ચાર કરોડની વસતી ધરાવતા અમેરિકાના સૌથી મોટા રાજ્ય કેલિફોર્નિયામાં તાળાબંધી


એક થઈને લડવાને બદલે અમેરિકા-ચીન સામસામે જીભાજોડી કરી રહ્યાં છે

'જગત ચીનના પાપની સજા ભોગવે છે': ટ્રમ્પ, 'અમારા દેશમાંથી  નથી ફેલાયો': ચીન

વુહાનમાં સતત બીજા દિવસે કોઈ કેસ નહિ

વૉશિંગ્ટન,તા.20 માર્ચ 2020 શુક્રવાર

અમેરિકાના સૌથી મોટા રાજ્ય કેલિફોર્નિયમાં લોકોને કારણ વગર ઘરની બહાર ન નીકળવાનો આદેશ આપી દેવાયો છે. કેલિફોર્નિયાની વસતી ચાર કરોડ છે અને વસતીની દૃષ્ટિએ અમેરિકાનું સૌથી મોટું રાજ્ય છે. અહીં કોરોનાથી અત્યાર સુધીમાં ૧૯ મોત થયા છે અને ૯૦૦ જેટલા પોઝિટીવ કેસ નોંધાયા છે. જોકે કેલિફોર્નિયામાં હજુ કાયકાદીય રીતે તાળાબંધી નથી કારાઈ, પરંતુ લોકો બહાર ન નીકળે એવી સૂચના તો અપાઈ જ છે.

જર્મનીના સૌથી મોટા રાજ્ય બાવેરિયામાં પણ લોકડાઉનની જાહેરાત કરાઈ છે. ચીનના હુબેઈ-વુહાનમાંથી ડિસેમ્બર ૨૦૧૯માં કોરોના ફેલાવો શરૂ થયો હતો. ત્યાં લોકોને ઘરમાં કેદ રાખ્યા પછી કોરોનાને કાબુમાં લેવામાં ચીન સફળ થયું છે. માટે અન્ય દેશો પણ એ પગલે ચાલી રહ્યા છે.અત્યાર સુધી સૌથી વધુ મોત ચીનમાં થયા હતા.  હવે ઈટાલિની મૃત્યુ સંખ્યા આગળ નીકળી ગઈ છે. બીજી તરફ વુહાનમાં સતત બીજા દિવસે કોઈ કેસ નોંધાયો નથી.

દરમિયાન કોરોના સામે એક થઈને લડવાને બદલે અમેરિકા અને ચીન એકબીજા પર આક્ષેપબાજી કરી રહ્યાં છે. ટ્રમ્પે કહ્યું હતુ કે આખી દુનિયા ચીનના પાપની સજા ભોગવી રહી છે. સામે પક્ષે ચીને ફરીથી એવો બચાવ કર્યો હતો, કે અમારા વુહાનમાંથી આ વાઈરસ ફેલાયો નથી. 

અઢી લાખથી વધુને ચેપ, સાડા અગિયાર હજારથી વધુ મોત

કોરોનાનો વૈશ્વિક ચેપ ૨.૫૫ લાખથી વધારે નોંધાયો છે. તો મૃત્યુ સંખ્યા પણ સાડા અગિયાર હજારે પહોંચી છે. એકલા યુરોપમાં જ પાંચ હજારથી વધુ મોત નોંધાયા છે. સામે પક્ષે નેવું હજાર જેટલા દરદી સાજા પણ થયા છે.

નેટફ્લિક્સ-યુટયુબે વિડીયો સહેલાં બનાવ્યાં

યુરોપમાં ઘરે બંધ લોકો કંટાળે નહીં એ માટે યુટયુબ અને નેટફ્લિક્સ પર વિડીયો જોઈ રહ્યા છે. તેમને વિડીયો જોવામાં સરળતા રહે એ માટે આ બન્ને કંપનીઓએ વિડીયો ક્વોલિટી સરળ કરીને ફાસ્ટ સ્ટ્રીમિંગ થઈ શકે એવી વ્યવસ્થા કરી છે. આ બન્ને કંપનીઓએ વિડીયોની ક્વૉલિટી ઘટાડી દીધી છે, જેથી સરળતાથી જોઈ શકાય.

મલેરિયાની દવા ઉપયોગી થવાની શક્યતા

અમેરિકામાં કોરોના સામે મલેરિયાની દવા ઉપયોગી થઈ રહી હોવાનો ટ્રમ્પે દાવો કર્યો હતો. ટ્રમ્પે કહ્યું હતુ કે મલેરિયા રોકવા માટે વપરાતી હાઈડ્રોક્સી ક્લોરોક્વિન કોરોના રોકવા માટે અસરકારક સાબિત થશે. માટે અમેરિકામાં આ દવાનો વ્યાપકપણે ઉપયોગ કરવાની ટ્રમ્પે સૂચના આપી છે. જોકે નિષ્ણાતોમાં આ દવાની અસરકારકતા અંગે મતમતાંતર છે. 

દેશ         દરદી     મૃત્યુ             સાજા થયા?

ઈટાલી ૪૭,૦૨૧ ૪,૦૨૩     ૫,૧૨૯

ચીન         ૮૦,૯૬૭ ૩,૨૪૮     ૭૧,૧૫૦

ફ્રાન્સ ૧૦,૯૯૫ ૩૭૨            ૧,૨૯૫

ઈરાન ૧૯,૬૪૪ ૧,૪૩૩     ૬,૭૪૫

સ્પેન         ૨૦,૪૧૨ ૧,૦૪૩       ૧,૫૮૮



from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3a8UQdR
via Latest Gujarati News

Post a Comment

0 Comments