
મુંબઈ, તા. 23 એપ્રિલ 2020, ગુરૂવાર
બેન્કો તથા નોન-બેન્કિંગ ફાઈનાન્સ કંપનીઓ પાસેથી નાણાં મેળવવામાં કંપનીઓને એકતરફ મુશકેલી નડી રહી છે તેમ છતાં બોન્ડસ મારફત બજારમાંથી નાણાં ઊભા કરવાની માત્રામાં ઘટાડો જોવાયો છે. જે પાછળનું કારણ ઘરઆંગણે વ્યાજનું ઊંચુ પ્રમાણ જોવાઈ રહ્યું છે. ઘરઆંગણેથી નાણાં ઊભા કરવાને બદલે ભારતીય કંપનીઓ એકસટર્નલ કમસઅલ બોરોઈંગ્સ (ઈસીબી) મારફત નાણાં ઊભા કરવાનું વધુ પસંદ કરી રહી હોવાનું પણ જોવા મળે છે.
સમાપ્ત થયેલા નાણાં વર્ષ ૨૦૧૯-૨૦માં ભારતીય કંપનીઓએ ઘરેલું બજારમાં બોન્ડસ મારફત રૂપિયા ૬.૭૨ ટ્રિલિયન ઊભા કર્યા હતા. જ્યારે તેનાથી પાછલા વર્ષમાં આ આંક રૂપિયા ૬.૭૯ ટ્રિલિયન રહ્યો હતો. આમ સમાપ્ત થયેલા નાણાં વર્ષમાં બોન્ડસ મારફત નાણાં ઊભા કરવાની માત્રા ૧.૧૦ ટકા ઓછી રહી હતી.
કંપનીઓની ક્ષમતા ઉપયોગીતાનું સ્તર નીચે રહેતા ઈન્વેસ્ટમેન્ટસ માટેની માગ પણ નીચી રહી છે. બોન્ડસ મારફત નાણાં ઊભા કરવાની માત્રામાં છેલ્લા ચાર વર્ષમાં બીજી વખત ઘટાડો જોવા મળ્યો છે. નાણાં વર્ષ ૨૦૧૮માં તો ૯ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો, જ્યારે ૨૦૧૯માં તેમાં ૧.૪૦ ટકા વૃદ્ધિ રહી હતી.
કેર રેટિંગ્સના એક રિપોર્ટ પ્રમાણે, નાણાં વર્ષ ૨૦૨૦માં કુલ ભરણાંમાંથી ૯૮ ટકા ભરણાં પ્રાઈવેટ પ્લેસમેન્ટ રુટ મારફતના હતા. ગયા નાણાં વર્ષમાં જાહેર જનતા પાસેથી રૂપિયા ૧૫૦૦૦ કરોડ ઊભા થઈ શકયા હતા જે ૨૦૧૯ની સરખામણીએ ૬૦ ટકા ઓછા હતા.
લાંબા ગાળાની મુદત માટે નાણાં ઊભા કરવા ઈક્વિટી બજાર, ઈસીબી તથા આંતરિક સ્રોતો ઉપરાંત બોન્ડસ પણ એક મહત્વનો માર્ગ છે. બોન્ડસ મારફત ઊભા કરાતા નાણાંનો ઉપયોગ સામાન્ય રીતે ઉત્પાદન ક્ષેત્રમાં ઈન્વેસ્ટમેન્ટ માટે કરવામાં આવે છે.
ગયા નાણાં વર્ષમાં કોર્પોરેટ બોન્ડસ મારફત નાણાં ઊભા કરનારી કંપનીઓમાં નાણાંકીય ક્ષેત્રની કંપનીઓનો હિસ્સો ૭૦.૬૦ ટકા રહ્યો હતો જે નાણાં વર્ષ ૨૦૧૯માં ૭૮.૪૦ ટકા રહ્યો હતો. નોન-ફાઈનાન્સિઅલ સેગમેન્ટનો હિસ્સો ૧૮.૧૦ ટકા પરથી વધી ૨૮.૨૦ ટકા પર રહ્યો હોવાનું પણ પ્રાપ્ત આંકડા જણાવે છે.
દેશમાં બોન્ડસ મારફત નાણાં ઊભા કરવા કરતા વિદેશમાંથી સસ્તા વ્યાજ દરે નાણાં ઊભા કરવાનું રેટેડ કંપનીઓ માટે ઓછું ખર્ચાળ સાબિત થાય છે. ગયા નાણાં વર્ષના પ્રથમ ૬ મહિનામાં વિદેશમાંથી નાણાં ઊભા કરવાની માત્રામાં ૫૫ ટકા વધારો થયો હતો.
from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2S5dAE2
via Latest Gujarati News
0 Comments