
નવી દિલ્હી, તા. 22 માર્ચ, 2020, રવિવાર
કોરોના વાઇરસનો કેર સમગ્ર વિશ્વમાં ફેલાયો છે ત્યારે ભારતમાં રવિવારે એક દિવસ માટે જનતા કરફ્યૂનું એલાન કરવામાં આવ્યું હતું જેમાં જનતાએ સામે ચાલીને ભાગ લીધો હતો.
સીએએ અને એનઆરસીના વિરોધમાં દિલ્હીના શાહિન બાગમાં મહિનાઓથી પ્રદર્શન કરી રહેલી મહિલાઓએ પણ આ જનતા કરફ્યૂને સમર્થન આપ્યું હતું અને ધરણા સૃથળ પરથી હટી ગઇ હતી. કોરોના વાઇરસ સામે લડવાના પ્રયાસોને આ મહિલાઓએ પણ બિરદાવી સમર્થન આપ્યું હતું અને એક પણ મહિલા પ્રદર્શન સૃથળે નહોતી જોવા મળી.
મહિલાઓએ માત્ર પ્રતિકાત્મક પ્રદર્શન જારી રાખ્યું હતું અને શાહીન બાગમાં જે સૃથળે તેઓ ધરણા પર બેઠી હતી ત્યાંથી પોતે હટી ગઇ હતી પણ ખાટ ઉપર અને પોતાના પ્રદર્શનની જગ્યા પર મહિલાઓએ ચપ્પલ રાખી દીધા હતા.
અહીં પ્રદર્શન કરી રહેલી એક મહિલાએ કહ્યું હતું કે સીએએ, એનઆરસી સામેનો અમારો વિરોધ પ્રદર્શન ચાલુ જ રહેશે. જનતા કરફ્યૂને ધ્યાનમાં રાખીને રવિવારે સવારે સાત વાગ્યાથી રાતના નવ લાગ્યા સુધી કોઇને પણ પ્રદર્શન સૃથળે નહીં જવા દેવામાં આવે. સાથે જ મહિલાઓએ સામૂહિક રીતે નિર્ણય લીધો હતો કે કોઇ પણ વ્યક્તિને પ્રદર્શન માટે ભીડ એકઠી નહીં કરવા દેવાય.
બીજી તરફ જામિયા ઉપરાંત શાહીન બાગ વિસ્તારમાં પણ પ્રદર્શનકારીઓને ધ્યાનમાં રાખીને અસામાજિક તત્વોએ ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો અને માહોલને ભડકાવવાના પ્રયત્નો કર્યા હતા. શાહીન બાગ વિસ્તારમાં કોઇ અજાણ્યા શખ્સે વિરોધ પ્રદર્શન સૃથળની પાસે એક કેમિકલથી ભરેલી બોટલ ફેકી હતી. પોલીસે આ બોટલને જપ્ત કરી લીધી છે અને તેમાં ક્યા પ્રકારનું કેમિકલ હતું તેની જાણકારી મેળવવાનો પ્રયાસ કર્યો હતો.
સાથે જ આ કેમિકલ હુમલો કરનારા શખ્સ કોણ હતા તે અંગે પણ માહિતી એકઠી કરવામાં આવી રહી છે. શાહીન બાગમાં સીએએ અને એનઆરસી તેમજ એનપીઆરના વિરોધમાં છેલ્લા ઘણા દિવસોથી મહિલાઓ ધરણા પર બેઠી છે અને આ કાયદાને પરત લઇ લેવાની માગણી કરી રહી છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3dlXAXy
via Latest Gujarati News
0 Comments