મધ્ય પ્રદેશમાં કમલ કે કમળ ? ફ્લોર ટેસ્ટ પર સસ્પેન્સ, કમલનાથની અગ્નિ પરીક્ષા


 
- કમલનાથને અડધી રાતે ભાગવું પડ્યું રાજ્યપાલ પાસે
- સદનની કાર્યવાહી લીસ્ટેડ નહીં કરાવતા કમલનાથ સરકારના ફ્લોર ટેસ્ટ થશે કે નહીં....
- મધ્ય પ્રદેશમાં રાજ્યપાલનો વિશ્વાસમતનો આદેશ, સીએમ કમલનાથની અગ્નિ પરીક્ષા

ભોપાલ, તા. 16 માર્ચ 2020, સોમવાર

મધ્ય પ્રદેશમાં કમલનાથ સરકાર માટે આજે કરો યા મરો જેવી સ્થિતિ છે. મધ્ય પ્રદેશમાં રાજ્યપાલ લાલજી ટંડનના આદેશ બાદ આજે ફ્લોર ટેસ્ટ કરવો પડી શકે છે. જોકે, આ ફ્લોર ટેસ્ટ થશે કે નહીં તેને લઇને સસ્પેન્સ કામય છે. રાજ્યપાલના આદેશ બાદ પણ સદનની કાર્યવાહીમાં ફ્લોર ટેસ્ટની પ્રક્રિયાને લિસ્ટેડ કરવામાં આવી નથી. અડધી રાતે મુખ્યમંત્રી કમલનાથે રાજ્યપાલ સાથે મુલાકાત પણ કરી. રાજ્યમાં જ્યોતિરાદિત્ય સિંધિયાના ટેકામાં 22 ધારાસભ્યોએ રાજીનામા ધરી દેતા વિધાનસભામાં કમલનાથ સરકાર પર સંકટના વાદળ ઘેરાયા છે. અને વિધાનસભામાં પોતાનું શક્તિ પ્રદર્શન કરવું પડશે.

બીજેપીએ ધારાસભ્યોને બંધક બનાવ્યાં: કોંગ્રેસ
બીજી તરફ કોંગ્રેસે બીજેપી પર ધારાસભ્યોને બંધક બનાવી રાજ્યમાં સરકારને અસ્થિર કરવાનો આરોપ લગાવ્યો છે. જ્યાં સુધી આ ધારાસભ્યને છોડવામાં નહીં આવે ત્યાં સુધી વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ થઇ શકે નહીં. કમલનાથે ફ્લોર ટેસ્ટથી પહેલા તમામ ધારાસભ્યોના કોરોના વાઇરસ ટેસ્ટ કરાવાની પણ માગ કરી છે. 


ભોપાલ પહોંચ્યા ભાજપના ધારાસભ્યો
સોમવારના રોજ વિધાનસભાની શરુઆત થઇ રહીં છે. રવિવાર રાતે 3 વાગ્યે ભાજપના ધારાસભ્યો ભોપાલ પહોંચ્યા છે. ભાજપના ધારાસભ્યોને રિસીવ કરવા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ વીડી શર્મા અને નેતા વિપક્ષ ગોપાલ ભાર્ગવ પહોંચ્યા. દરમિયાન તેમણે કહ્યું મધ્ય પ્રદેશમાં કમલનાથની સરકાર પડવાની નિશ્ચિત છે. ભાજપે પોતાના ધારાસભ્યોને 10 માર્ચની રાતે જ ભોપાલમાં પાર્ટીની ઓફિસથી બસ બેસાડી દિલ્હી મોકલ્યાં હતા. ત્યાર બાદ ધારાસભ્યોને ગુડગાંવની એક હોટલમાં લઇ જવામાં આવ્યાં હતા.

મધ્ય પ્રદેશમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાની સાથે 22 ધારાસભ્યોએ પણ કોંગ્રેસમાંથી રાજીનામા આપી દીધા છે. જેને પગલે વર્તમાન કલમનાથ સરકાર સંકટમાં આવી ગઇ છે.

આ સ્થિતિ વચ્ચે હવે રાજ્યના રાજ્યપાલ લાલજી ટંડને મુખ્ય પ્રધાન કમલનાથને 16મી તારીખે સોમવારે જ વિશ્વાસમત દ્વારા બહુમત પુરવાર કરવા કહી દીધુ છે જેને પગલે હવે કમલનાથની અગ્ની પરીક્ષા શરૂ થઇ ગઇ છે. 

રાજ્યપાલ દ્વારા જારી એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે મને મળેલી જાણકારી મુજબ મધ્ય પ્રદેશમાં 22 ધારાસભ્યોએ રાજીનામા આપ્યા છે, તેઓએ મને અને સ્પિકરને અલગથી પોતાના રાજીનામા મોકલ્યા હતા.

આ પરિસ્થિતિ વચ્ચે બંધારણના આર્ટિકલ 174 અને 175(2) અંતર્ગત મને મળેલા અિધકારોને ધ્યાનમાં રાખી હું મુખ્ય પ્રધાન કમલનાથને વિધાનસભામાં બહુમત પુરવાર કરવા આદેશ આપુ છું, મધ્ય પ્રદેશ વિધાનસભાનું સત્ર 16મી માર્ચે સવારે 11 કલાકે શરૂ થશે અને ત્યારે જ વર્તમાન સરકારે બહુમત પુરવાર કરવાની રહેશે. વિશ્વાસમતની પ્રક્રિયાનું વીડિયો રેકોર્ડિંગ પણ કરવામાં આવશે તેમ રાજ્યપાલે કહ્યું છે. 

સાથે જ કમલનાથ સરકારના મંત્રીમંડળમાંથી છ મંત્રીઓને હટાવવામાં આવ્યા છે અને તેમના પણ રાજીનામા સ્પીકરે સ્વીકારી લીધા છે. જ્યારે કમલનાથે પણ મને 13મી માર્ચના પત્રમાં કહ્યું હતું કે તેઓ વિશ્વાસમત માટે તૈયાર છે. જ્યારે ભાજપ પાસેથી પણ મને પત્ર મળ્યો છે તેમાં ભાજપે આરોપ લગાવ્યો છે કે રાજીનામુ આપનારા ધારાસભ્યોને કમલનાથ સરકાર ધાકધમકીઓ આપી દબાણ કરી રહી છે. 

આ બધી જ પરિસ્થિતિ પરથી મને લાગી રહ્યું છે કે કમલનાથ સરકાર વિધાનસભામાં વિશ્વાસ ખોઇ બેઠી છે અને તેથી વિશ્વાસમતની પ્રક્રિયા હાથ ધરવી અતી જરૂરી છે. જ્યારે બીજી તરફ વિધાનસભાના સ્પીકર એનપી પ્રજાપતિએ કહ્યું હતું કે હું વિશ્વાસમત અંગે મારો અભિપ્રાય સોમવારે જ આપીશ. 



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Wkjswb
via Latest Gujarati News

Post a Comment

0 Comments