જેલમાં ફાંસી થાય ત્યારે બીજી બધી જ પ્રક્રિયા અટકી જાય


- ગુનેગાર ચાલીને ન આવે તો સુરક્ષાજવાનો તેને ઊંચકીને નિયત પ્રક્રિયા માટે લાવે છે
- ગુનેગાર મૃત જાહેર થાય પછી જ જેલમાં હિલચાલ શરૂ કરવાની પરંપરા

નવી દિલ્હી, તા. 20 માર્ચ 2020, શુક્રવાર

જ્યારે કોઈ ગુનેગારને ફાંસી આપવાનું શરૂ થાય ત્યારે જેલમાં બધી જ પ્રક્રિયા રોકી દેવામાં આવે છે. જ્યાં સુધી ફાંસીનો અમલ ન થઈ જાય અને મૃતદેહોને ફાંસીના માંચડેથી ઉતારી લેવામાં ન આવે ત્યાં સુધી જાણે જેલમાં સમય રોકાઈ જાય છે.

કેદીને ક્યાં રાખવા, કેવી રીતે રાખવા, શું ખવડાવવું, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું વગેરે બાબતોનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. ફાંસી આપતા પહેલાં 24 કલાક તેને નજરકેદમાં રાખવામાં આવે છે. તેનાથી જાણ રહે કે તે ફાંસી પહેલાં કોઈ આત્મઘાતી પગલું ન ભરે. ફાંસી આપવાની પ્રક્રિયામાં તમામ ધારા-ધોરણનું પાલન કરીને અહેવાલ તૈયાર કરવામાં આવે છે.

સમય રોકાઈ જાય છે

ફાંસીની પ્રક્રિયા આરંભાય તે સાથે જ જેલમાં જાણે સમય રોકાઈ જાય છે. જેલનો દરેક કેદી તેની બેરેકમાં જ હોય છે. જેલમાં એ સિવાયની કોઈ જ મૂવમેન્ટ કરવામાં આવતી નથી. બીજી રીતે કહીએ તો જેલમાં ખરેખર સમય રોકાઈ જાય છે. ડોક્ટર ગુનેગારને તપાસીને મૃત જાહેર કરે તે પછી નવેસરથી બધી જ મૂવમેન્ટ શરૂ થાય છે.

બ્લેક વોરંટ શું છે?

ફાંસી અપાતા પહેલાં ડેથ વોરંટ જારી કરવામાં આવે છે. નિર્ભયા કેસના ચારેય આરોપીઓ ડેથ વોરંટ એટલે કે બ્લેક વોરંટ મેળવનારા ૫૮,૫9,60 અને 61 નંબરના ગુનેગારો છે. દેશમાં પહેલી ફાંસી નથુરામ ગોડ્સેને અપાઈ હતી, જેણે ગાંધીજીની હત્યા કરી હતી. છેલ્લે ડેથ વોરંટ યાકૂબ મેમણને મળ્યું હતું.

જેલથી માંચડો કેટલો દૂર?

19૫૮માં તિહાર જેલ બની હતી. અંગ્રેજોના નકશા પ્રમાણે બનેલી આ જેલમાં ફાંસીઘર બનાવાયું હતું. એને ફાંસી કોઠી પણ કહેવાય છે. આ જગ્યા જેલમાં સુમસાન છે અને સાવ અલગ હિસ્સો રખાયો છે. ડેથ સેલમાં કેદી મોટા ભાગે એકલો રહે છે. બ્લેક વોરંટમાં સહી થાય તે પછી જ્યાં સુધી સમય અને તારીખ નક્કી ન થાય ત્યાં સુધી ગુનેગારને એમાં રાખવામાં આવે છે.

ડેથ સેલ શું છે?

તિહાર જેલમાં નંબર ત્રણમાં ડેથ સેલ છે. એ બિલ્ડિંગમાં 16 ડેથ સેલ છે. ડેથ સેલ એટલે એવી જગ્યા કે જ્યાં માત્ર મૃત્યુદંડની સજા આપવાની હોય એવા જ કેદીઓને રાખવામાં આવે છે. ડેથ વોરંટ જારી થયું હોય એવા કેદીઓ આ સેલમાં રહે છે. 24 કલાકમાંથી માત્ર અડધો કલાક તેને બહાર લાવવામાં આવે છે.

