૨૦૨૩ સુધીના FTP ફેરફાર કરવા ICC તૈયાર: ટી-20 વર્લ્ડ કપ અંગે જુલાઈમાં નિર્ણય


દુબઈ/ક્રાઈસ્ટચર્ચ, તા.૨૩

વિશ્વભરના રમતજગત અને જનજીવનને થંભાવી દેનારી કોરોના મહામારીને કારણે ક્રિકેટ જગત પણ અટકી ગયું છે. કોરોનાના કારણે અટકી પડેલી શ્રેણીઓના પુનઃ આયોજનથી માંડીને આથિક સહિતની અસરોની ચર્ચા કરવા માટે આજે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સીલ (આઇસીસી)ની ચીફ એક્ઝિક્યુટિવ કમિટિની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ મિટિંગમાં વર્ષ ૨૦૨૩ સુધીના ભાવિ પ્રવાસ કાર્યક્રમોમાં જરુરિયાત મુજબ ફેરફાર કરવાનો નિર્ણય લેવાયો હતો. જોકે, ઓક્ટોબરમાં ઓસ્ટ્રેલિયન ભૂમિ પર યોજાનારા ટી-૨૦ વર્લ્ડ કપ અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નહતો. દરમિયાનમાં ન્યૂઝીલેન્ડ ક્રિકેટ બોર્ડના સીઈઓએ જણાવ્યું હતુ કે, ટી-૨૦ વર્લ્ડ કપ ૨૦૨૦ અંગે જુલાઈ પહેલા કોઈ નિર્ણય લેવામાં નહી આવે તે નક્કી છે. ટૂંકમાં ટી-૨૦ વર્લ્ડ કપનું ભાવિ જુલાઈમાં નક્કી થશે.

કોરોના કારણે હાલમાં પ્રવાસન બંધ છે, ત્યારે આઇસીસીની ચીફ એક્ઝિક્યુટીવ કમિટિની મિટિંગનું આયોજન ટેલિકોન્ફરન્સિંગથી કરવામાં આવ્યું હતુ. આ મિટિંગમાં હાલમાં ચાલી રહેલી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ અને જુન મહિનાથી શરૃ થનારી પ્રસ્તાવિત વન ડે લીગ અંગે ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવી હતી. જોકે આ અંગે આગામી દિવસોમાં કોઈ ફેંસલો લેવાનું નક્કી કરવામાં આવ્યું હતુ. આઇસીસીએ મિટિંગ બાદ જાહેર કરેલી એક યાદીમાં જણાવ્યું કે, કોરોના મહામારીને કારણે ક્રિકેટને ગંભીર અસર થઈ છે. હાલની પરિસ્થિતિ જોતાં અમારે વર્ષ ૨૦૨૩ સુધીના ભાવિ પ્રવાસ કાર્યક્રમમાં મોટાપાયે ફેરફાર કરવો પડે અને ઘણી બધી સિરીઝ તેમજ ટુર્નામેન્ટ માટે નવી તારીખો જાહેર કરી પડે તેમ છે. હવે અમે આ અંગેની વિસ્તૃત સમીક્ષા કરીને આગળની કાર્યવાહી હાથ ધરીશું. 

ઈંગ્લેન્ડનો શ્રીલંકા પ્રવાસ, ઓસ્ટ્રેલિયાનો ન્યૂઝીલેન્ડ પ્રવાસ તેમજ વિન્ડિઝ અને પાકિસ્તાનની ઈંગ્લેન્ડ સામેની શ્રેણી પર સ્થગિત કરવી પડી છે. આ સિવાય પણ અન્ય આંતરરાષ્ટ્રીય આયોજનો તેમજ દેશોની રાષ્ટ્રીય લીગને પણ ગંભીર અસર થઈ છે. ઓસ્ટ્રેલિયામાં ચાલુ વર્ષે ઓક્ટોબરમાં યોજાનારા ટી-૨૦ વર્લ્ડ કપ માટે વૈકલ્પિક આયોજનો પણ વિચારવામાં આવી રહ્યા છે. આઇસીસીએ આ મિટિંગમાં તમામ સભ્યોને તેની ટુર્નામેન્ટના વૈકલ્પિક આયોજન અંગેની પ્રક્રિયા જારી હોવાનું જણાવ્યું હતુ. 

