લોકડાઉનના અમલ વચ્ચે ઈન્ડસ્ટ્રી રિસ્ટાર્ટ પણ અઢળક અવરોધોની હારમાળા તો યથાવત જ


- ઓટોમોબાઈલ, કન્ઝ્યુમર ડયુરેવલ, સ્માર્ટ ફોન - ઈલેક્ટ્રોનીક્સ તેમજ રિયલ એસ્ટેટ ઈન્ડસ્ટ્રીએ રિસ્ટાર્ટનું બટન દબાવ્યું નથી

નવી દિલ્હી, તા. 21 એપ્રિલ 2020, મંગળવાર

કોરોના મહામારીના પગલે અમલી બનાવાયેલ લોકડાઉનના આકરા અમલ વચ્ચે સરકાર દ્વારા સોમવારથી દેશમાં વિવિધ ઈન્ડસ્ટ્રી/ઉદ્યોગોને પુન: ધમધમતા કરવા તબક્કાવાર છૂટ આપવામાં આવી છે. પરંતુ, અઢળક અવરોધોની હારમાળાને કારણે અનેક ઈન્ડસ્ટ્રી કામકાજ શરૂ કરી શકી નથી તો બીજી તરફ જ્યાં કામકાજ શરૂ થયા છે તેનું પ્રમાણ સામાન્ય રહેવા પામ્યું છે.

સમગ્ર ગતિવિધીથી વાકેફ સૂત્રોના જણાવ્યા મુજબ સરકાર દ્વારા ઉત્પાદન શરૂ કરવા છૂટ તો અપાઈ છે પરંતુ અનેક ઈન્ડસ્ટ્રી છૂટછાટ સંદર્ભે વધુ સ્પષ્ટતા ઈચ્છે છે. આ ઉપરાંત હાર્ટસ્પોટ ઝોનમાં કોઈ છૂટછાટ અપાઈ ન હોવાના કારણે પણ અનેક ઈન્ડસ્ટ્રી રિસ્ટાર્ટ બટનને પુશ કરવામાં મુશ્કેલી અનુભવી રહી છે.

ઉપલબ્ધ સરકારી ડેટા મુજબ દેશભરમાં અંદાજે ૧૭૦ જેટલા જિલ્લા હાલ હોટસ્પોટ ઝોનમાં છે. આવા હોટસ્પોટ ઝોનમાં વિવિધ ઈન્ડસ્ટ્રીને કાચો માલ સામાન પૂરો પાડતી એસએમઈ કાર્યરત છે તો કેટલાક વિસ્તારોમાં કારીગરો પણ વસતા હોઈ તેમની અવરજવર પર પણ પ્રતિબંધ મુકાયેલો છે.

દરમિયાન દિલ્હી, મહારાષ્ટ્ર, તામિલનાડુ, કર્ણાટક અને તેલંગાણા ખાતે લોકડાઉનને લંબાવવા સહિત તેનો આકરો અમલ થઈ રહ્યો છે. આ રાજ્યોમાં અનેક ઈન્ડસ્ટ્રીની સપ્લાય ચેઈન હોવાના કારણે તેઓ કાર્યરત થવાની હાલ સંભાવના નથી. જેથી મુખ્ય ઈન્ડસ્ટ્રી પુન: ધમધમતી થવાની શક્યતા ઓછી છે. 

ઉદ્યોગો એકબીજા પર નિર્ભર હોવાથી વધુ યુનિટસને મંજૂરી મળે તે જરૂરી છે.

આ ઉપરાંત મુખ્ય મુદ્દો લેબર અંગેનો છે. દેશભરના ઔદ્યોગિક એકમોના વિસ્તારમાંથી શ્રમિકો પોતાના વતન ભેગા થઈ ગયા છે. કોઈપણ પ્રકારનું ઉત્પાદન હાથ ધરતા પહેલા શ્રમિકોની પૂરતી ઉપલબ્ધી અનિવાર્ય હોય છે. આમ, શ્રમિકો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ ન હોવાના કારણે પણ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે.

આમ, વિવિધ પ્રતિકૂળતાના કારણે ઈન્ડસ્ટ્રી રિસ્ટાર્ટ યોજનાને ધારી સફળતા મળી નથી. વિવિધ પ્રતિકૂળતાના કારણે દેશમાં ઓટોમોબાઈલ, કન્ઝ્યુમર ડયુરેવલ, ફોન-ઈલેક્ટ્રોનીક્સ ચીજવસ્તુઓ તેમજ રીયલ એસ્ટેટ ઈન્ડસ્ટ્રીએ હજુ રિસ્ટાર્ટનું બટન દબાવ્યું નથી. હાલ જે ઈન્ડસ્ટ્રીએ કામકાજ શરૂ કર્યા છે તેનું પ્રમાણ પણ સામાન્ય હોવાનું જાણવા મળે છે.



from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3avhjkG
via Latest Gujarati News

Post a Comment

0 Comments