કોરોનાના કાળમુખ પડછાયામાં ધીમેં પગલે ટીબીનો પંજો પણ ફેલાઈ રહ્યો છે


-  કોરોનાના  દરદીઓની  સારવારમાં  ક્ષયના  દરદીઓની નોંધણી બહુ  ઓછી થઈ

- મુંબઈની  ચાલીઓ- ઝૂંપડપટ્ટીઓમાં પણ ટીબીના દરદીઓ છે

નવી દિલ્હી, તા. 19 એપ્રિલ 2020, રવિવાર

એક તરફ ભારતભરમાં  કોરોનાની  જીવલેણ મહામારીનો ફફડાટ  ફેલાઈ ગયો  છે.  તમામ સરકારી  તંત્ર અને તબીબી  કર્મચારીઓ  કોરોના પર સંપૂર્ણ  કાબુ  મેળવવા રાતદિવસ  મહેનત  કરે છે. બીજી બાજુ  બહુ  શાંત રીતે અને ધીમે પગલે  દેશમાં  ટયુબરક્યુલોસીસ  (ટી.બી.- ક્ષય)  ની બીમારી પણ  ફેલાઈ રહી હોવાના ચિંતાજનક  અહેવાલો  મળે  છે.

ટી.બી.  રોગ વિશેની  જાણકારી  મેળવીને  તેની વિશે જાગૃતિ  ફેલાવી રહેલી  એક સામાજિક સંસ્થાના સૂત્રોના  કહેવા મુજબ ૧૪ થી ૨૯, ફેબુ્રઆરી ૨૦૨૦ ફક્ત  ૧૬ દિવસના ટૂંકા સમયગાળામાં  આખા દેશમાં  ટીબીના ૧,૧૪,૪૬૦  કેસ નોંધાયા  તા.  આમાંના  ૮૩,૬૯૭ કેસ  સરકારી  હોસ્પિટલોમાં   જ્યારે  બાકીના ૩૦,૭૬૩  કેસ ખાનગી  હોસ્પિટલોમાં  નોંધાયા હતા.

જો કે ૧થી ૧૪ એપ્રિલ - ૨૦૨૦  ના  કોરોના લોકડાઉન દરમિયાન  ટીબીના કેસની સંખ્યા  ફક્ત ૧૯,૧૪૫ નોંધાઈ  હતી.  આમાંના  ૧૫,૮૧૩  કેસ સરકારી હોસ્પિલોમાં  નોંધાયા  હતા.  આમ   તો ત્રણ સપ્તાહના લોકડાઉન દરમિયાન ક્ષયના  કુલ દરદીઓની સંખ્યા  ૩૪,૫૬૬ નોંધાઈ હતી.

સરકારના  આરોગ્ય  ખાતાના સૂત્રોનાકહેવા મુજબ  ક્ષયને  કારણે  દેશમાં દરરોજ  સરેરાશ  ૧૪૦૦  દરદીના મૃત્યુ  થાય છે.

તબીબી  નિષ્ણાતોએ  એવી ચેતવણી  પણ આપી  હતી  કે ક્ષયના  દરદીઓની નોંધણી  બહુ  ઓછી થઈ રહી  છે.  તે ખરેખર ચિંતાજનક  બાબત  છે.  આવનારા સમયમાં  ટીબીના  દરદીઓની સંખ્યામાં  મોટો વધારો થવાની શક્યતા છે. હાલના સંજોગોમાં  ટીબીના  દરદીઓને  પૂરતી  અને સમયસરની સારવાર  અને દવા નહીં મળતી હોવાથી આ રોગચાળો   કદાચ વધુ  ફેલાય તેવી િંચંતા નકારી  ન શકાય.  આમ પણ ટીબીના  દરદીની સારવાર ઘણી લાંબી હોય  છે.

ઉત્તર  પ્રદેશના  સૂત્રોના  કહ્યા મુજબ આખા  ભારતની ક્ષયના સૌથી  વધુ દરદીઓ ઉત્તર પ્રદેશમાં  છે. હાલ ઉત્તર પ્રદેશના કુલ ૩૧ જિલ્લામાં ટીબીના દરદીઓની  નોંધ કરવાની  અને  જાગૃતિ  ફેલાવવાની  કામગીરી  થઈ રહી  છે.  હાલ ઉત્તર પ્રદેશમાં ટીબીના ૪,૭૫,૦૦૦  કેસ નોંધાયા  છે, જે  પરિસ્થિતિ  અમારા માટે ખરેખર પડકારરૂપ  છે. આટલી  મોટી સંખ્યાના  દરદીઓને  અમારે  જરૂરી  દવા  અને અન્ય  સારવાર  સમયસર આપવાની  છે.  અમારા  ઘણાં કર્મચારીઓ  હાલ કોરોનાના   દરદીઓની  સારવારમાં  છે. વળી રાજ્યની  અમુક ખાનગી હોસ્પિટલો પણ બંધ  છે.  આવા ચિંતાજનક  સંજોગોમાં  ટીબીના લક્ષણો ધરાવતી  વ્યક્તિઓને  પૂરતી  તબીબી  સુવિધા કદાચ ન મળે તેવું પણ બની રહે.  આવી પરિસ્થિતિને  કારણે જ રાજ્યના ટીબીના દરદીઓની સંખ્યાની નોંધ  નથી થઈ શકી.  જો કે આવી જ ચિંતાજનક પરિસ્થિતિ  દેશના અન્ય  રાજ્યોમાં  પણ  છે.

