ઐતિહાસિક આર્થિક કટોકટી : અનેક કંપનીઓના ઉઠમણાં નક્કી

- બજારો તૂટતાં રોકાણકારોની સંપતિમાં રૂપિયા 14.23 લાખ કરોડનું ધોવાણ


(ગુજરાત સમાચાર પ્રતિનિધિ) મુંબઈ, તા. 23 માર્ચ 2020, સોમવાર

કોરોના વાઈરસની કટોકટીએ ભારત લોક ડાઉનની પરિસ્થિતિ આવી પડતાં  ભારતીય અર્થતંત્ર ખાડે જવાના એંધાણ વચ્ચે ભારતીય શેર બજારોમાં આજે ઐતિહાસિક કડાકો બોલાઈ ગયો હતો. અઠવાડિયામાં બીજી વખત સેન્સેક્સ-નિફટીમાં ૧૦ ટકાની નીચલી સર્કિટ લાગી જતાં શેર બજારો ૪૫ મીનિટ માટે બંધ કરવાનો વખત આવ્યો હતો. જે ફરી ખુલ્યા બાદ ફરી કવરિંગ બાદ ફંડો-મંદીવાળાઓના હેમરીંગે વધુ કડાકો બોલાઈ ગયો હતો.

ચાઈનાનો ઘાતક કોરોના વાઈરસ વિશ્વભરમાં મહામારી ફેલાવી રહ્યો હોઈ ઈટાલી, સ્પેન, ફ્રાંસ, અમેરિકામાં અનેક લોકોના આ વાઈરસે ભોગ લેતાં વૈશ્વિક ચિંતા વધીને હવે ભારતમાં કોરોના વાઈરસનાકેસોમાં થઈ રહેલા ઝડપી વધારાએ ૩૫૦ કેસો થઈ જતાં સંપૂર્ણ દેશને લોક ડાઉન કરવાનો ઈતિહાસમાં પ્રથમ આવો વિકટ સમય આવી જતાં ભારતીય અર્થતંત્ર ઐતિહાસિક કટોકટીમાં ફસડાઈ પડયાના અને આગામી દિવસોમાં અનેક કંપનીઓના ઊઠમણાં નક્કી મનાતા હોઈ દેશની બેંકિંગ-ફાઈનાન્શિયલ સિસ્ટમ પૂર્ણપણ ભાંગી  પડવાના સ્પષ્ટ સંકેત વચ્ચે આજે ભારતીય શેર બજારોમાં ઐતિહાસિક ધબડકો બોલાઈ ગયો હતો. વૈશ્વિક અર્થતંત્ર મોટી મંદીમાં સરી પડતાં વિશ્વના બે સૌથી મોટો ક્રુડ ઓઈલ ઉત્પાદક દેશો સાઉદી અરેબિયા અને રશીયા વચ્ચે પ્રાઈસ વોર ફાટી નીકળતાં ક્રુડના આંતરરાષ્ટ્રીય ભાવમાં ઐતિહાસિક કડાકો બોલાઈ ગયા બાદ આજે ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવમાં પણ વધુ ઘટી આવ્યા હતા.

ક્રુડ ઓઈલ બ્રેન્ડ સાંજે ૧.૪૩ ડોલર ઘટીને ૨૫.૫૫ ડોલર નજીક અને નાયમેક્ષ ક્રુડ ૨૨.૩૪ ડોલર નજીક રહયા હતા. વૈશ્વિક શેર બજારોમાં પણ ઝડપી સુધારો નોંધાયો હતો. વૈશ્વિક બજારોમાં સ્પેન અને ઈટાલીમાં સતત કોરોના વાઈરસ મહામારીના કારણે રોજબરોજ મોટી સંખ્યામાં લોકોના થઈ રહેલા મોતથી અને અમેરિકામાં વધતી સંખ્યા વચ્ચે આજે વૈશ્વિક બજારોમાં સતત ગાબડાં પડયા હતા.

અમેરિકી શેર બજારોમાં ડાઉ જોન્સ ઈન્ડેક્સમાં ફયુચર્સમાં ૫૧૮ પોઈન્ટ અને નાસ્દાકમાં ૧૭૫ પોઈન્ટનો ઘટાડો બતાવાતો હતો. અન્ય વૈશ્વિક બજારોમાં નરમાઈ જોવાઈ હતી. બેંકિંગ-ફાઈનાન્સ, એફએમસીજી, કન્ઝયુમર ડયુરેબલ્સ, હેલ્થકેર, ઓઈલ-ગેસ, આઈટી-સોફટવેર સર્વિસિઝ, ઓટોમોબાઈલ દરેક ક્ષેત્રો-ઉદ્યોગોની કંપનીઓના શેરોમાં ઓછા વોલ્યુમે આજે ગાબડાં પડયા હતા.

સેન્સેક્સ આજે આરંભમાં જ ૧૦ ટકાની નીચલી સર્કિટમાં ૨૬૯૨૪.૧૧ આવી જતાં ૪૫ મીનિટ બજાર બંધ રાખવાની ફરજ પડયા બાદ ફરી ખુલીને એક તબક્કે વધીને ૨૭૯૦૦.૮૩ પહોંચ્યો હતો. જે ફરી ધોવાઈ શરૂ થઈ જતાં તૂટતો જઈને નીચામાં ૨૫૮૮૦.૮૩ સુધી ખાબકી જઈ અંતે ૩૯૩૪.૭૨ પોઈન્ટ તૂટીને ૨૫૯૮૧.૨૪ રહ્યો હતો. જે ૨૫,મે ૨૦૧૬ની ૨૫૪૩૦.૫૯ની સપાટી બાદની સૌથી નીચી એટલે કે ચાર વર્ષની નીચી સપાટીએ આવી ગયો છે. જ્યારે નિફટી સ્પોટ પણ આજે ૭૫૮૩.૬૦ સુધી ગબડી અંતે ૧૧૩૫.૨૦ પોઈન્ટ તૂટીને ૭૬૧૦.૨૫ની ચાર વર્ષની નીચી સપાટીએ રહ્યો હતો.



from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2wv3chi
via Latest Gujarati News

Post a Comment

0 Comments