- દર 10 દર્દીમાં 6 દર્દી પુરૂષ, ગુજરાતમાં કોરોનાનો મૃત્યુદર 3.71 ટકા, મૃત્યુઆંક 90 થયો : મૃત્યુદર ઓછો કરવા રાજ્ય સરકારે નિષ્ણાતોની ટીમ રચી, એક જ દિવસમાં અમદાવાદમાં 14 દર્દીઓનાં મૃત્યુ
- તાપી, વલસાડ, નવસારીમાં કોરોનાની એન્ટ્રી, 28 જિલ્લામાં કોરોનાનો પ્રકોપ

અમદાવાદ, તા.21 એપ્રિલ 2020, મંગળવાર
ગુજરાતમાં કોરોના વધુને વધુ ભયાવહ બની રહ્યો છે.કોરોનાએ અમદાવાદ શહેરને જાણે ભરડામાં લીધુ છે. અમદાવાદમાં પરિસ્થિતી એટલી સ્ફોટક બની છેકે, છેલ્લા ૨૪ કલાકમાં જ કોરોનાએ ૧૪ દર્દીઓનો ભોગ લીધો છે. આ ઉપરાંત ભાવનગરમાં એક,વડોદરામાં એક,સુરતમાં બે, ભરૂચમાં એક એમ કુલ મળીને ગુજરાતમાં૧૯ લોકોના મોત થયા હતાં. ગુજરાતની આ પ્રથમ વાર એવુ બન્યુ છેકે,એક દિવસમાં ૧૯ના મોત થયા હોય.
આ કારણોસર રાજ્ય સરકાર પણ ચિંતિત બની છે.ગુજરાતમાં કોરોનાએ પંજો પ્રસરાવ્યો છે.આજે વધુ ત્રણ જિલ્લામાં કોરોનાએ પગપેસારો કર્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં ગુજરાતમાં ૨૩૯ કેસો નોંધાયા છે જેના કારણે ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ ૨૧૭૮ કેસો નોધાઇ ચૂક્યા છે.જયારે મૃત્યુઆંક પણ વધીને ૯૦ સુધી પહોંચી ચૂક્યો છે.રાજ્ય આરોગ્ય વિભાગનું કહેવુ છેકે,એકથી વધુ બિમારી હોય તેવા લોકો માટે કોરોના ઘાતક છે.
ગુજરાતમાં કોરોનાના કેસો ઓછા થતા જ નથી. આરોગ્ય વિભાગના સક્રિય પ્રયાસો છતાં ય કેસો જ નહીં,કોરોનાના દર્દીઓના મોતનો આંકડો પણ રોકેટગતિએ વધી રહ્યો છે.ચિંતાની વાત છેકે, દેશમાં અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાતમાં મૃત્યુદર વધુ છે. ગુજરાતમાં મૃત્યુદર ૩.૭૧ ટકા રહયો છે.આજે અમદાવાદમાં તો એસવીપી હોસ્પિટલમાં સાત દર્દીઓ અને સિવિલ હોસ્પિટલમાં સાત દર્દીઓના સારવાર દરમિયાન મૃત્યુ થયા હતાં.
અમદાવાદમાં તો કોરોનાના કારણે અત્યાર સુધીમાં કુલ ૫૩ લોકો જાન ગુમાવી ચૂક્યાં છે.આરોગ્ય વિભાગનુ કહેવુ છેકે, અમદાવાદમાં કોરોનાથી મૃત્યુ પામનારાં પૈકી કોટ વિસ્તારના લોકો સૌથી વધુ છે.અમદાવાદમાં આજે ૯ મહિલા અને ૫ પુરુષોના મોત થયા હતાં.
કરફયુ લાદવામાં આવ્યો છે તેમ છતાંય લોકો કોરોનાને લોકો હળવાશથી લઇ રહયાં છે.ગુજરાતમાં કોરોનાનો મૃત્યુઆંક વધી રહ્યો તે જોતાં મુખ્યમંત્રીની હાઇપાવર કમિટીએ નિષ્ણાતોની ટીમની રચના કરી છે જે એક એક ગંભીર દર્દીઓને કઇ અને કેવી સારવારથી બચાવવા તે અંગે મોનિટરીંગ કરશે.આવતીકાલથી આ ટીમ કાર્યરત થઇ જશે.જોકે, ગુજરાતમાં ૧૦૦ દર્દીઓ દીઠ ૬ દર્દીઓ સાજા થઇ રહ્યાં છે.