બીજી બાજુ  વડાપ્રધાન  નરેન્દ્ર મોદીએ  ૨૦૨૫ ના  અંત સુધીમાં  ક્ષય રોગને સંપૂર્ણ  નાબૂદ  કરવાની  યોજના  બનાવી  છે.  આ કાર્યક્રમ સમગ્ર  વિશ્વની 'ક્ષયમુક્ત'   યોજના  કરતાં  પાંચ વર્ષ વહેલો  છે.

ટીબીના  નિષ્ણાત ડોક્ટરોએ  એવી ચેતવણી  આપી  છે કે  ભારતમાં  ક્ષયની  બીમારી પર કાબૂ  મેળવવા  સરકારે  બહુ તાકીદની  અને સચોટ  કામગીરી શરૂ કરવી જરૂરી  છે. નહીં  તો અસંખ્ય  દરદીઓનાં મૃત્યુ થઈ  શકે  છે.  ટીબીની મહામારી  પણ ફેલાય તેવી શક્યતા  નકારી ન શકાય. 

કેન્દ્ર  સરકારના આરોગ્ય  ખાતાએ  એવી  ચિંતા પણ વ્યક્ત  કરી હતી  કે  ભારતમાં  ૨૦૧૪ - ૨૦૧૫  દરમિયાન  ઈબોલાનો  રોગચાળો  ફેલાયો  હતો.   ઈબોલાના દરદીઓ  પર વધુ ધ્યાન આપવાથી  રાબેતામુજબની અન્ય  બીમારીના  દરદીઓની  સારવારમાં  થોડું ઓછું ધ્યાન  અપાયું હતું.  એટલે તે સમયગાળામાં  ઈબોલાનાં દરદીઓ ઉપરાંત  મેલેરિયા,  એઈડ્ઝ, ટીબી અને  ઓળી-અછબડાનાં  દરદીઓનાં  પણ મૃત્યુ  થયાં હતાં.

બિહાર  સરકારના  ટીબીની બીમારી પર દેખરેખ રાખતા કે.એન. સહાયે પણ જણાવ્યું હતું  કે હાલ અમારા  રાજ્યમાં  પણ ટીબીનાં  ૧,૨૫,૦૦૦  દરદીઓને  સારવાર  મળે છે.   ક્ષયના આતમામ   દરદીઓને પણ જરૂર  દવા- સારવાર  નિયત  સમયમાં મળે તેવી અમે  પૂરતી કોશિષ  કરી રહ્યા છીએ.  હા, લોકડાઉનને  કારણે ક્ષ?ના અમુક  દરદીઓ  સરકારી હોસ્પિટલ સુધી નથી પણ   આવી  શકતા.  અમે  તેઓની પણ કાળજી રાખીએ છીએ.

સમગ્ર વિશ્વમાં  ટીબીના  સૌથી વધુ  દરદીઓ  ભારતમાં  છે.  આંતરરાષ્ટ્રીય  સ્તરે ટીબી  ગંભીર  બીમારી  ગણાય છે.  ભારતમાં દર  વરસે  ટીબીનાં ૪,૮૦,૦૦૦  દરદી મૃત્યુ  પામે  છે.  ઉપરાંત ૧૦  લાખ જેટલા કેસ નોંધાતાજ નથી.

મુંબઈમાં પણ  ક્ષયના  દરદીઓની  ચિંતાજનક   સંખ્યા  નોંધાઈ  હતી.  મુંબઈ મેટ્રોપોલિટન  રિજન  ડેવલપમેન્ટ ઓથોરિટી  (એમ.એમ.આર.ડી.એ.)  દ્વારા થયેલા એક  વ્યાપક   અભ્યાસ  દ્વારા  જાણવા મળ્યું હતું  કે મહાનગરીની  ચાલીઓમાં  અને ઝૂંપડપટ્ટીઓમાં  ક્ષયનાં સૌથી વધુ  દરદીઓ  હતાં.  મુંબઈની ચાલીઓ અને ઝૂંપડપટ્ટીઓ નજીક અને તેની  ફરતે ગગનચૂંબી  ઈમારતો  બંધાઈ ગઈ હોવાથી તેમાં રહેતાં લોકોને પૂરતો  સૂર્યપ્રકાશ નથી મળતો.  અપૂરતા  સૂર્યપ્રકાશથી  શરીરમાં ઉર્જા,  ચેતના અને સ્ફૂર્તિનો  અભાવ  રહે. સાથોસાથ વિટામીન- 'ડી ' નો  પણ અભાવ રહે.  વળી,  મુંબઈની ચાલ અને ઝૂંપડપટ્ટીઓમાં ક્ષયના  દરદીઓમાં ૧૪ થી ૧૮ વર્ષની  કિશોરીઓની  સંખ્યા  ચિંતાજનક રીતે વધુ હોવાનું  પણ તકે અભ્યાસ  દ્વારા જાણવા  મળ્યું હતું.



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3ez9lKx
via Latest Gujarati News

Post a Comment

0 Comments