
નવી દિલ્હી,તા.19 માર્ચ 2020 ગુરૂવાર
કોંગ્રેસ સહિત વિવિધ વિરોધ પક્ષના સભ્યોના શેમ-શેમના સૂત્રોચ્ચાર વચ્ચે દેશના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈએ ગુરુવારે રાજ્યસભાના સભ્ય તરીકે શપથ લીધા હતા. કોંગ્રેસ, ડાબેરીઓ સહિતના સભ્યોએ ગોગોઈના શપથનો વિરોધ કરતાં ગૃહમાંથી વોકઆઉટ કર્યો હતો. વિપક્ષના વિરોધ વચ્ચે રંજન ગોગોઈએ અંગ્રેજીમાં શપથ લીધા હતા. શપથ લીધા પછી તેમણે ગૃહના અધ્યક્ષ અને અન્ય સભ્યોનો આભાર માન્યો હતો.
રાજ્યસભાની કાર્યવાહી શરૂ થતાં ગોગોઈ સાંસદ તરીકે શપથ લેવા નિશ્ચિત સ્થળે પહોંચતા જ વિપક્ષી સભ્યોએ શેમ-શેમનો સૂત્રોચ્ચાર કરવાનું શરૂ કરી દીધું હતું.
વિપક્ષના હોબાળા અંગે ગૃહના અધ્યક્ષ વેંકૈયા નાયડુએ કહ્યું કે આવો વ્યવહાર સભ્યોની મર્યાદાને અનુરૂપ નથી. તમે બંધારણીય જોગવાઈઓ જાણો છો. તમે ઉદાહરણો જાણો છો. તમે રાષ્ટ્રપતિના અધિકારો જાણો છો. નાયડૂએ કહ્યું કે તમારે ગૃહમાં આવું કશું જ ન કરવુ જોઈએ. કોઈ મુદ્દા પર તમે પોતાના મત ગૃહની બહાર વ્યક્ત કરવા માટે સ્વતંત્ર છો.
ગૃહમાં વિરોધ પક્ષના સભ્યો દ્વારા તેમના વિરુદ્ધ સૂત્રોચ્ચારના સંદર્ભમાં રંજન ગોગોઈએ જણાવ્યું હતું કે તેઓ ટૂંક સમયમાં જ મારું સ્વાગત કરશે. મારા કોઈ ટીકાકાર નથી. કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું કે વિપક્ષી સભ્યોનું આચરણ સંપૂર્ણપણે અયોગ્ય છે. વિવિધ ક્ષેત્રોના અનેક પ્રતિષ્ઠિત લોકો આ ગૃહના સભ્ય રહ્યા છે. તે લોકોમાં ભૂતપૂર્વ ન્યાયાધીશ પણ સામેલ છે, જેમને નોમીનેટ કરાયા હતા. નાયડુએ કહ્યું કે આપણે સભ્યનું સન્માન કરવું જોઈએ. ગૃહની કાર્યવાહી શરૂ થતાં પહેલાં અનેક સભ્યોએ ગોગોને અભિનંદન પાઠવ્યા હતા. તેઓ ગૃહમાં નોમિનેટ સભ્ય સોનલ માન સિંહની બાજુવાળી બેઠક પર બેઠા હતા.
રાજ્યસભામાં ૧૨ સભ્યો નોમિનેટ થઈ શકે છે
ભારતમાં રાજ્યસભામાં બંધારણની કલમ ૮૦ મુજબ સભ્યોની મહત્તમ સંખ્યા ૨૫૦ નક્કી કરાઈ છે. તેમાંથી ૧૨ સભ્યોની નિમણૂક રાષ્ટ્રપતિ પોતે કરે છે. રાષ્ટ્રપતિને વિવિધ ક્ષેત્રોમાંથી ૧૨ પ્રતિષ્ઠિત લોકોને રાજ્યસભામાં નોમિનેટ કરવાનો અધિકાર છે. આ લોકોએ ચૂંટણી લડવાની નથી હોતી. રંજન ગોગોઈની નિમણૂકગ આ કેટેગરીમાં થઈ છે. બાકીના ૨૩૮ સભ્યો રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રતિનિધિઓ દ્વારા ચૂંટાય છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2QwEZhx
via Latest Gujarati News
0 Comments