
મુંબઇ, તા.20, એપ્રિલ, 2020, સોમવાર
કોરોનાવાઇરસના કેસની સંખ્યા વધતી હોવા સાથે પુણે મ્યુનિસિપલ કોર્પોરેશન (પીએમસી) તથા પિમ્પરી ચિંચવડ મ્યુનિસિપલ કોર્પોરેશન (પીસીએમસી)નો સમાવેશ કરતા સમગ્ર પુણે શહેરને કન્ટેનમેન્ટ ઝોન (અવરજવર પર નિયંત્રણ મૂકાયેલો વિસ્તાર) ઘોષિત કરવામાં આવ્યું છે અને તેની સીમાઓ સીલ (બંધ) કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં મુંબઇ બાદ કોરોનાના સૌથી વધુ કેસ પુણેમાં છે.
પીએમસી કમિશનર શેખર ગાયકવાડે જણાવ્યું હતું કે પુણેમાં કોરોના કેસ વધતા જાય છે તે ચિંતાજનક છે. લોકડાઉન હોવા છતાં પીએમસીના ૧૫ વોર્ડ પૈકી ૧૩માં કોરોના કેસમાં ઝડપી વધારો થયાનું નોંધાયું છે. આ કારણે લોકોની અવરજવર પર આકરાંત નિયંત્રણો મૂકવાં જરૃરી બન્યા છે. પુણેમાં હજુ પણ કેસ વધવાની શક્યતા નકારી શકાય નહીં.
પીએમસી હેઠળના તમામ વિસ્તારને કન્ટેનમેન્ટ ઝોન ઘોષિત કરાયા છે. આરોગ્ય તથા કાયદો અને વ્યવસ્થાની તાકીદની સેવાઓ જળવાય તે માટે માત્ર રાજ્ય સરકાર તથા પાલિકાના વિભાગો કામગીરી કરશે. આથી પાલિકાઓની સીમાઓ આજે (રવિવાર) રાતથી સીલ કરવામાં આવશે તથા સ્થાનિક પોલીસ તેમના વિસ્તારો સીલ કરશે એમ ગાયકવાડે ઉમેર્યું હતું.
તેમણે વધુમાં કહ્યુ હતું કે સીમાઓ સીલ કરવાનો આદેશ ૨૭મી એપ્રિલ સુધી અમલમાં રહેશે અને તે દરમિયાન કોઇ પણ વ્યક્તિને પાલિકાની હદમાં પ્રવેશવા કે ત્યાંથી બહાર જવા દેવાશે નહીં.
જીવનજરૃરી ચીજો પૂરી પાડવામાં તથા તાકીદની સેવાઓમાં સંકળાયેલા લોકોને આ પ્રતિબંધમાંથી મુક્તિ છે. જ્યારે જરૃરી ચીજવસ્તુઓની દુકાનો પોલીસના આદેશ મુજબ મર્યાદિત સમય માટે ખુલ્લી રાખી શકાશે.
પુણે સિટિ પોલીસના એક અધિકારીએ કહ્યું હતું કે પીએમસીએ તેની સીમાઓ સીલ કરવાની જાણ કરી છે તેને પગલે સમગ્ર શહેરી વિસ્તારમાં શરતી સંચારબંધી (કરફ્યુ) લાદવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે પુણેના અનેક વિસ્તારોમાં દસેક દિવસથી આવી સંચારબંધી અમલમાં છે.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2VIX3qy
via Latest Gujarati News
0 Comments