જથ્થાબંધ અનાજ બજારમાં રેકોર્ડ બ્રેક માગ નિકળી: ફળ- શાકભાજી, કાંદા- બટાટા બજાર ગુરુવારે બંધ પાળશે


મુંબઈ,તા.16 માર્ચ 2020 સોમવાર

કોરના વાયરસનો ઉપદ્રવ વધતાં તેની સામે અગમચેતીના પગલાના સ્વરૂપમાં મહારાષ્ટ્ર સરકારે તાજેતરમાં મોલ્સ બંધ કરવા જણાવતાં મુંબઈ તથા વિવિધ ઉપનગરોમાં રિટેલ દુકાનોમાં અનાજ- કઠોળ- કરીયાણા વિ.માં વપરાશકારો ગ્રાહકોની વ્યાપક ડિમાન્ડ નિકળી છે. આગળ ઉપર માલની અછત સર્જાશે એવો ગભરાટ ફેલાતાં છૂટક દુકાનોમાં માલ લેવા પડાપડી વધી છે અને આના પગલે નવી મુંબઈના એપીએમસી બજારમાં પણ આજે અનાજ- દાળ- કઠોળ સહિતના વિવિધ જીવનજરૂરી ચીજોની બજારમાં માલો ખરીદવા છૂટક દુકાનદારોની વ્યાપક પડાપડી જોવા મળી હતી.

નવી મુંબઈના અનાજ- કઠોળ તથા દાળ બજારમાં આજે સવારથી જ ઘરાકીનો ધસારો થયો હતો. જોકે બહારગામથી માલોની આવકો પણ જળવાઈ રહી છે તથા પુરવઠો સંતોષજનક રહ્યો છે એ જોતાં ગ્રાહકોએ ચિંતા કરવી નહિં એવું અનાજ બજારના નિરીક્ષક દેવેન્દ્ર વોરાએ જણાવ્યું હતું.

દરમિયાન, નવી મુંબઈ જથ્થાબંધ બજારમાં આજે લાવલાવ નિકળવા છતાં ભાવ કાબુમા ંરહ્યા હતા અને અમુક ચીજોને બાદ કરતાં ભાવ સપાટી જળવાઈ રહી હોવાનું તેમણે જણાવ્યું હતું.

દરમિયાન, નવી મુંબઈ એપીએમસી બજારમાં ફળબજાર, શાકભાજી બજાર તથા કાંદા બટાટા બજાર ગુરુવારે તથા રવિવારે બંધ રાખવા આજે એપીએમસી સત્તાવાળાઓએ નિર્ણય કર્યો હોવાના સમાચાર મળ્યા હતા. આ બજારો ગુરુવારે તથા રવિવારે બંધ રાખીને બજારોની અંદર તથા ગોદામોમાં સાફ  સફાઈ કરવા તથા આ બજારોનો સંપુર્ણ વિસ્તાર સેનેટાઈઝ કરવા એપીએમસીએ આ નિર્ણય કર્યો છે. દરમિયાન, અનાજ- બજાર તથા મસાલા- માર્કેટના વેપારી પ્રતિનિધિઓની મિટિંગ મંગળવારે આજે બપોરે ત્રણ કલાકે એપીએમસી અધિકારીઓ સાથે મળવાની છે.

આ મિટિંગમાં હવે આ બજારો વિશે  શું પગલાં નક્કી થાય છે તેના પર બજારોની નજર રહી છે. દરમિયાન એપીએમસી સત્તાવાળાઓએ  ટેમ્પરેચર ચેક કરવા વિશિષ્ટ ગન્સ મંગાવી છે. આવી ગન્સ એપીએમસી બજારોના પ્રવેશદ્વાર ખાતે રાખવામાં આવશે તથા બજારમાં આવતી દરેક વ્યક્તિઓનું ચેકિંગ કરાશે એવું જાણવા મળ્યું છે. નવી મુંબઈ મર્ચન્ટસ ચેમ્બરના અધ્યક્ષ કિર્તીભાઈ રાણાએ બધાને અપીલ કરી છે કે સાફસફાઈનું ધ્યાન રાખવું તથા હાથ મેળવવાને બદલે નમસ્તે કરવાની પ્રથાને અનુસરવી તથા ટોળાથી દૂર રહેવું, માસ્કનો મહત્તમ ઉપયોગ કરવો તથા શરદી- તાવવાળી વ્યક્તિને માર્ગદર્શન આપી હોસ્પિટલમાં લઈ જવા માર્ગદર્શન આપવું.

બજારોમાં પાણીનો પુરવઠો વધારવાનો નિર્ણય પણ નવી મુંબઈ નગર પાલિકાએ લીધો છે. દરમિયાન, અનાજના રિટેલ દુકાનદારોનું પ્રતિનિધિત્વ કરતા વેપારી સંગઠનોના અગ્રણી ચંદ્રકાંત ગાલા તથા રમણીકભાઈ છેડાના જણાવ્યા મુજબ જીવન જરૂરી ચીજોનો પુરવઠો સંતોષજનક છે તેથી જનતાએ ગભરાટ રાખવો નહિં. રિટેલ દુકાનદારોને પણ આવા માહોલમાં ભાવ જાળવી રાખવા હાકલ કરાઈ છે.

જથ્થાબંધ બજારોમાંથી માલ મંગાવો તો પાકા બિલમાં જ મંગાવવાનું  રિટેલ દુકાનદારોને જણાવાયું છે. સરકાર કોઈપણ સંજોગોમાં અનાજ- કઠોળની દુકાનો બંધ નહિં કરાવે તેથી જનતાએ પણ ચિંતા કરવી નહિં એવું તેમણે જણાવ્યું હતું. દરમિયાન, દક્ષિણ મુંબઈની કાપડ બજારો બંધ નહિં રાખવાનો તથા બજારોમાં સાફસફાઈ જાળવી રાખવા તથા અગમચેતીના વિવિધ પગલાઓ અનુસરવા એવું નક્કી થયાનું કાપડ બજારના સૂત્રોએ આજે સાંજે જણાવ્યું હતું.



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/33oohGh
via Latest Gujarati News

Post a Comment

0 Comments