દરમિયાનમાં ન્યૂઝીલેન્ડ ક્રિકેટ બોર્ડના સીઇઓ ડેવિડ વ્હાઈટે આ મિટિંગ શરૃ થયા પહેલા એ અંગેનો અણસાર આપ્યો હતો કે, હાલમાં અમે ટી-૨૦ વર્લ્ડ કપના આયોજન અંગે જુદા-જુદા વૈકલ્પિક આયોજનો વિચારી રહ્યા છીએ. અમારી વચ્ચે ઘણા મુદ્દે ચર્ચા થઈ છે. આમ છતાં હાલના તબક્કે તો કોઈ નિર્ણય લેવાયો નથી. મને લાગે છે કે, જુલાઈમાં આ અંગે અંતિમ નિર્ણય લેવાશે. 

ટી-૨૦ વર્લ્ડ કપના કાર્યક્રમમાં ફેરફારની સંભાવના

ક્રિકેટ ઓસ્ટ્રેલિયા તરીકે ઓળખાતા ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડના ચીફ એક્ઝિક્યુટીવ કેવિન રોબર્ટ્સે એવા સંકેત આપ્યા છે કે, ટી-૨૦ વર્લ્ડ કપના કાર્યક્રમાં ફેરફાર થઈ શકે છે. રોબર્ટ્સે કહ્યું કે, ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડ હાલમાં આઇસીસી સાથે ઘનિષ્ઠતાથી કામ કરી રહ્યું છે. ટી-૨૦ વર્લ્ડ કપની સ્થાનિક આયોજન સમિતિ અને સરકારની વચ્ચે વાટાઘાટો ચાલી રહી છે. ઓસ્ટ્રેલિયામાં ટી-૨૦ વર્લ્ડ કપનું આયોજન થાય તે માટે અમે તમામ વિકલ્પો વિચારી રહ્યા છીએ. અમે એવો પ્રયાસ કરી રહ્યા છીએ કે, ટી-૨૦ વર્લ્ડ કપની યાદગાર ઉજવણી થાય તેની સાથે સાથે બધા લોકો સલામત રહે. ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડને નાણાંકીય ફટકો પડયો છે અને હવે તેઓ ગમે તે ભોગે ટી-૨૦ વર્લ્ડ કપના આયોજન માટે ઉત્સુક છે. હાલના આયોજન પ્રમાણે તારીખ ૧૮મી ઓક્ટોબર થી ૧૫મી નવેમ્બર દરમિયાન ટી-૨૦ વર્લ્ડ કપ રમાશે. 

ટી-૨૦ વર્લ્ડ કપ ત્રણ મહિના માટે સ્થગિત થઈ શકે : ફિન્ચ

ઓસ્ટ્રેલિયાની મર્યાદિત ઓવરોની ટીમના કેપ્ટન આરોન ફિન્ચે કહ્યું છે કે, કોરોના મહામારીને કારણે ટી-૨૦ વર્લ્ડ કપ ત્રણેક મહિના માટે સ્થગિત કરવામાં આવી શકે છે. તેણે કહ્યું કે, હાલની મહામારીની સ્થિતિમાં ટી-૨૦ વર્લ્ડ કપના આયોજનને સ્થગિત કરવું પડી શકે છે. પરિસ્થિતિ અનુસાર તેને એક, બે કે ત્રણ મહિના માટે પણ સ્થગિત રાખવામાં આવી શકે છે. એક વખત કોરોના મહામારી પર કાબૂ મેળવી લેવામાં આવે તો પછી સ્ટેડિયમમાં પ્રેક્ષકો હોય કે ન હોય પણ ખેલાડીઓ તો રમવા માટે તૈયાર થશે જ તેમ મને લાગી રહ્યું છે.



from Sports News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/352j5sy
via Latest Gujarati News

Post a Comment

0 Comments