દાખલ કરાયા હતા.
આજે આ મહિલાનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. આ મહિલાની સાથે ગયેલા નિઝામપુરાના મહિલાને પણ ગુરૂવારે એસએસજીમાં દાખલ કરાયા હતા તેમના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે.
અમદાવાદમાં કોરોનાના 3 કેસ પોઝિટિવ
અમદાવાદમાં 2 યુવતી અને એક યુવક વિદેશથી આવ્યા બાદ કોરોનામાં પટકાયા છે
રાજકોટમાં એક પોઝિટિવ
રાજકોટમાં 42 વર્ષીય વ્યક્તિનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. 42 વર્ષીય પ્રૌઢ મદીનાથી મુંબઈ થઈને ટ્રેનમાં રાજકોટ પહોંચ્યો હતો. તેનામાં કોરોનાના લક્ષણ મળતાં તેના 17 જેટલા સંબંધીઓને ક્વોરેન્ટાઈન કરાયા છે. આ સાથે જ આરોગ્ય વિભાગની ટીમે 18 હજારથી વધુ ઘરોમાં સર્વે પણ હાથ ધર્યો છે.
સુરતની યુવતીનો કોરોના ટેસ્ટ પોઝિટિવ
લંડનમાં અભ્યાસ કરતી સુરતની 16 વર્ષીય યુવતીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 16 માર્ચે પરત આવ્યા બાદ તેને ઉધરસ અને તાવની તકલીફ થતાં સિવિલમાં દાખલ કરાઈ હતી. ત્યાં તેની તપાસ કરાતાં તેનામાં કોરોનાના લક્ષણો મળી આવ્યા હતા. તેના સંપર્કમાં આવેલી 9 વ્યક્તિને ક્વોરેન્ટાઈન કરાઈ છે.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2J6M3xj
via Latest Gujarati News
0 Comments