
નવી દિલ્હી,તા.18 માર્ચ 2020 બુધવાર
કોરોના વાઇરસ એક એવી બિમારી છે કે જે એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં ટ્રાન્સફર થઇને ફેલાય છે. જોકે આ વાઇરસને કારણે લોકો એટલા ભયમાં છે કે નોન વેજ ખાવાનું પણ છોડી રહ્યા છે. બીજી તરફ એઇમ્સના ડાયરેક્ટર રણદીપ ગુલેરિયાએ સ્પષ્ટતા કરતા કહ્યું છે કે કોરોના વાઇરસને અને માંસાહારને કઇ જ લેવાદેવા નથી.
તેમણે કહ્યું છે કે કોરોના વાઇરસ એક માનવીમાંથી બીજા માનવીમાં ફેલાતો વાઇરસ છે. પશુઓ અથવા માંસાહાર કરવાથી આ વાઇરસ નથી ફેલાતો. જોકે કોઇ પણ પ્રકારનું માંસાહાર કરતા તેને સારી રીતે સાફ કરવું અને બાદમાં સારી રીતે પકાવવું અતી જરુરી છે. સાથે કોરોના વાઇરસ ગરમીમાં ઘટી જશે તેવો ભ્રમ પણ ફેલાઇ રહ્યો છે, જે અંગે સ્પષ્ટતા કરતા એઇમ્સના વડાનું કહેવું છે કે આ પણ એક ભ્રમ છે. કોરોના વાઇરસને ગરમી કે ઠંડી એમ કોઇ રુતુ સાથે પણ કઇ લેવાદેવા નથી કેમ કે હાલ સિંગાપુર જેવા ગરમ દેશમાં પણ તે ફેલાઇ રહ્યો છે. તો સ્વીડન અને યુરોપ જેવા ઠંડા પ્રદેશોમાં પણ તેની મહામારી ચાલી રહી છે. કોઇ વસ્તુ ખાવાથી પણ કોરોના વાઇરસ સારો નથી થતો કે ન તો તેનાથી બચી શકાય છે. જે નિર્ધારિત સારવાર છે તે લેવી જ પડે છે. પણ હા હાથ ધોવાથી વગેરે સાફ સફાઇથી ખતરો ટાળી શકાય છે.
દરમિયાન કોલકાતામાં ભાજપના નેતાએ એક હોમગાર્ડને કોરોના વાઇરસથી બચવ માટે ગૌમુત્ર પીવડાવી દેતા તે બિમાર પડી ગયો હતો, બાદમાં તેણે હોસ્પિટલમાં જ ભાજપના આ નેતા સામે ફરિયાદ કરતા પોલીસે આ નેતાની ધરપકડ કરી લીધી છે. જ્યારે તકેદારીના ભાગરુપે વૈષ્ણોદેવી યાત્રાને હાલ પુરતા રદ કરી દેવામાં આવી છે. સાથે જમ્મુ કાશ્મીરમાં અન્ય રાજ્યોથી પ્રવેશતી બસો પર પણ પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2IZtISA
via Latest Gujarati News
0 Comments