લોકડાઉનને લીધે કપાસની પ્રાપ્તિ બંધ હોવાથી 40 લાખ ખેડૂતો પર આર્થિક સંકટ


મુંબઈ,  તા. 26 એપ્રિલ 2020, રવિવાર

એપ્રિલ પુરો થવા આડે માત્ર ચાર દિવસ છે ત્યારે મહારાષ્ટ્રમાં કપાસની પ્રાપ્તિ (સરકારી ખરીદી) નિરાશાજનક ચિત્ર ઊભું કરે છે. કોટન કોરપોરેશન ઓપ ઈન્ડિયા (સીસીઆઈ) અને એનું સબ- એજન્ટ મહારાષ્ટ્ર સ્ટેટ કોઓપરેટીવ કોટન ફેડરેશન (એમએસસીસીએફ) કોરોના વાઈરસને કારણે આવી પડેલા લોકડાઉન વચ્ચે પોતાના કેન્દ્રો ફરી શરૂ કરવા પ્રયાસ કરી રહ્યા હોવા છતાં આ સ્થિતિ છે.

૨૨મી માર્ચ સુધીમાં સીસીઆઈ અને એમએસસીસીએફએ મળીને ૧.૬૬ લાખ ખેડૂતો પાસેથી કપાસ ખરીદ્યો હોવાનું મહારાષ્ટ્રના સહકાર ખાતાનો ડાટા જણાવે છે. સીસીઆઈએ ૯૦ લાખ ક્વિન્ટલ અને એમએસસીસીએફે ૫૪ લાખ ક્વિંટલ કપાસ ખરીદ્યો હતો. રોકડિયા પાક માટે ખેડૂતોને રૂા.૨૩૪૦ કરોડ ચુકવાયા હતા.

અલબત્ત, ૨૪મી માર્ચથી શરૂ થયેલા દેશવ્યાપી લોકડાઉને કપાસ પ્રાપ્તિની પ્રક્રિયા પર બ્રેક લગાવી દીધી છે. એને પરિણામે, રાજ્યના ૪૨લાખ કપાસ ઉત્પાદક ખેડૂતોમાંથી મોટાભાગના લોકોએ અનિશ્ચિત કાળ સુધી રાહ જોવાનો વારો આવ્યો છે.

'લોકડાઉને કપાસની પ્રાપ્તિ પ્રક્રિયા ખોરવી નાખી છે. પ્રાપ્તિ કેન્દ્રો પોતાનું કામકાજ ફરી શરૂ કરવા પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ કોવિડ-૧૯ને કારણે લાગેલા પ્રતિબંધો અને કામદારોની અછતને લીધે એને કંગાળ પ્રતિસાદ મળી રહ્યો છે', એમ મહારાષ્ટ્રના સહકાર ખાતાના મંત્રી અને એનસીપીના નેતા બાળાસાહેબ પાટીલે જણાવ્યું હતું.

કેન્દ્ર અને રાજ્ય સરકારોએ લોકડાઉન માટેની પોતાની નવી ગાઈડલાઈન્સમાં કૃષિ અને એની સાથે જોડાયેલી પ્રવૃત્તિઓને લોકડાઉનમાંથી બાકાત રાખી છે. સીસીઆઈએ પણ પોતાના લેખિત આદેશોમાં રાજ્ય સરકારને કપાસની પ્રાપ્તિ ચાલુ રાખવા જણાવ્યું હતું. એમાં માત્ર એટલી શરત હતી કે પ્રાપ્તિ કેન્દ્રો પર સોશ્યલ ડિસ્ટન્સિંગના નિયમો ચુસ્તપણે પાળવા અને કેન્દ્રોમાં રોજના ૩૦થી ૪૦ ખેડૂતો પાસેથી જ કપાસ ખરીદવો.

મહારાષ્ટ્ર દેશનું બીજા નંબરનું સૌથી વધુ કપાસ ઉગાડતું રાજ્ય છે. રાજ્યમાં ૪૪ લાખ હેકટર જમીન પર કપાસની ખેતી થાય છે. સીસીઆઈ અને એમએસસીસીએફના કેન્દ્રો મારફત ખેડૂતો પાસેથી કપાસની ખરીદી થાય છે.

માર્ચના અંતે અથવા એપ્રિલના પ્રથમ સપ્તાહ સુધીમાં ખેડૂતોને નાણા પણ ચુકવી દેવાય છે. પરંતુ લોકડાઉનને કારણે ખેડૂતોને પોતાનો કપાસ ઘરોમાં અથવા નજીકની એપીએમસી બજારોમાં રાખવાની ફરજ પડી છે. લોકડાઉનને લીધે આર્થિક મુશ્કેલીમાં આવી પડેલા ખાનગી વેપારીઓ કપાસની ખરીદી ન કરી રહ્યા હોવાથી ખેડૂતોએ સીસીઆઈ અને એમએસસીસીએફ પર જ બધો આધાર રાખવાનો આવ્યો છે. જે વેપારીઓ ખરીદી  કરી રહ્યા છે તેઓ પણ ક્વિન્ટલ રૂા.૩૦૦૦ જેટલો નીચો ભાવ આપે છે. જ્યારે સીસીઆઈ અને એમએસસીસીએફ ખેડૂતોને કપાસના ગ્રેડના આધારે ક્વિન્ટલે દીઠ રૂ.૪૫૦૦થી ૫૦૫૦ સુધીનો ભાવ ચુકવે છે.



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3bHFPAC
via Latest Gujarati News

Post a Comment

0 Comments