આરોગ્ય સચિવ ડો.જયંતિ રવિએ જણાવ્યું કે,વયસ્કો અને એકથી વધુ બિમારી હોય તેવા લોકો માટે કોરોના જોખમી સાબિત થઇ રહ્યો છે. મોટાભાગના દર્દીઓ હાયપર ટેન્શન,ડાયાબિટીસ,કિડની,હાર્ટની બિમારીથી પિડીત હતાં. આ જ કારણોસર લોકો ૬૦ વર્ષથી વધુ વયના લોકો હોય તો તેમની ખાસ કાળજી રાખે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન ગુજરાતમાં અમદાવાદમાં ૧૩૦ કેસો નોંધાયા હતાં. આ બધાય કેસો મોટાભાગે હોટસ્પોટ વિસ્તારોમાંજ નોંધાયા છે.
અમદાવાદમાં કેટલાંક નવા વિસ્તારોમાં જ કોરોનાના કેસો નોંધાયા છે જેમ કે ઘાટલોડિયા, દુધેશ્વર, ચાંદખેડા, જમાલપુર, જુહાપુરા, શાહીબાગ, બહેરામપુરા, મણિનગર, વસ્ત્રાલ, મેમનગર, દાણિલિમડા, રાયપુર સહિતના વિસ્તારોનો સમાવેશ થાય છે.
અમદાવાદમાં રાજ્યમાં સૌથી વધુ ૧૩૭૮ કેસો નોંધાયા છે તે જોતાં અમદાવાદ દેશનુ ચોથુ હોટસ્પોટ બની રહ્યુ છે.સુરત અને વડોદરામા ંય હોટસ્પોટ વિસ્તારોમાં જ કેસોની સંખ્યા વધી રહી છે.ગુજરાતમાં સુરતમાં ૬૯, અરવલ્લીમાં ૪, ભરુચમાં ૧,દાહોદમાં ૧, નવસારીમાં ૧, તાપીમાં ૧,વલસાડમાં ૧,વડોદરામાં ૬,ગીર સોમનાથમાં ૧, ખેડામાં ૧,રાજકોટમાં ૨ કેસ નોધાયા હતાં.
કોરોનાએ વધુ ત્રણ જિલ્લામાં એન્ટ્રી કરી લીધી છે.નવસારી,તાપી અને વલસાડ જિલ્લામાં કોરોનાનો પહેલો કેસ નોંધાયો છે.આ જોતા ૨૮ જિલ્લામાં કોરોનાનો પ્રકોપ છે.હવે માત્ર પાંચ જિલ્લા એવાં છેકે, જયાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી.
જોકે,કોરોનાના કેર વચ્ચે સારા સમાચાર એછેકે, ગાંધીનગર કોરોનાથી મુક્ત થયુ છે.બધાય પોઝિટીવ દર્દીઓને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા છે.હવે ગાંધીનગર જિલ્લામાં કોરોનો પોઝિટીવનો એકેય કેસ નથી. અત્યાર સુધીમાં ગુજરાતમાં કુલ ૧૩૯ લોકો કોરોનાને મ્હાત આપી સ્વસ્થ થયા છે.આજે પણ ૮લોકોને હોસ્પિટલમાંથી રજા અપાઇ છે. રાજ્ય આરોગ્ય વિભાગે અત્યાર સુધીમાં કુલ ૩૫૫૪૩ કોરોનાના ટેસ્ટ કર્યા હોવાનો દાવો કર્યો છે.
છેલ્લા ૨૪ કલાકમાં જ હોટ સ્પોટ વિસ્તારોમાં ૩૫૧૩ ટેસ્ટ કરવામાં આવ્યા છે. કોરોનો પોઝિટીવ દર્દીઓને સારી તબીબી સારવાર મળી રહે તે માટે રાજ્ય સરકારે આઇએએસ અધિકારીઓને જિલ્લાઓની ય જવાબદારી આપવામાં આવી છે.રાજ્ય સરકારને આશા છેકે, જો લોકો લોકડાઉનનુ પાલન કરશે તો,આગામી દિવસોમાં કોરોના કાબુમાં આવી જશે.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/34Ve9pb
via Latest Gujarati News
0 Comments