સ્પેશિયલ ફોર્સ નજર રાખે છે

તમિલનાડુ સ્પેશિયલ પોલીસ આ ડેથ સેલની નિગરાની કરે છે.આ સેલમાં એવી કોઈ જ વસ્તુ રાખવામાં આવતી નથી કે જેની મદદથી ગુનેગાર આપઘાતનો પ્રયાસ કરે. તે એટલે સુધી કે આરોપીને પાયજામાનો નાડો ય પહેરવા દેવામાં આવતો નથી. 

ગુનેગારો બેચેેન, લાલ કપડાં પહેરાવાયાં

ચારેય ગુનેગારોને લાલ કપડાં આપવામાં આવ્યા છે. લાલ શર્ટ, લાલ ગંજી અને લાલ પેન્ટ પહેરાવવાનો અર્થ એ થાય કે તેનો ફાંસીનો સમય નજીક આવી ગયો છે. ચારેયની ફાઈલ પણ લાલ કલરની છે. ફાંસીનો અમલ થવાનો હોવાથી ચારેય ગુનેગારો ખૂબ બેચેન રહેવા લાગ્યા છે. ચારેય ગુનેગારો મોડી રાત સુધી જાગે છે અને દિવસ દરમિયાન અપાતું ખાવાનું પણ બહુ જ ઓછું ખાય છે.

ફાંસીના ફંદા સુધી ચાલીને 

ન આવે તો?

ઘણાં ગુનેગારો ફાંસીના માંચડા સુધી પહોંચતા પહેલાં મોતથી ડરી જાય છે. પગ ઘુ્રજવા લાગે છે અને ઘણાં ગુનેગારો તો ચાલી પણ શકતા નથી. 12 સુરક્ષા જવાનોનો કાફલો તેની આસપાસ હોય છે. જો ગુનેગાર ચાલી ન શકે અને બેસી પડે તો સુરક્ષાજવાનો તેને ઊંચકીને ફાંસીના માંચડા સુધી લઈ જાય છે અને નિયત પ્રક્રિયા પૂરી થાય છે.

ચારેય એક જ સમયે ફાંસીના ફંદે લટકશે

ડેથ સેલમાં હવે એક સાથે ચારને ફાંસી આપવાની વ્યવસ્થા થઈ છે. અગાઉ જલ્લાદ પવને માનવ પૂતળાથી રીહર્સલ કર્યું હતું અને ચારેયને એક સાથે ફાંસી આપી હતી. એક લીવર ખેંચવાથી ચારેય લટકી જશે.

બે કલાક સુધી મૃતદેહ લટકતો રહેશે

ફાંસી અપાતી હોય ત્યારે બીજો કોઈ કોલાહલ કરવામાં આવતો નથી. ઈશારાથી કમ્યુનિકેશન થાય છે. અધિકારી જલ્લાદને ઈશારો કરે એટલે એ ફાંસીનું લીવર ખેંચે છે. ફાંસી દીધા પછી બે કલાક સુધી મૃતદેહો લટકાવેલા રાખવામાં આવશે. ત્યારબાદ ડોક્ટરો મૃતદેહોની તપાસ કરીને મૃત ઘોષિત કરશે. એ પછી આગળની પ્રક્રિયા શરૂ કરાશે.

ગુનેગારને મોઢા પર કપડું વિંટાળીને બહાર કાઢવામાં આવે છેઔબ્લેક વોરંટ જારી થાય એમાં સમય પણ કોર્ટ દ્વારા લખાય છે. એ દિવસે ગુનેગારને નવા કપડાં પહેરવા માટે અપાય છે અને ચા-કોફી માટે પૂછવામાં આવે છે. ચા-નાસ્તા પછી તેને સ્નાન કરવા દેવાય છે. ફાંસીનો સમય નજીક આવે ત્યારે સુરક્ષાજવાનોના ચાંપતાં બંદોબસ્ત વચ્ચે મોઢા ઉપર કપડું પહેરાવીને ગુનેેગારને બહાર કાઢવામાં આવે છે. હાથમાં હાથકડી લગાવી દેવાય છે. આસપાસમાં શું થઈ રહ્યું છે અને તૈયારી કેવી છે તેનો અંદાજ ગુનેગાર લગાવી શકે નહીં એ કારણે તેનું મોઢું ઢાંકી દેવાય છે.




from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2J2dRD6
via Latest Gujarati News

Post a Comment

0 Comments