
મુંબઈ, તા.22, એપ્રિલ, 2020, બુધવાર
છેલ્લા ૨૮ દિવસથી ૧૪૬ ભારતીયો મુંબઈના કિનારાથી ૮૪ દરિયાઈ માઈલના અંતરે મારેલા ડિસ્કવરી નામની પેસેન્જર શીપ (જહાજ)માં અટવાયા હતા. તેઓ શીપમાંથી કિનારે ઉતરવા કેન્દ્ર સરકારની મંજુરીની રાહ જોઈ રહ્યા હતા. મુંબઈના એક અંગ્રેજી દૈનિકની મહિલા રિપોર્ટરે આ બાબત સત્તાવાળાઓને ધ્યાન પર લાવતા તેઓ સક્રિય થઈ ગયા હતા. અંતે મુંબઈ પોર્ટ ટ્રસ્ટ (એમપીટી)ના ચેરમેન સંજય ભાટિયાએ મંગળવારે રાત્રે એવી માહિતી આપી હતી કે શીપને મુંબઈના કિનારે લાંગરવા દેવાશે અને ૧૪૬ ભારતીયો એમાંથી ઉતરી શકશે. એમને આઈસોલેશનમાં રાખવામાં આવશે.
મંગળવાર બપોર સુધીમાં શીપને ઈંધણ ભરવા મુંબઈના બારામાં પ્રવેશ કરવાની પરવાનગી અપાઈ હતી. ઈંધણભર્યા બાદ શીપે ફરી મુંબઈથી દૂરના દરિયામાં ચાલ્યા જવાનું હતું. મંગળવારના ઘટનાક્રમ બાદ શીપ પરના ભારતીય નાગરિકોના સંતાપનો અંત આવ્યો છે અને ભારત સરકારે એમને શીપમાંથી ઉતરવાની મંજુરી આપી દીધી છે. શીપમાં અટવાયેલા લોકો મુંબઈ, ગોવા, કલકત્તા, કોચીન, દિલ્હી, હૈદરાબાદ અને ચેન્નઈના રહેવાસીઓ છે. બુધવાર બપોર સુધીમાં કેન્દ્રની પરવાનગી ન મળી હોત તો શીપ પેસેંજરો માટે યુરોપ જવા રવાના થઈ જવાની હતી.
શીપની ડયુટી ફ્રી શોપમાં કામ કરતા મેક્વિન કોલાસા (૨૯)એ જણાવ્યું હતું કે ક્રુના સભ્યોની વિગતો ભારત સરકારના ડાયરેક્ટર જનરલ ઓફ શિપિંગને મોકલી દેવાઈ છે. અમારા બધાનું નિયમિતપણે હેલ્થ ચેક-અપ કરાતું હતું અને અમારા પૈકી કોઈને શરદી, ઉધરસ કે તાવ નથી. છતાં સરકારને શંકા હોય તો તે અમને આઈસોલેશન સેંટરમાં મોકલી શકે છે. મહારાષ્ટ્ર સરકારે એ માટે વ્યવસ્થા કરી હોવાનું અમને જાણવા મળ્યું છે.
વસઈનો રહેવાસી મેક્વિન ગઈ ક્રિસમસમાં ઘરેથી શીપ પર જવા નીકળ્યો હતો. મેક્વિનની પત્ની ગ્રીનિટા (૨૮)ની વ્યથા એવી હતી કે એનો પતિ આટલો નજીક હોવા છતાં ઘરે નહોતો આવી શકતો. એને પાંચ મહિનાનું બાળક છે.
મારેલા ડિસ્કવરી નામની આ શીપ ૧૪ માર્ચે બેંગકોકથી રવાના થઈ હતી અને ત્યારથી કોઈ બંદરે લાંગર્યા વિના છેલ્લા ૪૦ દિવસથી દરિયામાં જ હતી. શીપમાં ૨૦૦૦ પેસેન્જરો અને ૭૦૦ ક્રુ રહી શકે છે. હાલ શીપમાં ૬૫૩ ક્રુ છે, જે પૈકી ૧૪૬ ભારતીય નાગરિકો છે.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3btSVBi
via Latest Gujarati News
0 Comments