
(વાણિજ્ય પ્રતિનિધિ) મુંબઈ તા. 23 એપ્રિલ 2020, ગુરૂવાર
કોરોના મહામારીના પરિણામે મૂડી બજાર નિયામક તંત્ર સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા(સેબી) દ્વારા કંપનીઓને વિવિધ રાહતો આપ્યા બાદ હવે સેબીએ કંપનીઓને શેરોનું બાયબેક કર્યા બાદ ફરી મૂડી ઊભી કરવા માટે સમય અંતર જે અત્યારે એક વર્ષનું જરૂરી છે, એ ઘટાડીને છ મહિના કરવાનો નિર્ણય લીધો છે. આ રાહત ત્વરિત અમલી બનીને ૩૧,ડિસેમ્બર ૨૦૨૦ સુધી લાગુ રહેશે એવું સેબીએ સ્પષ્ટ કર્યું છે.
પ્રવર્તમાન કોરોના મહામારીના સમયમાં દેશના વિવિધ ઉદ્યોગ સંગઠનો દ્વારા કરાયેલી રજૂઆતો અને બિઝનેસોને એનાથી મદદ મળી રહે એ માટે આ રાહત આપવાનો નિર્ણય લેવાયો છે. આ સપ્તાહના અગાઉ સેબીએ કંપનીઓ માટે મૂડી ઊભી કરવાનું સરળ બનાવવા પ્રાઈમરી માર્કેટમાંથી ફંડ એકત્ર કરવા માટેના ધોરણોને હળવા કર્યા હતા. આ સાથે સેબીએ ઈનિશિયલ પબ્લિક ઓફરીંગ(આઈપીઓ) અને રાઈટ ઈસ્યુઓ માટે મંજૂરીના સમયગાળામાં છ મહિનાનો વધારો કર્યો હતો. જે ૧,માર્ચ થી ૩૦,સપ્ટેમ્બર ૨૦૨૦ દરમિયાન અંતિમ તારીખ જે કંપનીઓની આવે છે એમને આ તારીખ લંબાવી આપવાનો નિર્ણય લાગુ થશે.
સેબીએ આ ઉપરાંત અગાઉ લિસ્ટેડ કંપનીઓ માટે શેરોનું વેચાણ સરળ કરવા રાઈટ ઈસ્યુઓની માર્ગરેખાઓમાં પણ વધુ ફેરફારોને માન્ય કર્યા હતા. નવા ધોરણો મુજબ કંપની ૧૮ મહિનાથી શેર બજારો પર લિસ્ટેડ હોય એ રાઈટ ઈસ્યુ થકી મૂડી ઊભી કરી શકે છે. જે અગાઉ જે કંપનીઓ ઓછામાં ઓછા ત્રણ વર્ષથી લિસ્ટેડ હોય એમને જ મંજૂરી મળતી હતી.
from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2x45g0d
via Latest Gujarati News
0 Comments