
મુંબઈ,તા.21, એપ્રિલ, 2020, મંગળવાર
મુંબઈને અડીને આવેલ મીરા-ભાયંદરના પરાંમાં કોરોનાના કેસ વધતા પ્રશાસને લોકડાઉનના નિયમોને વધુ સખત બનાવ્યા છે. રવિવારના એક જ દિવસમાં ૧૩ કોરોના પોઝિટિવ કેસ મળી આવતા ચિંતામાં વધારો થયો છે. અત્યાર સુધીમાં એક જ દિવસમાં મળેલાં આ સૌથી વધુ કેસ છે.
પ્રશાસને કોરોનાના પ્રાદુર્ભાવને રોકવા અનાજ-કરિયાણાની દુકાનો, શાકભાજી, બેકરી, ફળ માર્કેટ વગેરે ૨૩ માર્ચ સુધી બંધ રાખવાનો નિર્ણય લીધો છે. દવાની દુકાનો રાબેતા મુજબ ચાલું રહેશે, જ્યારે દુધની દુકાનો ફક્ત સવારે પાંચથી નવ જ ખુલ્લી રહેશે. જોકે જીવનજરૃરી વસ્તુઓની હોમ ડિલિવરી સવારે નવથી સાંજે પાંચ સુધી ચાલું રહેશે.
થાણે ગ્રામીણ પોલીસે તેમનું પેટ્રોલિંગ વધારી નાંખી બિનજરૃરી વાહનો બહાર ન નીકળે તે માટે નિયંત્રણો સખત કર્યા છે. લોકો હજી પણ કામ વગર મોટી સંખ્યામાં બહાર નીકળતા હવે પ્રશાસનની પણ ધીરજ ખૂટી છે અને તેમણે સખત પગલાં લેવાનું શરૃ કર્યું છે.
સોમવારે પણ કોવિડ-૧૯ના બીજા ૧૨ નવા કેસ નોંધાતા કુલ આંકડો ૯૪ પર પહોંચી ગયો હતો. અત્યાર સુધીમાં કોરોનાને કારણે અહીં બે જણ મૃત્યુ પામ્યા છે. જ્યારે આઠ વ્યક્તિઓ કોરોનામુક્ત પણ થયા છે. અત્યાર સુધીમાં લીધેલાં ૫૦૨ સેમ્પલમાંથી ૮૬ સેમ્પલના રિપોર્ટ આવવાના બાકી છે.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2VQhFwT
via Latest Gujarati News
0 Comments