
- સેન્સેક્સ તેમજ મિડકેપ ઇન્ડેક્સમાં તળિયાની સપાટીથી ૨૩ ટકાનો : જ્યારે સ્મોલકેપ ઇન્ડેક્સમાં ૨૬ ટકાનો સુધારા
દેશમાં કોરોના મહામારી ફેલાતા અમલી બનાવાયેલ લોકડાઉનને આજે એક માસ પૂરો થયો છે. આ એક માસ દરમિયાન શેરબજારમાં ભારે ઉથલપાથલના અંતે સેન્સેક્સ અને મિડકેપની તુલનાએ સ્મોલકેપ ઇન્ડેક્સ અને આ સેગમેન્ટના શેરોમાં સંગીન સુધારો જોવા મળ્યો હતો.
ચીન બાદ સમગ્ર વિશ્વમાં ઝડપથી પ્રસરેલ કોરોના વાઇરસની ચપેટમાં ભારત પણ આવી ગયું હતું. ભારતમાં પણ તેને વિકરાળ રૂપ ધારણ કરતા આ વાઈરસ ઝડપથી પ્રસરે નહિ તે માટે દેશમાં ગત તા. ૨૩ માર્ચથી લોકડાઉનનો અમલ કરવામાં આવ્યો હતો. આ વાઈરસ ઝડપથી પ્રસરતા લોકડાઉનનો પિરિયડ તા. ૩ મે સુધી લંબાવાયો છે.
આ એક માસ દરમિયાન વૈશ્વિક બજારોના પ્રતિકૂળ અહેવાલ તેમજ ઘરઆંગણે આ વાઈરસનો કહેર વધતા ભારતીય શેરબજાર પર તેની ભારે પ્રતિકૂળ અસર પડવા સાથે બજારમાં ભારે ખાનાખરાબી સર્જાવા પામી હતી જેના પગલે બજારના ઇન્ડેક્સ તળિયે પટકાયા હતા. ઉદ્દભવેલ આ પ્રતિકૂળ માહોલના પગલે માર્ચ માસ દરમિયાન સેન્સેકસમાં ઓક્ટોબર ૨૦૦૮ પછીનો સૌથી મોટો માસિક કડાકો નોંધાયો હતો. જ્યારે સ્મોલકેપ અને મિડકેપ ઇન્ડેક્સમાં અનુક્રમે ૩૦ અને ૨૮ ટકાનું ગાબડું નોંધાયું હતું. જો કે પાછળથી વાઈરસ સામે સુરક્ષા અંગેના અહેવાલ સહિતના અન્ય પ્રોત્સાહક અહેવાલો પાછળ બજાર તળિયાની સપાટીથી બાઉન્સબેક થયું હતું.
વિવિધ સાનુકૂળ અહેવાલોને કારણે નીચા મથાળેથી નીકળેલ નવી લેવાલી પાછળ બજારમાં નોંધપાત્ર સુધારો થયો હતો. જેમાં લોકડાઉનના અમલના આજે એક માસ પછી સેન્સેક્સ તેમજ મિડકેપ ઇન્ડેક્સમાં તળિયાની સપાટીથી ૨૩ ટકાનો સુધારો થયો હતો.એ ઉલ્લેખનીય છે કે ગત તા. ૨૪ માર્ચે તે બાવન સપ્તાહની નીચી સપાટીએ ઉતરી આવ્યો હતો.
from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2VS4Sua
via Latest Gujarati News
0 Comments