કોરોનાવાઈરસની અસરને પરિણામે રિન્યુએબલ ઉર્જાની ક્ષમતામાં ઉમેરાનો ટાર્ગેટ ચૂકી જવાયો


મુંબઈ, તા. 23 એપ્રિલ 2020, ગુરૂવાર

સમાપ્ત થયેલા નાણાં વર્ષ ૨૦૧૯-૨૦માં ભારતમાં રિન્યુએબલઉર્જાની ક્ષમતામાં ઉમેરાનો ટાર્ગેટ સિદ્ધ થઈ શકયો નથી. સંપૂર્ણ વર્ષ દરમિયાન રિન્યુએબલ ઉર્જાની ક્ષમતામાં ૧૧૮૦૨ મેવોનો ઉમેરો કરવાનો ટાર્ગેટ રખાયો હતો પરંતુ ટાર્ગેટની સામે માત્ર ૮૭૧૧ મેવોનો ઉમેરો થઈ શકયો છે જે ટાર્ગેટના ૭૪ ટકા જેટલો છે. નાણાં વર્ષ ૨૦૧૮-૧૯માં ઉમેરાનો આંક ૮૪૩૨ મેવો રહ્યો હતો.

૨૦૧૯-૨૦માં સતત ચોથા વર્ષે  ક્ષમતામાં ઉમેરાનો ટાર્ગેટ ચૂકી જવાયો છે. ૨૦૧૬-૧૭માં ૧૧૩૨૦ મેવો જ્યારે ૨૦૧૭-૧૮માં ૧૧૭૫૪ મેવોનો ઉમેરો કરી શકાયો હતો. પરંતુ છેલ્લા બે વર્ષમાં ક્ષમતામાં ઉમેરો ૧૦,૦૦૦ મેવોથી નીચે રહ્યો છે, એમ સરકારી આંકડા જણાવે છે. 

ગયા નાણાં વર્ષમાં રિન્યુએબલ ઉર્જા ક્ષેત્રએ અનેક પડકારોનો સામનો કરવો પડયો હતો પરંતુ કોરોનાવાઈરસના ફેલાવાને કારણે ક્ષમતામાં ઉમેરામાં ખલેલ પડી છે. સોલાર મોડયૂલ્સના ઉત્પાદનમાં લાગતા કેટલાક ભાગોની પૂરવઠા સાંકળ ખોરવાઈ જતા ઉમેરો અટકી પડયો હતો. 

છેલ્લા કેટલાક વર્ષના ટ્રેન્ડ પર નજર નાખવામાં આવતા જણાય છે કે ક્ષમતામાં ઉમેરાની માત્રા જે તે નાણાં વર્ષના પાછલા છ મહિના ખાસ કરીને માર્ચ ત્રિમાસિકમાં સૌથી વધુ જોવા મળી છે. કારણ કે નાણાં વર્ષની સમાપ્તિ પહેલા પ્રોજેકટસ પૂરા કરવા માટે ધસારો થાય છે. જો કે આ વર્ષે વિવિધ પરિબળોએ તેના પર અસર કરી છે. 

સમાપ્ત થયેલા નાણાં વર્ષના પ્રથમ ૬ મહિનામાં ૪૨૭૩ મેવો ઉમેરો થયો હતો. રિન્યુએબલ ઉર્જામાં સૌર ઊર્જામાં ૬૪૪૭ મેવોનો ઉમેરો થયો છે જ્યારે ટાર્ગેટ ૮૫૦૦ મેવોનો રખાયો હતો. પવન ઉર્જાનો ઉમેરો ૩૦૦૦ મેવોના ટાર્ગેટ સામે ૨૦૬૮ મેવો થઈ શકયો છે. ૨૦૧૮-૧૯માં ઉમેરોનો આંક ૧૫૦૦ મેવો રહ્યો હતો.

૩૧મી માર્ચ ૨૦૨૦ના અંતે ગ્રીડ સાથે જોડાયેલ રિન્યુએબલ ઉર્જાની સ્થાપિત ક્ષમતા ૮૭૦૨૭ મેવો રહી હતી. જેમાં સોલાર વીજની ક્ષમતા ૩૪૬૨૭ મેવો તથા પવન ઉર્જાની ક્ષમતા ૩૭૬૯૪ મેવો રહી હતી એમ આંકડા વધુમાં જણાવે છે. 

કોવિડ-૧૯ની અસરને ધ્યાનમાં રાખી ઉર્જા મંત્રાલય રિન્યુએબલ ક્ષેત્રને વિવિધ ટેકા પૂરા પાડી રહ્યું છે. દેશમાં રિન્યુએબલ ઉર્જા માટેના સાધનોના ઉત્પાદન માટે સવલતો ઊભી કરવા મંત્રાલય પ્રોત્સાહનો પૂરા પાડવા ઈરાદો ધરાવે છે એમ ઉર્જા મંત્રાલયના સુત્રોએ જણાવ્યું હતું. આ માટે બંદરો ખાતે ખાસ જમીનો મેળવવાની યોજના છે. ચીન ખાતેથી અહીં એકમો સ્થાપવા માગતી કંપનીઓ પાસેથી અહીં ઈન્વેસ્ટમેન્ટ આકર્ષવામાં આવશે. રિન્યુએબલ ઉર્જા ઉત્પાદન માટે વપરાતા સિલિકોન ઈન્ગોટસ. સોલાર સેલ્સ તથા મોડયૂલ્સનું ઘરઆંગણે ઉત્પાદન વધારવા પર સરકાર ભાર આપી રહી છે એમ પણ સુત્રોએ જણાવ્યું હતું.



from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2S3dn4y
via Latest Gujarati News

Post a Comment

0 Comments